Abtak Media Google News

15 થી 18 જૂન વચ્ચે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે: 14 થી 25 જુલાઇ વચ્ચે સાર્વત્રિક વરસાદના યોગ: વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રજનીકાંતભાઇ લાડાણીનો વરતારો

હોળીની જાળ અને ચૈત્રિ દનૈયાઓના આધારે વર્ષા વિજ્ઞાન મંડળ તથા જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના સભ્ય ઉપલેટાના વતની રજનીકાંતભાઇ આર.લાડાણીએ વરસાદનો વરતારો આપ્યો છે. આ વર્ષ ચોમાસાની સિઝનમાં 48 દિવસ વરસાદ પડશે. વર્ષ 10 આની અર્થાત્ મધ્યમ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તેઓએ વરસાદના વરતારામાં જણાવ્યું છે કે, જેઠ સુદ 14 રોહિણી નક્ષત્ર અર્થાત્ 3 થી 7 જૂન દરમિયાન વાદળો બંધાવાની શરૂઆત થશે. પવન ખૂબ જ રહે, જેઠ વદ 12 થી 30 સુધી, 15 થી 18 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે. અષાઢ વદ 1 થી 7 દરમિયાન આદ્રા પુર્નવસુ નક્ષત્રમાં 4 થી 9 જુલાઇ દરમિયાન બીજો વાવણી લાયક વરસાદ પડશે. અષાઢ વદ 12 થી અમાસ સુધી તથા અધિક શ્રાવણ સુદમાં પુર્નવસુ નક્ષત્રમાં 14 થી 25 જુલાઇ દરમિયાન સારો વરસાદ પડશે. 21 થી 25 જુલાઇ દરમિયાન રાજ્યભરમાં વાવણી લાયક વરસાદ પડશે.

R Lalaniઅધિક શ્રાવણ વદ પાંચમથી અગિયારસ સુધી આશ્ર્લેષા નક્ષત્રમાં 6 થી 11 ઓગસ્ટ દરમિયાન ખૂબ જ સારો વરસાદ પડશે. શ્રાવણ સુદ 8 થી 12 સુધી મઘા નક્ષત્રમાં 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સારો વરસાદ પડશે.

શ્રાવણ વદ 9 થી 13 સુધી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં 8 થી 12 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. વિજળી પડવાથી અકસ્માત સર્જશે.

ભાદરવા સુદ 2 થી 4 સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં સારો વરસાદ પડશે. વાવાઝોડું થશે અને તોફાની પવન ફૂંકાશે. ભાદરવા સુદ 7 થી 9 સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન જામનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.

ભાદરવા સુદ 13માં હાથિયો નક્ષત્ર હોય 27મી સપ્ટેમ્બરે અમૂલ વિસ્તાર ખાસ કરીને પોરબંદર જિલ્લામાં સારો વરસાદ પડવાના ઉજળા સંજોગો છે. દરમિયાન 3 થી 10 ઓક્ટોબર દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. 11 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે. ચાલુ વર્ષ કસના આધારે વરસાદના દિવસો નક્કી કરાયા છે. હોળીની જાળ ઇશાન તરફ તથા પૂર્વ બાજુ ગઇ હતી. જેના કારણે વરસ સાધારણ રહેશે. વરસાદના દિવસો 48 રહેશે.

સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર: સુરેન્દ્રનગર 41.4 ડિગ્રી સાથે હોટ સિટી

આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે: ગરમીનું જોર ઘટશે, બફારો વધશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. મંગળવારે રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. સુરેન્દ્રનગર 41.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું. દરમિયાન આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે. ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ગરમીનું જોર ઘટશે, બફારો વઘશે. ગઇકાલે રાત્રે વડોદરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય છાંટા પણ પડ્યા હતા.

રાજ્યમાં હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મંગળવારે સાત શહેરોમાં સુર્યનારાયણે આકાશમાંથી રિતસર અગનવર્ષા કરી હતી. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયુ હતું. રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 38.4 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 30.7 ડિગ્રી, ઓખાનું તાપમાન 32.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 36 ડિગ્રી, રાજકોટનું તાપમાન 40.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.4 ડિગ્રી, મહુવાનું તાપમાન 37.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 40 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40.6 ડિગ્રી, ડિસાનું તાપમાન 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી, સુરતનું તાપમાન 38.2 ડિગ્રી, દમણનું તાપમાન 33.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 41.2 ડિગ્રી, નલીયાનું તાપમાન 38.8 ડિગ્રી અને કંડલાનું તાપમાન 40.1 ડિગ્રી નોંધાયુ હતું.  આજથી ત્રણ દિવસ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા અને કચ્છ જિલ્લામાં, ગુરૂવારે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છ, અમરેલી અને રાજકોટમાં જ્યારે શુક્રવારે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ પડશે.

આ વર્ષ વાતાવરણમાં સતત પલટો નોંધાય રહ્યો છે. માર્ચમાં ત્રણથી ચારવાર માવઠા પડ્યા હતા. દરમિયાન એપ્રિલમાં પણ સતત માવઠા જારી રહ્યા હતા. મે માસમાં પણ વાતાવરણ પલટાતું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.