Abtak Media Google News

હિન્દુજા ગ્રુપની રૂ. 8150 કરોડની બોલી સામે ટોરેન્ટ ગ્રુપે રૂ. 8,640 કરોડની બોલી લગાવી કંપની ખરીદી

મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની હરાજી માટે સૌથી મોટી બોલી ટોરેન્ટ ગ્રુપે લગાવી છે.  ભારે દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગરૂપે યોજાયેલી હરાજીમાં ટોરેન્ટ ગ્રૂપે વધુ બોલી લગાવી કંપનીને ખરીદી હતી. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે અનિલ અંબાણી જૂથ દ્વારા સ્થાપિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીને હસ્તગત કરવા માટે રૂ. 8,640 કરોડની બિડ કરી છે.

બેંકિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, હિન્દુજા ગ્રુપે પણ આ કંપનીને ખરીદવા માટે હરાજીમાં ભાગ લીધો હતો અને 8150 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ ટોરેન્ટ ગ્રુપે તેની ઊંચી બોલી દ્વારા આ ઓફરને પરાસ્ત કરી હતી. બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રૂપે બીજી સૌથી વધુ બિડ કરી છે, જ્યારે ઓકટ્રીએ હરાજીના તબક્કામાં ભાગ લીધો નથી.  કોસ્મિયા પીરામલ જોડાણ પહેલેથી જ બિડિંગ પ્રક્રિયામાંથી બહાર હતું.  સૂત્રોએ જણાવ્યું હતું કે કમિટી ઓફ ક્રેડિટર્સ એ હરાજી માટે

રૂ. 6,500 કરોડની નીચી કિંમત મર્યાદા નક્કી કરી હતી.  નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના આદેશ અનુસાર, ધિરાણકર્તાઓએ 31 જાન્યુઆરી, 2023 સુધીમાં રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

હરાજી જીતવાથી ટોરેન્ટ ગ્રુપને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં ફાયદો થશે કારણ કે તે ટોરેન્ટ ગ્રુપને રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સમાં સંપૂર્ણ 100 ટકા હિસ્સો આપશે, જ્યારે ટોરેન્ટને અન્ય અસ્કયામતો સાથે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સમાં 51 ટકા હિસ્સો મળશે.

રૂ. 21,000 કરોડના ટોરેન્ટ ગ્રૂપનું નેતૃત્વ 56 વર્ષીય સમીર મહેતા કરે છે અને તેમના નેતૃત્વ હેઠળ જૂથે અનેક વ્યૂહાત્મક પહેલ કરી છે અને નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે.  ઉદાહરણ તરીકે, ટોરેન્ટ ગ્રુપે પાવર અને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવી છે.  ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, ટોરેન્ટ ગ્રૂપની મુખ્ય કંપની, ભારતની અગ્રણી ફાર્મા કંપનીઓમાંની એક છે.  હવે તેના જૂથ પાસે રિલાયન્સ કેપિટલને ખરીદ્યા બાદ નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં આગળ વધવાની તકો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.