Abtak Media Google News

“ધર્મઢોંગી બહારનું પાણી પણ ન પીએ અને ચાની તો વાત જ નહીં પરંતુ ગરીબ લોકોને નાણા ધીરી લોહી ચુસવામાં પાપ સમજતા નથી!

નમન નમન મેં ફેર હૈ

ફોજદાર જયદેવે બાબરા વિસ્તારમાં એક પછી એક કાયદેસર પણ આકરા પગલા લેવા માંડતા તેના પ્રત્યાઘાતો સજજનો અને શાંતિપ્રિય નાગરીકોમાં રાહત રૂપ હતા પરંતુ સહજ રીતે ગુનેગારો અને બે નંબરી ધંધાદારીઓને ‘પેટમાંતેલ રેડાયું હતુ’ આવા લોકો જયદેવના વાવાઝોડામાં ઝપટે ચડી ન જવાય તે માટે આયોજન પૂર્વક અવનવા નુસ્ખા કરી પોલીસથી બચવાની વ્યવસ્થા કરવા લાગ્યા હતા.

Advertisement

પવન ગોરે તો વિરોધ પક્ષની મીટીંગ ધરમશાળામાં રાખીને ફોજદારને અસરમાં લેવા પ્રયત્ન કરેલા પરંતુ વિરોધ પક્ષના વિધાયક ને જ કોઈકે સાચી હકિકત સમજાવતા તેમણે પોતે જ જયદેવને મળી તેની કાર્ય પધ્ધતિની પ્રશંસા કરતા પવન ગોરની પરિસ્થિતિ ‘સુતેલો સાપ જગાડવા’ જેવી થઈ હતી તે પ્રમાણે અન્ય બે નંબરીઓ અને છુપા રૂસ્તમો પણ મનમાં મુંઝાયા હતા અને અવનવી તરકીબો યોજી જયદેવને પ્રભાવિત કરવા પ્રયત્ન કરતા હતા.

એક દિવસ સવારના દસેક વાગ્યે જયદેવ પોલીસ સ્ટેશન ચેમ્બરમાં કામ કરતો હતો ત્યાંજ એક વ્યકિત જેણે સફેદ દૂધ જેવા લેંધા ઝબ્બા પહેરેલા અને કપાળમાં મોટો ચાંદલો કરેલો અને ગૌરવર્ણ વાળા પ્રથમ દ્રષ્ટીએ સજજને દરવાજે ઉભા રહી હાથ જોડીને જયદેવને પૂછયું ‘સાહેબ અંદર અવું? જયદેવે કહ્યું’ આવો આવો, સજજન લોકો માટે કોઈ પ્રતિબંધ છે જ નહિ.’

આથી તે સજજને બહાર પાછળ કોઈ ઉભેલ વ્યકિતને ઈશારો કરી નજીક બોલાવી તેની પાસેથી એક ધાર્મિક સ્થળનું ચિત્ર ધરાવતું બોક્ષ લઈ ચેમ્બરમાં આવી અરધા નીચા નમીને જયદેવને પ્રણામ કરી પ્રસાદનું બોક્ષ આપ્યું જયદેવે ને સંકોચ થયો કેમકે આવનાર વ્યકિત ઉંમરમાં મોટી અને દેખાવ પહેરવેશથી ધાર્મિક અને સજજન જણાયેલા આથી જયદેવે કહ્યું ‘આપ આરામથી બેસો આવા કોઈ વિવેકની જરૂરત નથી. જયદેવે તેમને ચા-પાણી નો આગ્રહ કર્યો પરંતુ તેમણે કહ્યુંકે હું બહારનું પાણી પણ પીતો નથી.

આથી જયદેવે કાંઈ કામ હોયતો જણાવવાનું કહેતા આ સજજને કહ્યું કે પોતે મંદિરથી ધુળીયાપરા જતા રસ્તે રહે છે કોઈ જ કામ નથી આપ ફકત એક વખત અમારા ઘેર પધરામણી કરો તેજ વિનંતી કરવાની છે. જયદેવે કહ્યું ખાલી અમથુ અવાય નહિ કાંઈ કામ હોયતો બીજી વાત છે. તેમણે કહ્યું સાહેબ આપ અમારા ઘેર પધારો એટલે કામ થઈ જ ગયુ એમ માનો ને. તેમણે ઘેર આવવાનો આગ્રહ ચાલુ રાખ્યો. જેથી જયદેવે કહ્યું કે કયારેક તે બાજુ આવતા જતા આવી જશે. પરંતુ જયદેવને જવાનો સમય પણ નહતો.

અને તે વાત પણ ભૂલી ગયો હતો. થોડા દિવસ પછી આ મહાશય ફરીથી પ્રભુના પ્રસાદનું બોક્ષ લઈને આવ્યા અને અગાઉ પ્રમાણે જ ઘેર આવવાનો આગ્રહ કર્યો. આથી જયદેવે કહ્યું હવે સમય મળ્યે આવી જઈશ તેઓ અર્ધાનમીને પ્રણામકરીને ગયા પછી જયદેવે રાયટર કોન્સ્ટેબલ અરૂણને પૂછયું કે આ કોણ છે? અરૂણે કહ્યું છે તો મહાજન પણ બાબરામાં પાંચેક વર્ષથી રહેવા આવ્યા છે. વધુ ખાસ કોઈ માહિતી નથી. જયદેવેને થયું કે બીચારા મહાજનને કાંઈક અગમ્ય તકલીફ લાગે છે.

એક દિવસ જયદેવ પોસ્ટ ઓફીસ, સ્ટેટ બેંકના ઢાળે થઈ ઘુળીયા પરામાં કોઈક તપાસ અર્થે જતો હતો ત્યાં તેને મહાજન યાદ આવી ગયા એક વ્યકિત મારફતે મહાજનને સંદેશો કહેવરાવ્યો કે વળતા ફોજદાર આવે છે.

ઘૂળીયાપરાનું કામ પતાવીને જયદેવ ઠાકોર દ્વારા તરફ આવ્યો ત્યાં રસ્તા ઉપર જ મહાજન સજી ધજીને સામૈયું કરવા તૈયાર હોય તેમ ઉભા હતા. પોલીસની જીપ આવતા જ એજ અતિવિવેકથી પ્રણામ કરી પધરામણી બદલ બીજા જુએ તેમ ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યા અને અછોવાના કરવા લાગ્યા જયદેવને જાહેર બજારમાં મહાજનના આરીતે ના વ્યવહારને કારણે સંકોચ થવા લાગતા તે ઉતાવળે જ તેમના ઘરમાં પ્રવેશી ગયો.

ઘરમાં પ્રવેશ કરતા જ જયદેવે જોયું કે જાણે કોઈ મોટી હસ્તી કે સંત પધારવાના હોય તેવી ઘરમાં ગોઠવણી અને વ્યવસ્થા કરેલી હતી ઓંસરીમાં હીંડોળાને નવા ગાદી તકીયાથી શણગારીને તેની સામેની ટીપોય ઉપર ગૂંથેલા નવા ટેબલ કલોથ ચાકળાઓ ઉપર ફૂલો પાથરેલા હતા હીંડોળાની બાજુમાં બીજા સોફાઓ ગોઠવેલા હતા. જયદેવે રાયટર અરૂણને સાદ પાડી બોલાવી ને પોતાની સાથે લીધો હતો. તેથી મહાજનને કાંઈક અકળામણ કે સંકોચ થતો હોય તેવું લાગ્યું. પરંતુ જયદેવના એક ગરૂએ એવી સલાહ આપેલી કે ‘શંકા થાય તેવું વર્તન કે વ્યવહાર પણ કરવો નહિ અને પારદર્શક રહેવું.’

આથી જયદેવનો નિયમ હતો કે તે ગમે તે જગ્યાએ જાય પણ સાથે એક પીઢ સમજુ અને ડાહી વ્યકિતને સાથે જ રાખવી મહાજને તો ફૂલહાર કર્યા અને સુકા મેવાની ડીસ (થાળ) ધરી પણ જયદેવે કચવાતા મને એક દાણો લઈ ડીસ તેમના હાથમાં જ રહેવા દીધી. પણ અહી પૂરી પૂર્વ તૈયારી હતી.

તુરત તાજા ફળોની સુધરેલી ડીસ ધરી અને કહ્યું કે ઘણા સુકો મેવો નથી જમતા, પરંતુ જયદેવે તેમાંથી પણ એક ચીર લઈને ડીસ પરત કરી. મહાજને કહ્યું સાહેબ સાવ એમ નહી ચાલે કાંઈક લેવું પડશે તેમ કહી કેસર નાખેલ દુધનો ગ્લાસ ધરીને કહ્યું કે અમારા ઘરમાં ચા બનતો જ નથી. તે કાર્યવાહી પૂરી થયા પછી મહાજનના ઘરના તમામ સભ્યો એક પછી એક આવીને જાણે કોઈ મોટા સ્વામી કે મહંત આવ્યા હોય તેમ નમસ્તે કરી ગયા.

આખરે જયદેવને ખૂબજ સંકોચ અને અકળામણ થતા મહાજનને સીધુ જ કહ્યું કે ‘મારે ઘણી ઉતાવળ છે અને ઘણા કામ છે જે કાંઈ કામ હોય વાત કહેવી હોય તે કહી દો. મહાજને કોન્સ્ટેબલ અરૂણ સામે જોઈને કચવાતા કચવાતા કહ્યું ‘સાહેબ એવું છે ને કે ‘દયા ડાકણને ખાય’ તેવું મારી સાથે થયું છે. અહી બાબરામાંઈટો બનાવતા કારીગરો કે જે સહકુટુંબ સાવરકુંડલાથી આવે છે તેમને દયા ખાઈને નાણા ધીરેલા દર વખતે તો સીજન પૂરી થયે માલ વેચીને નાણા પાછા આપી જતા હતા.

આ વખતે તેમણે બેઈમાની સુજી લાગે છે, જો કે મારે કોઈ ફરિયાદ નથી કરવી પણ તમે ફકત એક જમાદારને તેમની પાસે મોકલી બોલાવીને એટલું જ કહેજો કે મહાજનનું શું છે? એટલે વાત પતી જશે. જયદેવે મનમાં જ વિચાર્યું કે આ મહાજન પણ ‘લાલો લાભ વગરના લોટે’ તેવા લાગે છે. આ પ્રસાદના પડીકા અને કરાવેલ પધરામણી ફોગટમાં કે અહોભાવથી કરાવેલ નથી પરંતુ આ તેમના સ્વાર્થની બાબત હતી.

જયદેવ વિચાર્યું કે આટલી અમથી વાત માટે આવડુ મોટુ નાટક કરવાનું શું કારણ હશે? તેથી મહાજનને પૂછયું કે તમે આ નાણા કઈ રીતે આપ્યા હતા? જયદેવની ઈચ્છા એ જાણવાની હતી કે વ્યાજે ધીરેલા કે ભાગીદારી કરેલી. મહાજને કહ્યું ‘સાહેબ ટ્રેકટર વાળા દેવકુબાપુ રૂબરૂ જ પૂરા ગણીને આપ્યા હતા જો ખાત્રી ન હોય તો તેમને જ પૂછી લો.’

જયદેવે ચોખવટ કરી કે આપ્યાનો સવાલ નથી પરંતુ તમે કયા વ્યવહારે તેમને નાણા આપેલા? આથી મહાજન છોભીલા પડી ગયા. પરંતુ મહાજન જમાનાના ખાધેલા અને બનેલી વ્યકિત હોય ઠાવકાઈથી અવાજ ફેરવી ધીમેથી કહ્યું સાહેબ એ તો અમથા તો નજ આપ્યા હોય ને? અજાણ્યા લોકોને બેંકો નાણા ધીરે નહિ તેથી આ ગરીબ મજૂર કારીગરોને ધાર્મિક દ્રષ્ટીએ મદદરૂપ થવા સામાન્ય બદલામાં નાણા આપ્યા હતા જો આપને ખાત્રી કરવી હોય તો કારીગરોને બોલાવી ને જ ખાત્રી કરી લોને? મેં જાતે કોઈ બળજબરી કરી હોય તો તે પણ તમે પૂછી શકો છોહું તો સંપૂર્ણ પણે ભગવાનને આધીન છું

અને ભગવાનને સામે રાખીને જ વ્યવહાર કરૂ છું આમ દ્વિઘાજનક વાત કરતા જયદેવે આવા ધાર્મિક અને અતિવિનમ્ર માણસ વિરૂધ્ધ બીજી કોઈ ગુન્હાઈત અટકળ કરી નહિ. જયદેવે કહ્યું ‘મહાજન એક કામ કરો તમે આ બાબતની એક અરજી મને લખીને આપો જેથી, કાયદેસરની કાર્યવાહી કરવામાં કોઈ પ્રશ્ન રહે નહિ. મહાજને કહ્યું ‘સાહેબ એવું નથી કરવું ગરીબ લોકોને જેલમાંમોકલી ને મારે ભગવાનના ગુનેગાર નથી થવું. જો તમને હૈયામાં ભગવાન વસે તો સામેવાળાને ફકત એક વખત બોલાવવા જમાદારને મોકલજો, મારી કોઈ બીજી વિનંતી નથી.

જયદેવે વિચાર્યુ કે જાણ્યા કરાવ્યા સિવાય જમાદારને આઈંટોના કારીગરો પાસે મોકલવા વ્યાજબી નથી જેથી ડી સ્ટાફથી ટ્રેકટર વાળા દેવકુબાપુને સંદેશો મોકલ્યો કે પોલીસ સ્ટેશન આવી જાય. આ ટ્રેકટર વાળા દેવકુભાઈ પોલીસ સ્ટેશનમાં આવતા જયદેવે તેમને આ મહાજનના કારોબારની વાત કરી અને ઈંટોવાળાએ ધીરેલા નાણા ડુબાડયા બાબતે પૂછપરછ કરતા દેવકુભાઈએ જે વિગતે વાત કરી તે આ પ્રમાણે હતી.

આ સાવરકુંડલાનાં ઈંટોના કારીગરો છેલ્લા ચારેક વર્ષ થી ચોમાસુ પૂરૂ થયે બાબરા આવીને માટીમાંથી ઈટો પાડવાનો ધંધો કરે છે.પરંતુ તેમની પાસે આ ધંધા માટેના અને જીવન નિર્વાહના નાણા પૂરતા નહિ હોય અને આ અજાણ્યા બહારગામના માણસોને નાણાની લોન માટે બેંકમાં જામીન પણ કોણ થાય તે મોટો પ્રશ્ન હોઈ આ લોકો આ ઈંટો બનાવવાના ધંધા માટે મહાજન પાસેથી નાણા ટકાવારી (વ્યાજે)થી લેતા હતા. મહાજને પોતાના નાણાનીની સલામતી માટે કોઈ જવાબદાર વ્યકિત ગેરંટર જામીન જોઈતા હતા.

મારૂ ટ્રેકટર આ ઈટોના ભઠ્ઠામાં માટી તથા ઈટોની હેરાફેરીમાં ભાડામાં ચાલતુ હતુ તેથી આ કારીગરોને મારી સાથે પરિચય હતો. આથી કારીગરો એ મને તેમના જામીન તરીકે મહાજન પાસે રજૂ કરેલો. આ નાણા ધીરવામાં શરત એ હતી કે ચોમાસુ શરૂ થાય તે પહેલા ધીરેલા નાણાના દોઢા નાણા પાછા આપવા. આ શરત પ્રમાણે જ કારીગરોએ બે વર્ષ પહેલા ઈમાનદારીથી ચોમાસુ શરૂ થતા વતન જતા પહેલા મહાજનને ધીરેલા નાણાની દોઢી રકમ ચૂકવીને ગયા હતા.

બીજે વર્ષે મહાજને શરત ફેરવી કે ધીરેલી રકમની દોઢી રકમ નહિ પરંતુ સીજન પૂરી થયે ડબલ રકમ આપવાની! ગરીબ કારીગરો પાસે ધંધા માટેના નાણાનો બીજો કોઈ વિકલ્પ ન હતો તેથી મજબૂરીથી તે શરત સાથે કચવાતા મને સહમત થતા બોલ્યાકે શિયાળાની સીસકારા નખાવતી અને કડકડતી ઠંડીમાં અને ઉનાળાના ધગધગતા તડકામાં ખૂલ્લી હવા અને આકાશમાં કાળી મજુરી કરીને આ નાણા કમાઈએ છીએ પરંતુ અમો અમારી આ સખત અને હાડમારી વાળી મજુરી રૂપી મહેનતની કમાણી રૂપી નફામાંથી આ નાણા આપવા જ પડશેને? તે વર્ષે પણ સીજન પૂરી થતા નાણા એકના ડબલ આપી કારીગરો વતનમાં પાછા ગયા.

ગયા વર્ષે આ કારીગરો પાછા સાવરકુંડલાથી બાબરા આવ્યા ઈંટો પાડવા માટેના વ્યવસાય માટે જ‚રી મૂડી રોકાણ તો મહાજન સિવાય બીજા કોઈ આપે તેમ નહતા. પરંતુ મહાજને ફરીથી શરત મૂકી કે આ વખતે એકના ડબલ નહી અઢી ગણા આપો તોજ નાણા આપું. કારીગરોએ ખૂબ ગરીબાઈ ગાઈ મૂશ્કેલીઓ મુસીબતો, કૌટુંબીક પ્રસંગો અને કાળઝાળ મોંઘવારીનીની વાત કરી ટકાવારી નહી વધારવા આજીજી કરી મહાજને કહ્યું તો તમે બીજેથી લઈ લો.

મહાજનને કારીગરોની મજબૂરીની ખબર હતી કે આ બહારગામના અજાણ્યા લોકોને કોઈ નાણા ધીરે તેમ નથી, અને આલોકો ઈટો પાડવાના ધંધા સિવાય બીજુ કાંઈ કરી શકે તેમ નથી અને રોટલા ભેગા થાય તેમ નથી. કારીગરોની ખૂબ વિનંતી કાકલુદી અને મહાજનની રકઝક ને અંતે કારીગરોએ કહ્યું કે જો ઉંચા ભાવે માલ વેંચાઈ જશે અને નાણા વધશે તો ડબલ કરતા જેટલા વધારે થશે તે આપીશું.

પરંતુ ગરીબના નશીબ પણ ગરીબ તેમ ગયા વર્ષે ચોમાસુ વહેલુ બેઠું અને અમુક કાચો માલ પલળી ગયો. વરસાદ પડતા ચાલુ ભઠ્ઠાઓ ઠરી ગયા પરંતુ કારીગરો નિતિ અને વચનના સાચા હોય પોતે ખોટ ખમીને મહાજનને તો ડબલ નાણા આપ્યા પરંતુ ડબલ કરતા વધારે આપી શકયા નહિ.

ચાલુ વર્ષે મહાજને અગાઉના જે નાણા બાકી હતા. તે પહેલા મૂકવા કહ્યું પછી જ બીજા નાણા ધીરવાની વાત કહી. પરંતુ ગરીબ માણસો પાસે આ વર્ષનો ધંધો શરૂ કરવાના પણ પૈસા ન હતા. તેમ તેમણે કહેતા મહાજને કહ્યું બૈરાના દાગીના વેચીને પૈસા લઈ આવો જુનો હિસાબ ચોખ્ખો કર્યા પછી જ આગળનો નવો હિસાબ થશે. કારીગરો નિરાશ વદને મહાજન પાસેથી નીકળી ગયા પરંતુ તેમના સદનસીબે બીજો કોઈ ઓછા ટકાવાળો નાણા ધીરવા તૈયાર થયો જેથી આ વર્ષે ફરીથી મહાજન પાસે કારીગરો ગયા નથી.

મહાજને મને બે ત્રણ વખત કહેરાવ્યું કે ગયા વર્ષના ભલે ગયા પરંતુ નવા વર્ષના ધંધા માટે નાણા પોતાની પાસેથી જ લે મેં મહાજનને કહેવરાવ્યું કે કારીગરોએ નાણા ધીરનાર બીજો શોધી લીધો છે. સાહેબ આમ વાત છે. આરીતે વાત કરી દેવકુભાઈએ કહ્યું ‘હું હવે જાઉ સાહેબ?’ જયદેવે શંકાની નજરે જોતા કહ્યું ભલે જાઓ પરંતુ ગરીબોનું ધ્યાન રાખજો. દેવકુભાઈએ કહ્યું હુ શું ધ્યાન રાખું હજાર હાથવાળો ધ્યાન રાખે બાકી કરીગરો પણ અનાજ ખાય છે. તેઓ પણ સઘળુ જાણે છે આ વ્યવહાર તેમનો તેઓ જાણે.

જયદેવે ઈટોના કારીગરોને રૂબરૂ બોલાવી વાત જાણી કારીગરોએ પણ દેવકુભાઈની વાતને જ સમર્થન આપ્યું. જયદેવે કારીગરોને કહ્યું કે તમારી ફરિયાદ લખવી પડશે. આથી ગરીબ પણ ખાનદાન અને મજબૂર પણ ખરા એવા કારીગરો કહ્યું સાહેબ અમારે ફરિયાદ એટલા માટે નથી કરવી કે મહાજનનું તો જે થવું હશે. તે થશે.

પરંતુ અમારો વ્યવહાર બાંડો થઈ જશે. અમે ફરિયાદ કરીશું તે પછી કોઈ વ્યકિત અમોને ધંધો કરવા નાણા ધીરશે નહિ અને તેમ થાય તો અમે ધંધો શું કરીએ અને શું ખાઈએ? અમારૂ કુટુંબ ભુખે મરે માટે મહેરબાની કરીને ફરિયાદ કરવાનું રહેવા દયો તોતમારી દયા ! જયદેવે વિચાર કર્યો કે કારીગરની વાત એક રીતે સાચી હતી. જેથી જયદેવે ફરિયાદ લેવાનું માંડી વાળ્યું.

જયદેવે કારીગર ગયા પછી મહાજનને પોલીસ સ્ટેશને બોલાવ્યા મહાજન તાબડતોબ પોલીસ સ્ટેશને આવ્યા તેમને એમ કે કામ થઈ ગયું. પરંતુ જયદેવે પોતે કરેલ પ્રાથમિક તપાસની સઘળી વાત કરતા મહાજન છોભીલા તો પડી ગયા પરંતુ ધીમેથી કહ્યું સાહેબ ગરીબ જાણી મદદ કરી હતી.

જયદેવે મહાજનને કહ્યું ‘મહાજન તમે તો ધર્મની અને ધાર્મિક વાતો કરો છો તો આવા ગરીબ માણસો ઉપર તો દયા રાખી રહેમ દ્રષ્ટી રાખવી જોઈએ આમ ગરીબો ઉપર ઉંચી ટકાવારી વાળા કોરડા વિંઝવા એ તો પાપ જ છે. મદદ નહિ ! તમે તો સાંપ્રદાયીક વ્યકિત છો. તમને તમારા સંપ્રદાયના સંતો આ બાબતે કાંઈ કહેતા નથી કે ગરીબોને વ્યાજમાં લૂંટવા જોઈએ નહિ?

મહાજને ઠાવકાઈથી ધર્મની ફીલોસોફી છેડીને કહ્યું ‘જુઓ સાહેબ ભગવાને દરેક વ્યકિતને પોતાના કર્મો અને નસીબ અનુસાર ગરીબ કે પૈસાદાર બનાવ્યા છે. જેથી ભગવાને જ તેમને આવા બનાવ્યા હોય તો પછી આપણે તેમાં શું ચિંતા કરવાની હોય? જયદેવે કહ્યું તમે આ બાબતે તમારા સંતોને પૂછયું હતુ? ‘મહાજને કહ્યું ‘હા સાહેબ હું કાંઈ અમથો ખોટી વાત કરૂ?’ જયદેવે કહ્યું ‘બરાબર હવે મને તમારા ગૂરૂનું નામ આપો અહી બાબરાથી તમારૂ ગૂરૂસ્થાન કયાં છેટું છે નજીક છે અને આવતા જતા હું તમારૂ નામ દઈ સંતને ‘આ ધર્મની અને કર્મની ફીલોસોફીથી ગરીબ જનતાને લૂંટવાનું લાયસન્સ તેમણે આપ્યું છે કે કેમ? તે હું પૂછી લઈશ. મહાજનને આ પૂછવાની હકિકત સાચી લાગતા તુરંત કહ્યું ‘ના સાહેબ એ રહેવા દેજો મારી ભૂલ થઈ ગઈ.’

જયદેવે મહાજનને કહ્યું કે ગરીબ કારીગરોતો તેમનો વ્યવહાર બુઠ્ઠો ન થાય તે માટે ફરિયાદ કરતા નથી પણ હું ધારૂ તો આજ બાબત દેવકુભાઈ ટ્રેકટરવાળાની લખીલઉ તો તે પણ ફરિયાદ જ કહેવાય અને તમે જેલમાં જ જાવ તે પણ હકિકત છે મહાજન ડરી ગયા અને શરમાઈ પણ ગયા. જયદેવે મહાજનને કહ્યું તમને એક શરતે અહિંથી બાઈજજત જવા દઉં જો તે શરત માન્ય હોય તો. જયદેવે મહાજનને કપાળ ઉપરના તીલક ઉપર હાથ રખાવી ગરીબોને ચૂસવા ના નહિ અને દયા દ્રષ્ટી રાખવાના સોગંદ ખવરાવ્યા અને મહાજન રવાના થયા.

જયદેવ સફેદ ઉજળા કપડામાં ચાલ્યા જતા મહાજનને જોતો જોતો વિચારતો હતો કે ધર્મના ઓઠા હેઠળ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ધર્મની કેવી કેવી વ્યાખ્યાઓ અને અર્થઘટન કરી લે છે ઘર માં પણ ચા નહિ અને બહારના પાણી પણ ન પીએ પરંતુ ગરીબોનું લોહી ચૂસવામાં પાપ સમજતા નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.