Abtak Media Google News

મહેસુલ વિભાગની સુચના અન્વયે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટ તાલુકામાં શરૂ કરાયો પાયલોટ પ્રોજેકટ: ટાઈટલ વેરીફિકેશન માટે ૧૮ ટીમો બનાવતા જિલ્લા કલેકટર

જમીનનો કેસ ચાલુ હોય અને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી ન પડી હોય અથવા અન્ય વાંધા હોય તો ટાઈટલ નક્કી કરવામાં ક્ષતિઓ રહે તેવી સંભાવના: દરેક જિલ્લાના એક-એક તાલુકામાં શરૂ થયેલો પાયલોટ પ્રોજેકટ સફળ થશો તો સમગ્ર રાજ્યમાં અમલવારી કરવાની મહેસુલ વિભાગની તૈયારી

મહેસુલ વિભાગની સુચના અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ તાલુકામાં ખેતિલાયક જમીનના ટાઈટલ ઓનલાઈન મુકવા માટે પ્રી સ્ક્રુટીની કરવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે જિલ્લા કલેકટર દ્વારા ૧૮ ટીમો પણ બનાવવામાં આવી છે. જો આ પાયલોટ પ્રોજેકટ સફળ રહેશે તો સમગ્ર રાજ્યમાં તેની અમલવારી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગે દરેક જિલ્લાને એક-એક તાલુકો પસંદ કરીને તેની ખેતીલાયક જમીનના ટાઈટલ ઓનલાઈન મુકવાની સુચના આપી છે. આ પાયલોટ પ્રોજેકટમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટ તાલુકાની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ તાલુકાની ખેતિલાયક જમીનના પ્રિ સ્ક્રુટીની કરવા માટે ૧૮ ટીમો પણ બનાવવામાં આવી છે.

આ ટીમોએ આજી ૪ વેરીફીકેશનની કામગીરી શરૂ કરી દીધી છે. અંદાજે એક મહિનામાં ટાઈટલ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે હાલ મહેસુલ વિભાગે આ પાયલોટ પ્રોજેકટમાં દરેક જિલ્લાના એક-એક તાલુકા મકને ટાર્ગેટ બનાવ્યા છે જો આ પ્રોજેકટ સફળ રહેશે તો તેને રાજ્યભરમાં અમલી બનાવાશે. જો કે આ પ્રોજેકટ અંગે નિષ્ણાંતોએ ક્હ્યું છે કે, જમીનનો કેસ ચાલુ હોય અને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી ન પડી હોય અવા અન્ય વાંધા હોય તો ટાઈટલ નકકી કરવામાં ક્ષતિઓ રહે તેવી પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે. જે તંત્ર સામે મોટો પડકાર છે.

એફકેઝેડ

પાક નુકશાનના વળતરની ૨૨ હજાર અરજીઓ મળી, સર્વે એક અઠવાડિયામાં પૂર્ણ થશે

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના પગલે સરકાર દ્વારા વિમા કંપનીઓ મારફતે પાકને થયેલા નુકશાનની ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ૨૨ હજાર અરજીઓ મળી હોવાનું જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે, એક અઠવાડિયામાં આ અરજીઓના આધારે સૂર્વે પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે. હાલ આ અંગે જિલ્લા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

એઈમ્સની ટીમના બે આર્કિટેક્ટની સ્થળ વિઝીટ :

Img 20191107 Wa0014 1

એઈમ્સની કામગીરી મુખ્યમંત્રીની સુચના બાદ પુરજોશમાં ચાલી રહી છે. આજરોજ એઈમ્સની ટીમના બે આર્કિટેક સુબોધ ચંદ્રા અને શૈલેન્દ્ર કુમારે સ્થળ વિઝીટ કરી રોડ-રસ્તા, ગેઈટની જગ્યા સહિતના મુદ્દે જરૂરી નિરીક્ષણ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, એઈમ્સ નજીક રૂ.૯૧ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રીજ બનાવવાના કામને વહીવટી મંજૂરી મળી ગઈ છે. ઉપરાંત ખાનગી જમીન સંપાદનમાં બાકી રહેલા એક ખાતેદારના એવોર્ડની દરખાસ્ત પણ મોકલવામાં આવી છે જે ટૂંક સમયમાં મંજૂર થઈ જશે.

વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન માટે કેમ્પનું ઘડાતું આયોજન

વિધવા સહાય અને વૃદ્ધ પેન્શનની યોજનાનો લાભ લેવા ઈચ્છુક લોકોને સરળતા રહે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પહેલા તબક્કે શહેરી વિસ્તારમાં કેમ્પ યોજવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આ માટે મહાપાલિકા સાથે આજે મીટીંગ પણ યોજવામાં આવનાર છે. આ કેમ્પમાં લાભાર્થીઓને આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ એક જ સ્થળેથી મળી રહેશે. તાજેતરમાં વિધવા સહાયના નિયમમાં સરકારે ફેરફાર કર્યા હોય નવા લાભાર્થીની સંખ્યામાં વધારો થવાનો હોવાનું જણાતા તબક્કાવાર કેમ્પો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.