Abtak Media Google News

ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શિયાળો જમાવટ કરે તેવી સંભાવના: રાત્રે અને સવારે અનુભવાતી ઠંડી

દિવાળીના ૨૨ દિવસો વીતી જવા છતાં સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં શિયાળો જામતો નથી. છેલ્લા એકાદ સપ્તાહથી પવનની દિશા ફરતા વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી માટે હજી એકાદ પખવાડીયાનો ઈન્તજાર કરવો પડશે તેવું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૯.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૧.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

ગઈકાલનું મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૧૫ થી ૨૦ ડિગ્રી સેલ્શીયસ વચ્ચે જ રહેશે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતના રાજયના હિમ વર્ષા બાદ રાજયમાં ઠંડીનું જોર વધશે. આગામી એક સપ્તાહ સુધી રાજયમાં કાતીલ ઠંડી પડે તેવી કોઈ જ શકયતા નથી.

નોર્થ ઈસ્ટ પવનો ફૂંકાવાની શરૂઆત થયા બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અંતીમ દિવસોમાં અથવા બીજા સપ્તાહમાં ઠંડીનું જોર વધશે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્રમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.