Abtak Media Google News

ગુજરાત રાજયના ઉદ્યોગ ખાતાના પ્રધાન  બળવંતસિંહ રાજપુતની ઔદ્યોગીક એસોસીએશનો અને સૌરાષ્ટ્રની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ સાથે ઉદ્યોગોને લગતા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપુત દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવાનું પ્લાનીંગ છે. આ પ્રસંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રાજીવભાઇ દોશીએ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતને રજુઆત કરેલ હતી કે, 2003 ની સાલથી વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવે છે.

રાજકોટે ઔદ્યોગીક ક્ષેત્રે ખુબ જ મોટી હરણફાળ ભરેલ છે અને ભારતભરમાંથી ઘણા બધા ઉદ્યોગપતિઓ રાજકોટમાં ઉદ્યોગ સ્થાપવા ઇચ્છુક છે કારણ કે, ટેક્ષટાઇલ્સ અને ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝના સ્પેરપાર્ટસનું રાજકોટ હબ બની ગયું છે. તેમજ વિદેશથી પણ રોકાણકારો રાજકોટમાં ઉદ્યોગ સ્થાપવા માટે આગળ આવી શકે એમ છે કારણ કે, રાજકોટ-સૌરાષ્ટ્રમાં મશીનરી, ફાઉન્ડ્રી અને ફોર્જીગ ઇન્ડસ્ટ્રીઝનો ઘણો વિકાસ થયો છે. આ સંજોગોમાં આગામી વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન રાજકોટ ખાતે કરવું જોઇએ તેવી માંગણી ગ્રેટર ચેમ્બર દ્વારા કરવામાં આવેલ છે. ઉદ્યોગમંત્રીએ આ માંગણીનો સકારાત્મક જવાબ આપતા જણાવ્યું કે, ચોક્કસપણે આ વિચારણા કરવામાં આવશે.

આ મિટીંગ કેટલાક ઉદ્યોગોએ રજુઆત કરી કે, રાજય સરકારની સહાય મેળવવાની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષ છે પરંતુ તેઓ ઓનલાઇન અરજી સબમીશન ફકત 24 કલાક મોડી કરતા તેમની અરજી અટકીને પડી છે. કેટલાક એકમોએ જણાવ્યું કે, વ્યાજ સહાય અને સબસીડીની રકમ મેળવવામાં ઘણો સમય લાગી જાય છે.

આ તબક્કે ગ્રેટર રાજકોટ ચેમ્બરના માનદમંત્રી  ઉપેનભાઇ મોદીએ રજુઆત કરી હતી કે રોકડ સબસીડીની સહાય બેન્કમાંથી જયારે લોનના હપ્તાનું ચુકવણુ થાય ત્યારે જ બેન્કએ નોડલ એજન્સી તરીકે ગુજરાત સરકાર વતી સબસીડીની રકમ ચુકવી દેવી જોઇએ. કારણ કે, બેન્કે એસેટસ વેરીફીકેશન, સપ્લાયર્સને પેમેન્ટ વગેરે બાબતો ચકાસી લીધી હોય છે અને ત્યારબાદ જ લોનની રકમ ચુકવવામાં આવે છે.

આમ લોનની રકમની સાથે જ સબસીડીની રકમ ઉદ્યોગને મળી જાય તો તેઓને ઘણી રાહત મળી જાય. તે જ રીતે જયારે બેન્ક વ્યાજ લગાડે ત્યારે જ સરકારની નોડલ એજન્સી તરીકે વ્યાજ સહાયની રકમ બેન્કએ ઉદ્યોગને જમા આપી દેવી જોઇએ. આ પધ્ધતિ અપનાવવાથી ઉદ્યોગકારોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ તુરત મળી જશે અને ડુપ્લીકેશન ઓફ વર્ક બેન્ક દ્વારા અને ઉદ્યોગખાતા દ્વારા પણ કરવામાં આવે છે તેનો સમય બચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.