રાજકોટ: વોર્ડ ઓફિસેથી તિરંગા વિતરણનો આરંભ: શહેરીજનોમાં જબ્બરો ઉત્સાહ

તમામ વોર્ડ ઓફિસો પર બપોર સુધીમાં તિરંગા ખલ્લાસ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત શહેરમાં 3 લાખથી પણ વધુ મિલકતો પર તિરંગા ફરકાવવાનો લક્ષ્યાંક કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આજે સવારથી તમામ વોર્ડ ઓફિસ ખાતેથી તિરંગા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તિરંગા મેળવવા માટે શહેરીજનોમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર સુધીમાં તમામ વોર્ડ ઓફિસ પર તિરંગા ખલ્લાસ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં શહેરના મુખ્ય સર્કલ ખાતે સ્ટોલ ઉભા કરીને તિરંગા વિતરણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ દેશવાસીઓને તિરંગો રૂ.21માં અને લાકડી રૂ.9માં એમ કુલ 30 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે. આજે સવારથી વોર્ડ ઓફિસ ખાતેથી તિરંગા વિતરણ શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. હોંશભેર તિરંગાની ખરીદી કરી હતી.

સાથોસાથ અન્યને પણ તિરંગો લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સેવાકીય સંસ્થાઓ, બેંકો, ખાનગી કં5નીઓ દ્વારા બલ્કમાં તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસથી જ વેંચાણને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આવતા સપ્તાહથી મુખ્ય સર્કલો ખાતે સ્ટોલ ઉભા કરવામાં આવશે અને તિરંગાનું વિતરણ કરાશે.