Abtak Media Google News

ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજના પદવીદાન સમારોહમાં સીએમના સુખદ સંકેત

21મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાન વિના વિકાસ પણ શક્ય નથી. ત્યારે જ્ઞાનનો સમાજ હિત માટે ઉપયોગ કરવો એ સમયની માંગ છે. અમદાવાદના સરદાર પટેલ  કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજની છઠ્ઠી બેચના 140 વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભમાં સંબોધતા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે,  દિક્ષાંત સમારોહ એ ખરેખર તો શિક્ષાનો અંત નહિ પરંતુ  વ્યવસાયિક કારકીર્દી ઘડતરની સાથે સાથે  સમાજ સેવાનો આરંભ છે.

રાજ્યમાં મેડીકલ કોલેજની સ્થિતીનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી બે-અઢી દાયકા પહેલાં રાજ્યમાં સામાન્ય સંખ્યામાં મેડીકલ કોલેજ અને જૂજ સીટો હોવાથી ગુજરાતના યુવાનોને મેડીકલમાં પ્રવેશ લેવા માતબર  ફી ભરીને પણ  ગુજરાત બહાર જવું પડતુ હતું.  વર્ષ 2002-03 સુધી રાજ્યમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી તેની સામે આજે રાજ્યમાં 31 મેડિકલ કોલેજો છે. માત્ર 1375 મેડિકલની સીટો હતી, તે આજે વધીને 5700 થઈ છે  એમ તેમણે ઉમેર્યું હતું.

તબીબી વ્યવસાય એ પવિત્ર વ્યવસાય છે.  દર્દીઓ દોક્ટરને ભગવાન સ્વરૂપ માને છે.  તબીબ બનીને તમારે સમાજ સેવાનું દાયિત્વ અદા કરવાનું છે. અગાઉના વિદ્યાર્થીઓ કરતા કોરોનાના કપરા કાળમાં તમને અનેક લોકોનો ઉપચાર કરવાની તક મળી છે  એ અર્થમાં પેનિક અને પેન્ડેમિક બંન્ને સામે લડવાનો અનુભવ છે.

ગુજરાતમાં મેડીકલ એજ્યુકેશનનું ભાવિ આયોજન સુદ્રઢ  રીતે કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્યમાં પાંચ મેડીકલ કોલેજો શરૂ કરવાનું કામ પ્રગતિમાં છે અને આવનારા દિવસોમાં નવી ત્રણ કોલેજો શરૂ કરવાનું પણ આયોજન છે. રાજ્યમાં તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડીકલ યુનિવર્સિટી સ્થાપવામાં આવનાર છે.   સાથે સાથે મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓને ’મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અન્વયે સહાય માટે પ0 કરોડ રૂપિયાનું પ્રાવધાન આ બજેટમાં કર્યુ છે.

આપણે આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સ્વસ્થ, સશક્ત અને સમૃદ્ધ બનાવવાનું છે અને એ માટે શિક્ષા-દિક્ષાથી સજ્જ યુવાશક્તિ સંવાહક બનશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનએ લોકોને આ અમૃત મહોત્સવમાં જોડાવા કોઇને કોઇ સંકલ્પ લેવા માટે આહવાન કર્યુ છે. તેમાંનો એક સંકલ્પ એ પણ હોઇ શકે કે હું મારા ગામના લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરીશ.

આ સંકલ્પ સાકાર કરવા સૌને સક્રિય સહયોગ આપવા મુખ્ય મંત્રીએ અપીલ કરી હતી.આ પ્રસંગે ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝીક્યુટીવ ચેરમેન અને ઝાયડસ કેડીલાના ચેરમેન શ્રી પંકજભાઈએ કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે કોવીડ  19નો ટાઇમ એક ચેન્જીંગ ટાઈમ હતો. એ સમય દરિમયાન આપણા સૌ સ્ટડી કરીને પદવી પ્રાપ્ત કરી છે એ ખરેખર સહારનીય છે.આ અવસરે ગુજરાત કેન્સર મેડીકલ કોલેજના ડીન શ્રી યોગેન્દ્ર મોદીએ પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.