Abtak Media Google News

રકતદાતા જાગૃતિ દિન નિમિતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયાએ પ્રથમ વખતથી માંડી 126મી વાર રકતદાન કર્યાની સફરને તાજી કરી

રકત કોઈ વ્યકિતનું જીવન બચાવી શકે છે એ વાત બરાબર દિલ-દિમાગમાં ઉતરી ગઈ. બસ, કશુંય વધારે વિચાર્યા વગર હું પણ રકતદાન કરવા સુઈ ગયો. આ હતું મારું પ્રથમ રકતદાન આનંદ સાથે પરોપકાર કર્યાનો અને પુણ્ય કમાયાનો આનંદ હતો. ત્યારની ઘડી અને આજદિન સુધી મારી આ રકતદાનની યાત્રા ચાલુ જ છે…એટલું જ નહીં સેંકડો કેમ્પોમાં ડોકટર તરીકે રકતદાન લેવા જવાનો અને એક સામાજિક કાર્યકર તરીકે રકતદાન કેમ્પ યોજવાનો ઉપરાંત હજારો યુવાન યુવતીઓને આ સેવાયજ્ઞમાં જોડવાનું પણ સાંપડયું છે, જેને હું મારું સદભાગ્ય સમજું છું. આ શબ્દો છે 126વાર રકતદાન કરનાર ડો.વલ્લભભાઈ કથીરિયાનાં.

તેમનાં જણાવ્યા પ્રમાણે પ્રથમવાર રકતદાન કર્યા બાદ અવારનવાર કયાંક આયોજીત કેમ્પમાં કે કોલેજમાં કે રેડીયો (ત્યારે હજુ ટીવી આવ્યા ન હતા) પર રકતદાનની જાહેરાત સાંભળી રકતદાન કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો. મેડિકલમાં એડમીશન મળ્યા બાદ સિવિલ હોસ્પિટલની રેડક્રોસ બ્લડ બેંકમાં રકતદાન કરવા જવાનું થતું. જયારે રકતદાનનો મારો આંકડો 11 (અગીયાર)નો થયો ત્યારે તે સમયનાં ગવર્નર શારદા મુખર્જીનાં વરદ હસ્તે શીલ્ડ મળ્યો.

એમબીબીએસ અને એમ.એસ.નાં અભ્યાસ દરમ્યાન, અનેકવાર કોલેજો, એન.એસ.એસ., એન.સીસી, શિબિરો, ગ્રામ્ય વિસ્તાર કે સોસાયટી યા તો સામાજીક સંસ્થાઓનાં ઉપક્રમે યોજાતી રકતદાન શિબિરોમાં વોલન્ટીયર-સ્વયંસેવક તરીકે સેવા આપવાનો સિલસિલો શરૂ થયો, એક તરફ સ્વયં રકતદાતા અને બીજી તરફ કેમ્પ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય સતત આગળ વધતું રહ્યું. સંજોગોએ રાજકોટમાં સ્થાયી થવાનું થયું. સામાજીક સંસ્થાઓ અને સંઘ પરિવારમાં સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિયતાના નાતે રકતદાન પ્રવૃતિ મારા જીવનનો અંગ બની ગઈ.

2002માં મારા 99 વારના રકતદાન બાદ 100મું રકતદાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્વૈચ્છિક રકતદાન પ્રવૃતિને વેગવંતી બનાવવા અને સામાજીક ચેતના પ્રગટાવવાના ઉદેશથી વિશિષ્ટ રીતે ઉજવવા મેં મિત્રો સમક્ષ વિચાર મુકયો. તુરત જ અમલ શરૂ થયો. ઉદઘાટન અને ત્યારબાદ મારા રકતદાનનો 7 વાગ્યે તો ફોન આવ્યો કે સાહેબ, જલ્દી આવો, અહીં રકતદાન માટે લાઈનો લાગી છે એકબાજુ ગુજરાતભરની 27 બ્લડબેંકોએ વધુમાં વધુ રકત એકઠું કરવા કમરકસી હતી. બીજી બાજુ રકતદાતાઓનો અસ્ખલિત પ્રવાહ. બપોરનાં 1:30 વાગ્યે બ્લડ બેંકોની કેપેસીટી ખલાસ થઈ ગઈ. રકત એકઠું કરવાની બોટલો ખુટી ગઈ.

2500 થી 3000 જેટલા રકતદાતાઓને રકતદાન વગર પાછા મોકલવા પડયા, એ સમયનું યોગીધામ કેમ્પસનું દ્રશ્ય અલૌકિક ભાસતું હતું. કોલેજીયન યુવતીઓથી માંડી, મહિલા ગ્રુપો, મુસ્લિમ, ખ્રિસ્તીથી માંડી દરેક ધર્મ, સંપ્રદાયો ઉભરી રહ્યાં હતા અનેક રાજકીય મહાનુભાવો, સંતો-મહંતોની ઉપસ્થિતિ અને ખુદ તેમનાં દ્વારા રકતદાને માહોલને ચાર ચાંદ લગાવી દીધા. અરે જોવા આવનારા પણ સ્વયં રકતદાન કરવા સુઈ ગયા. એક અનોખો માહોલ, અદ્વિતીય પ્રસંગ, અવિસ્મરણીય ઘટના.

આ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપવા ઉપસ્થિત મહામહિમ રાજયપાલ સુંદરસિંહજી ભંડારી ભાવવિભોર થઈ ગયા. એક મહાનુભાવ તો બોલી ઉઠયા સામાન્ય માન્યતા એવી છે કે રાજકારણીઓ લોહી પીવે છે, પરંતુ અહીં તો ડો.કથીરીયાએ 100 વાર લોહી આપી અમારી માન્યતા બદલી નાખી છે. સૌરાષ્ટ્રની ધરતી પર આ પ્રકારનાં યજ્ઞે રકતદાન પ્રવૃતિની ચેતના જગાવવામાં ઉછાળો લાવીને ઉમદા માનવ સેવાનાં કાર્યમાં આહુતિ આપવાનું અજોડ કાર્ય કર્યું છે. દિલ્હીનાં મિત્રો અને પત્રકારોએ રાજકોટનો રકતદાન મહોત્સવ નજરે નિહાળ્યો હતો તેઓએ દિલ્હીમાં આ રીતે મેગા કેમ્પનાં આયોજનનું વિચાર્યું. સમિતિ બની દિલ્હીનું મારું રહેઠાણ કાર્યાલય બની ગયું. અક્ષરધામ મંદિર સંકુલનાં મોટા હોલમાં 15 એપ્રિલ 2007નાં રોજ મહારકતદાન શિબિરનું આયોજન થયું. યોગગુરૂ બાબા રામદેવજીની ઉપસ્થિતિમાં 2775 રકતદાતાઓએ રકતદાન કરી દિલ્હીમાં વિક્રમ સ્થાપ્યો.  આવો આપણે સૌ રકતદાન પ્રવૃતિને આપણો જીવનમંત્ર બનાવીએ. 125મું રકતદાન પ્રવૃતિ સાથે જોડાયેલા જગતસિંહ જાડેજાનાં કેમ્પમાં અને 126મું રકતદાન પ્રમુખ સ્વામીને અંજલીરૂપે રાજકોટનાં ભવ્ય મહોત્સવમાં કરવામાં નિમીત બન્યો છું. ઈશ્ર્વરકૃપા, સંતો, વડીલોનાં આશીર્વાદ અને સ્નેહી, મિત્રોની શુભકામનાઓ મારા સેવાકાર્યમાં યજ્ઞમાં બળ આપતી રહી છે. તેમ ડો.વલ્લભભાઈ કથીરીયા એ જણાવ્યું હતું

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.