Abtak Media Google News

મોદી મંત્ર-1 અર્થતંત્રનો વિકાસ, મોદી મંત્ર-2 આતંકવાદનો ખાત્મો

આતંકવાદથી પ્રભાવિત સરહદના વિસ્તારો ટુરિઝમ હબ હોય, ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગારીની તકોનું સર્જન કરવાથી આતંકવાદ જડમૂળથી હટવાની સાથે અર્થતંત્રનો પણ થશે વિકાસ

સરકાર અત્યારે બે મુદ્દાનો જ કાર્યક્રમ ચલાવી રહી છે. એક તો અર્થતંત્રનો વિકાસ, બીજું આતંકવાદનો ખાત્મો. હાલ સરહદના વિસ્તારોમાં વિકાસવાદ લાવીને એક કાંકરે બે નિશાન સાધવા સરકાર સજ્જ છે. આતંકવાદથી પ્રભાવિત સરહદના વિસ્તારો ટુરિઝમ હબ હોય, ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોજગારીની તકોનું સર્જન કરવાથી આતંકવાદ જડમૂડથી હટવાની સાથે અર્થતંત્રનો પણ  વિકાસ થશે તે નક્કી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન 20,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં સંબોધન કરતા કહ્યું હતું કે, ન તો આ જગ્યા મારા માટે નવી છે અને ન તો હું તમારા માટે નવો છું. મારા માટે ખુશીની વાત છે કે આજે કનેક્ટિવિટી અને વીજળી સંબંધિત 20 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના વિકાસને નવી ગતિ આપવા માટે રાજ્યમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પ્રયાસોને કારણે મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરના યુવાનોને રોજગારી મળશે. આજે ઘણા પરિવારોને ગામડાઓમાં તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ પણ મળી ગયા છે. આ માલિકી કાર્ડ ગામડાઓમાં નવી શક્યતાઓને પ્રેરણા આપશે.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. વધુમાં ઉમેર્યું કે આઝાદીના 7 દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં માત્ર 17 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થઈ શક્યું. છેલ્લા બે વર્ષમાં આ આંકડો 38 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. પીએમએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરનું સપનું અમે સાકાર કર્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના યુવાનોને રોજગારની તકો મળશે.પીએમએ કહ્યું કે જો સરકારી ફાઇલ દિલ્હીથી નીકળતી હતી તો અહીં પહોંચતા તેને 2-3 દિવસ અઠવાડિયા લાગતા હતા.

પીએમ મોદીએ કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે તમારા દાદા-દાદીને જે મુશ્કેલી સાથે જીવવું પડ્યું તેવું જીવન તમને અને તમારા બાળકોને જીવવા નહીં દઉં’, મારી વાત પર વિશ્વાસ કરો. મોદીએ કહ્યું- 2020 સુધીમાં દેશને કાર્બન ન્યુટ્રલ બનાવવાનો સંકલ્પ છે. જમ્મુ-કાશ્મીરે આ દિશામાં મોટી પહેલ કરી છે. ભારત ગ્લાસગોના સંકલ્પને જમ્મુ અને કાશ્મીરની નાની પંચાયત પલ્લીમાં લાગુ કરવામાં આવી છે. તે પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત તરફ આગળ વધી રહી છે. આ મહાન સિદ્ધિ અને વિકાસના આ કાર્ય માટે જમ્મુ-કાશ્મીરના લોકોને અભિનંદન પાઠવું છું.

વિકાસવાદ વચ્ચે હરામીઓનો સફાયો પણ જારી: 3 ઠાર કરાયા

સરહદી વિસ્તારોમાં વિકાસવાદની સાથોસાથ આતંકીઓનો સફાયો પણ જારી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના જવાનોએ રવિવારે રાત્રે પુલવામા જિલ્લામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણ થઈ હતી.  આ પછી, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.  આ દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ જવાનો દ્વારા પણ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો.  આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં આ ત્રીજુ એન્કાઉન્ટર હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.