Abtak Media Google News

જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાનો નવતર પ્રયોગ

બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેક્ટર, પાંચ લેપટોપ, એક પીસી, આર્ટસ અને ક્રાફ્ટ્સના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન રખાશે:લોકોને આરોગ્ય-સ્વચ્છતાલક્ષી શિક્ષણ આપાશ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભિનવ પ્રયોગના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલી વિઝડમ ઓન વ્હીલ એટલે કે બસનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૧૪ના રોજ બપોરે ૩ વાગ્યે એરપોર્ટ પાસે યોજવામાં આવેલા એક કાર્યક્રમ બાદ પ્રસ્થાન કરાવવાના છે. સ્વાંત સુખાય યોજના હેઠળ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા વાઉ બસની અભિનવ પહેલ હાથ ધરવામાં આવી છે. ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી આ બસ રાજકોટ શહેર અને જિલ્લાના ખાસ વિસ્તારોમાં ફરશે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપી તેને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. સાથે સરકારની વિવિધ પ્રકારની યોજના અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.

Advertisement

વાઉ પ્રોજેક્ટ હેઠળ એક ખાસ પ્રકારની બસ પહેલથી જ સર્વે કરવામાં આવેલા વિસ્તારોમાં ફરશે અને ત્યાં જઇ બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવશે. જેથી બાળકમાં શિક્ષણ પ્રત્યેની અભિરુચિ જાગૃત થાય. બાદમાં બાળકનું તેમની નજીકની શાળામાં નામાંકન કરાવવામાં આવશે.

વાઉ પ્રોજેક્ટ બસમાં વિવિધ પ્રકારની સુવિધા હશે. બાળકોને સહશૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવા માટે એક શિક્ષક રાખવામાં આવશે. બસમાં રમકડા, ચિત્રકામ માટે કલર, મેગ્નેટિક વ્હાઇટ બોર્ડ, પ્રોજેક્ટર, પાંચ લેપટોપ અને એક પીસી, આર્ટસ અને ક્રાફ્ટ્સના સાધનો, વોશબેઝીન, પ્રાથમિક સારવારના સાધનો, સેનટરી નેપકિન વેન્ડિંગ મશીન, લખવા માટે પાટી રાખવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ સાથે મિટિંગ કરી શકાય એ માટે એક ફોલ્ડિંગ શેડ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી પ્રોજેક્ટર ઉપર વિવિધ વિષયોની જ્ઞાનવર્ધક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે.

બાળકોમાં રોજબરોજના જીવનમાં સારી આદતો કેવી રીતે કેળવી શકાય એનું જ્ઞાન આપવામાં આવશે.

બસમાં એક સેનટરી નેપકીન વેન્ડિંગ મશીન પણ રાખવામાં આવી છે. જેમાંથી સેનટરી નેપકીન કોઇ પણ મહિલા સંકોચ વીના મેળવી શકાશે. આ ઉપરાંત મહિલાઓને સેનટરી નેપકીન કેવી રીતે બનાવી શકાય એનું પણ જ્ઞાન આપવામાં આવશે.

સમયાંતરે શેરીનાટકોના પ્રયોગ પણ કરવામાં આવશે. બાળકોને તારામંડળની પણ માહિતી આપવામાં આવશે.

શિક્ષિત બેરોજગારોને લેપટોપ થકી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. જેમાં યુવાનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપી તેમને પગભર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.

ખાસ કરીને સર્વેના આધારે પસંદગીના વિસ્તારોમાં વસતા લોકોને આરોગ્ય અને સ્વચ્છતાલક્ષી શિક્ષણ આપવામાં આવશે. વિશેષત: રાજ્ય અને કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ જેમકે મા યોજના, સ્વચ્છ ભારત, ઉજ્જવલા વિગેરે વિશે માહિતગાર કરવામાં આવશે. 

આવા પરિવારોને ડેડિકેટેડ ખાનગી તબીબોની પેનલ પાસે આરોગ્યલક્ષી સેવા વિનામૂલ્યે મેળવી શકાશે. આર્થિક, સામાજિક પ્રવૃત્તિને ધ્યાને રાખીને સર્વે કરવામાં આવેલા રાજકોટ શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં આ બસ ફરશે. આ અભિનવ પહેલમાં એનસીસી, એનએસએસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.