Abtak Media Google News

Gujarat ચૂંટણી પંચે VVPAT ના પગલે મતદાનનો સમયગાળો વધારવા કેન્દ્રીય ચૂંટણી પંચને કરી રજૂઆત કરી છે. VVPAT સિસ્‍ટમના ઉપયોગથી પ્રત્‍યેક મત રજીસ્‍ટર્ડ થતાં ૭ સેકન્ડ જેટલો સમય થાય છે. આ કારણે મતદાનની સમયાવધિમાં પણ વધારો કરવા માટે ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

Gujarat માં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આખરી થયેલી મતદાર યાદી મુજબ મતદારોની સંખ્‍યા ૪ કરોડ, ૩૩ લાખ નોંધાઇ છે. વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં બાવન લાખ મતદારો વધ્‍યા છે. મુખ્‍ય ચૂંટણી અધિકારી બી.બી. સ્‍વૈન એ જણાવ્‍યું હતું કે, મતદારોની સંખ્‍યા વધતાં મતદાન મથકોમાં પણ ૪૫૦૦ નો વધારો કરવામાં આવ્‍યો છે, એટલું જ નહીં દરેક મતદાન મથકોમાં મતદારો સમયસર તકલીફ વિના મતદાન કરી શકે તે હેતુથી ગ્રામ્ય વિસ્‍તારોમાં પ્રત્‍યેક મતદાન મથક દીઠ ૧૨૦૦ મતદારો અને શહેરી વિસ્‍તારોમાં પ્રત્‍યેક મતદાન મથક દીઠ ૧૪૦૦ મતદારોની મહત્તમ સંખ્‍યા નિશ્ચિત કરવામાં આવી છે.

આ માટે પુરતો સરવે કરીને મતદાતાઓની ૧૨૦૦ થી વધુ સંખ્‍યા ન હોય, મતદાન મથક બે કિલોમીટરથી વધુ અંતરે ન હોય અને વચ્‍ચે નદી-નાળા ન આવતા હોય એ રીતે મતદાન મથકોની સંખ્‍યા વધારવામાં આવી છે.

ચૂંટણી અધિકારી . સ્‍વૈનએ જણાવ્‍યું હતું કે, ઇવીએમ મશીનમાં વૉટ આપ્‍યા પછી મતદાર VVPAT મશીનમાં પોતાનો મત કોને ગયો છે તેની ચોકસાઇ નિહાળી શકશે. VVPAT સિસ્‍ટમ મશીનમાં રજીસ્‍ટર થયેલા મતની પ્રિન્‍ટ નિકળશે જે સિસ્‍ટમમાં જ રહેશે. મતગણતરી વખતે બેલેટ કંટ્રોલ યુનિટથી જ મતગણતરી થશે, પરન્‍તુ મતગણતરી વખતે કોઇ અનિયમિતતા દેખાય કે પ્રશ્ન ઉભો થાય તો તે વખતે VVPAT મશીનની પ્રિન્ટેડ સ્‍લીપની ગણતરી આખરી ગણાશે.

VVPAT સિસ્‍ટમના નિદર્શન અને સંપૂર્ણ જાણકારી માટે ચૂંટણી પંચ દ્વારા ઝુંબેશ હાથ ધરાશે. આ અંગે માહિતી આપતાં શ્રી બી. બી. સ્‍વૈનએ જણાવ્‍યું હતું કે, રાજ્યના તમામ રાજકીય પક્ષો, પ્રચાર માધ્‍યમો અને પ્રત્‍યેક મતદાર સુધી VVPAT ની વિગતો અને નિદર્શન પહોંચે એવા પ્રયત્‍નો કરાશે. આ માટે એક ‘જાગૃતિ વાન’ પણ તૈયાર કરાશે, જેમાં મોક મતદાન મથક બનાવાશે. આ વાન શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રયત્‍નો કરાશે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ યુવા મતદારો એવા નોંધાયા છે, જે સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આવા યુવાન મતદારો સુધી VVPAT ની જાણકારી પહોંચે એવો પ્રયત્‍ન કરાશે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વખતે રાજ્યના તમામ ૫૦,૧૨૮ મતદાન મથકો પર વૉટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) સિસ્‍ટમ મશીન દ્વારા મતદાન કરાશે. VVPAT સિસ્‍ટમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરનાર ગુજરાત ભારતનું સૌપ્રથમ મોટું રાજ્ય હશે. ગુજરાતના મુખ્‍ય નિર્વાચન અધિકારી બી.બી. સ્‍વૈનએ ગાંધીનગરમાં ઇલેકટ્રોનિક વૉટીંગ મશીન-ઇવીએમ અને સાથે જોડાયેલા VVPAT મશીનનું પ્રચાર માધ્‍યમો સમક્ષ નિદર્શન કરતાં જણાવ્‍યું હતું કે, VVPATના ઉપયોગથી મતદાર પારદર્શિતા અનુભવી શકશે અને મતદારને નવા અધિકારો ભોગવવા મળશે.

મુખ્‍ય ચૂંટણી અધિકારી બી.બી. સ્‍વૈનએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે VVPAT સિસ્‍ટમનો ઉપયોગ કરાયો હતો. વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સૌ પ્રથમ વખત VVPAT સિસ્‍ટમ દ્વારા મતદાન યોજાશે. આ માટે ભારતના પાંચ રાજ્યો અને ભારત સરકારની બે કંપનીઓ, ભેલ અને એસિલ પાસેથી ૭૦,૧૮૨ જેટલા VVPAT મશીનો ગુજરાત આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.