Abtak Media Google News

અમે કોઇ ચમત્કાર કરતા નથી, દુ:ખી માનવી માટે માતાજીને પ્રાર્થના કરીએ ને દુ:ખ દૂર થઇ જાય તો અમે નિમિત્તમાત્ર બનીએ છીએ

મંદિરોમાં ફરવા, ફોટો પાડવા, નાસ્તા કરવા જવું એનાથી ધાર્મિકતા વધતી નથી: સંત એના સેવકને આશિર્વાદ આપે ને સેવકનું કામ થઇ જાય ત્યારે સંતની પુણ્યબેંકમાંથી પુણ્ય ઉધાર થાય છે

માતા-પિતાના આશિર્વાદ અને પૂર્વનું અધુરૂં કર્મ પ્રાપ્ત થયું એટલે લાલબાપુ બની શકાયું: ગધેથડ જ મારી જન્મભૂમિ, કર્મભૂમિ અને પુણ્યભૂમિ: આજેય 21 કલાક ગુફામાં તપસ્યા કરૂં છું

 

સંત, સપુત અને તુંબડાં, ત્રણેયનો એક સ્વભાવ, ઇ તારે પણ બોળે નહીં, એને તાર્યા ઉપર ભાવ.

આવા જ એક તપસ્વી સંત એટલે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામના ગાયત્રી આશ્રમસ્થિત પૂ.લાલબાપુ. છેલ્લાં 45 વર્ષથી ગધેથડ પંથકમાં મા ગાયત્રીની ઉપાસના કરતાં પૂ.લાલબાપુનો ગાયત્રી આશ્રમ આજે અસંખ્ય લોકોની શ્રદ્વાનું કેન્દ્ર બની ગયો છે. પૂ.બાપુ 21 કલાક એકાંતવાસમાં રહે છે અને 3 કલાક જ બહાર આવે છે છતાં દરરોજ અનેક ભક્તો આશ્રમ અને બાપુના દર્શનાર્થે આવે છે ત્યારે આવો આપણે પણ ગાયત્રી આશ્રમની મુલાકાત લઇએ અને પૂ.લાલબાપુ સાથે ‘સંતસંગ’ કરીએ.

પ્રશ્ર્ન : સમાજમાં ધર્મનો પ્રભાવ છે કે અભાવ?

લાલબાપુ : સમાજને ખબર જ નથી કે ધર્મ શું છે? મંદિરો, કથા, ભજન, ધાર્મિક પ્રસંગોમાં લોકો ખૂબ ભેગા થાય છે પણ ખરા અર્થમાં ધર્મને આપણે સમજી શક્યા નથી. પૂજા, દાન, આરતી, જાપ વગેરેને આપણે ધર્મ માનીએ છીએ વાસ્તવમાં આ ધર્મ નથી પણ ધર્મ સુધી જવાના રસ્તાઓ છે. કોઇ રામ ઉપાસક, શિવ ઉપાસક, દેવી ઉપાસક હોય કે પછી સંપ્રદાયોમાં માનતા હોય એ બધા ધર્મ સુધી જવાના રસ્તા છે. સત્યએ ધર્મ છે. જગત અસત્ય છે.

પ્રશ્ર્ન : લાલુભાથી લાલબાપુ સુધીની યાત્રા કેવી રહી?

લાલબાપુ : વડીલોના, માતા-પિતાના આશિર્વાદ અને પૂર્વજન્મનું કોઇ અધુરું કર્મ આ જન્મમાં જાણે પ્રાપ્ત થયું. બાળપણમાં બીજા બાળકો ગારાના રમકડાં બનાવતા તો હું મૂર્તિ બનાવતો. ભણવા જતો, ખેતી કરતો, સિમેન્ટના કારખાનામાં નોકરી કરતો ત્યારે પણ ઇશ્ર્વરના સાંનિધ્યને હંમેશા જાણે કે સાથે જ રાખતો. ગધેથડ ગામ મારી જન્મભૂમિ, કર્મભૂમિ અને હવે તપોભૂમિ પણ બન્યું.

પ્રશ્ર્ન : તુલસીદાસે કહ્યું છે કે પિતાના ગામમાં ન જવું, તમે તો આ ભૂમિને જ તપોભૂમિ બનાવી અને લોકોનું ઋણ તમારા ઉપર છે એવો ભાવ રાખો છો, એવું કેમ?

લાલબાપુ : સાચી વાત છે, હું હંમેશા એમ જ વિચારૂં છું કે ગરીબ, શ્રીમંત, તંદુરસ્ત, રોગી દરેકમાં એક સરખો આત્મા વસે છે. પૂર્વ કર્મને લઇને આપણને અલગ-અલગ પ્રકારે ફળ મળે છે. પૂર્વ કર્મો કોઇને છોડતા નથી. ભગવાન રામે પણ કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતું. ત્રણ પ્રકારના ઋણ છે. અમુક ઋણથી તમે બંધાવ છો. નવા પાપ એ તમને બાંધે છે તો અમુક ઋણ છોડે છે તો અમુક વખત ઋણ ચુકવવું પડે છે.

પ્રશ્ર્ન : લાલબાપુનું તપ હવે કઇ પરાકાષ્ઠાએ પહોંચશે?

લાલબાપુ : આજથી 45 વર્ષ પહેલા પરમાત્મામાં જેવો વિશ્ર્વાસ હતો એવો જ આજે છે. સાધના ખંડમાં આવેલી ગુફામાં આજે પણ 21 કલાક તપ અને ભજન કરૂં છું. રાત્રે 8:00 વાગ્યા પછી 3 કલાક માટે બહાર આવીને જનહિત થાય એવા પ્રયાસ કરૂં છું. શુધ્ધ ભાવના રાખીને લોકકલ્યાણ થાય એવી પ્રાર્થના કરતો રહું છું. 45 વર્ષમાં બે આશ્રમમાં રહ્યો પણ હજી સુધી હાથ લાંબો કર્યો નથી. ભીક્ષા માંગી નથી, બેન્કમાં ખાતું રાખ્યું નથી, પહોંચ બુક છપાવી નથી. અમે માત્ર નિમિત્ત બનીએ છીએ.

પ્રશ્ર્ન : આજે માણસોએ ખૂબ વિકાસ સાધ્યો છતાં સમસ્યાઓ પણ ખૂબ વધી છે, એનું કારણ શું ?

લાલબાપુ : સંતોષ ન થાય ત્યાં સુધી સુખ મળે નહીં. આપણે એવું સમજતા જ નથી કે ઇશ્ર્વર સૌનું લાલન-પાલન કરે છે. આપણે જ બધુ કરીએ છીએ એવા અહંમ સાથે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સુખ નહીં આવે. એવું કહેવાય છે કે-

અજગર કરે ન ચાકરી, પક્ષી કરે ન કામ, દાસ મલુક કહે, સબ કા દાતા રામ.

જો પ્રાણી-પક્ષી સૌનું લાલન-પાલન ઇશ્ર્વર કરતો હોય તો પછી માણસ કેમ સમજતો નથી? હક્કનું ખાવુ અને બીજાને ઉપયોગી થવું એવી વૃત્તિ રાખીએ તો સુખી થઇએ.

પ્રશ્ર્ન : આજે ધાર્મિકતા વધી હોય એવું લાગે છે પણ એની સામે ગુનાખોરી પણ વધી છે, આવું કેમ? 

લાલબાપુ : ધાર્મિકતા વધી હોય એવો આભાસ થાય છે. ભલે મંદિરોમાં ભીડ વધી છે પણ આપણે ખરેખર ભાવથી મંદિરમાં જઇએ છીએ? કાં તો શરમે-ધરમે અથવા વ્યવહાર ખાતર મંદિરો, કથા, ધાર્મિક કાર્યક્રમોમાં બધા જતા હોય છે. મંદિરોમાં જઇને ફોટા પાડવા, ફરવાના હેતુથી જવું, પૂજા-આરતી વખતે દૂર બેસીને નાસ્તા કરવા એનાથી ધાર્મિકતા વધે ખરી? મોટાભાગના લોકો મૂર્તિ પાસે જઇને આંખો મીંચી જતા હોય છે. વાસ્તવમાં ત્યાં આંખો ખૂલ્લી રાખીને પ્રભુની આભાના દર્શન કરવા જોઇએ. મંદિરના વાઇબ્રેશન અનુભવવા જોઇએ. દુ:ખ વખતે માત્ર ઇશ્ર્વર યાદ આવે છે. કોરોનાથી લોકો ડર્યા પણ ઇશ્ર્વરથી ન ડર્યા !!

પ્રશ્ર્ન : તમે લોકોના દુ:ખ દૂર કરો છો તો આ કોઇ ચમત્કાર છે?

લાલબાપુ : ના, હું કોઇ ચમત્કાર કરતો નથી. દર્દીને ડોક્ટરમાં ભગવાનના દર્શન થાય છે કેમ કે એને ખબર છે કે ડોક્ટર મારૂં દર્દ મટાડી દેશે. એમ અહીં કોઇ આવે પોતાનું દુ:ખ રજૂ કરે તો અમારા મનમાં કરૂણા જાગે, અમે અંત:કરણથી માતાજીને પ્રાર્થના કરીએ અને પાન, મૂળીયા વગેરે પ્રસાદીરૂપે આપીએ અને એનું દુ:ખ દૂર થઇ જાય એટલે લોકો ચમત્કાર થયો તેમ સમજે છે. વાસ્તવમાં અમે તો નિમિત્ત માત્ર હોઇએ છીએ.

પ્રશ્ર્ન : સંત તો માથી પણ મોટા હોય છે, તો સમાજને જગાડવા તમે શું કહેશો?

લાલબાપુ : અમારી આજુબાજુના ત્રણ ગામમાં બલી ચડાવવાની પ્રથા હતી. લોકો અવાર નવાર પોતાના હિત માટે માનતા કરતાને પોતાનું કાર્ય પૂર્ણ થાય એટલે પશુબલી ચડાવતાં. વર્ષોથી આ પરંપરા ચાલતી હતી પણ અમે 8 વર્ષ પહેલા આ ગામના સરપંચો અને આગેવાનોને બોલાવી શાસ્ત્રોક્ત રીતે સમજાવ્યાં કે તમે જે ભોગ ધરો છો તે માતાજી જમે છે? તમારે ત્યાં દિકરો આવે એટલે તમે કોઇના પશુના સંતાનને હણી નાખો તો તમારો દિકરો સુખી થશે? આવી અંધશ્રદ્વામાંથી બહાર આવો, જીવહિંસા અટકાવો એવી લાગણી વ્યક્ત કરતા એ ગામડાંના લોકોને વાત સમજાઇ અને આજે આ ગામોમાં પશુબલીની પ્રથા નાબૂદ થઇ ગઇ.

પ્રશ્ર્ન : આશ્રમની બાજુના વેણુ ડેમમાં મચ્છીમારી બંધ કરાવવામાં તમારી ભૂમિકા મહત્વની હતી…

લાલબાપુ : મારા સત્સંગ દરમિયાન હું અવાર-નવાર કહેતો હતો કે બાજુના ડેમમાં જ માચ્છીમારી થાય છે અનેક જીવોની રોજ હત્યા થાય છે પણ સરકારે છૂટ આપી છે તો આપણે શું કરી શકીએ? ભાજપના બૌદ્વિક સેલના અગ્રણી જયેશભાઇ વ્યાસ અમારા સત્સંગમાં આવે એટલે એમણે મારી લાગણી એ વખતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી પહોંચાડી અને તેમણે આજુબાજુના ગામના સરપંચોના પત્રો લઇને માચ્છીમારી બંધ કરાવી. અમે ખૂબ રાજી થયાં કે અસંખ્ય જીવોની હિંસા અટકાવવામાં અમે નિમિત્ત બન્યાં.

પ્રશ્ર્ન : સંત પોતાના સેવકને આશિર્વાદ આપે, સેવકનું કામ થઇ જાય પણ સંતની પૂણ્યની બેન્કમાંથી પૂણ્ય ઓછું થતું હોય છે?

લાલબાપુ : હા, સંતની ભજન કમાણીમાંથી પૂણ્ય જરૂર વપરાય છે. સંતનું અંતર દ્રવી જાય, આશિર્વાદ આપી દે અને કોઇનું કામ થઇ જાય ત્યારે સંતની કમાણી પણ વપરાતી હોય છે. લોકો આશિર્વાદ લઇને જતા રહે છે પણ પછી સંતની સામું પણ જોતા નથી. કારણ કે સંસ્કાર ખૂબ સ્વાર્થી છે.

પ્રશ્ર્ન : વિશ્ર્વના દેશોમાં વિજ્ઞાન ટેકનોલોજીનો વ્યાપ છે પણ ભારતમાં સાધુ-સંતો ખૂબ છે એવી ટીકા થાય છે….

લાલબાપુ : સંત એને કહેવાય જે ત્યાગ અને વૈરાગ્યથી ભરપૂર હોય, તંત ઓછા એનું નામ સંત. સાધના કરે તે સાધુ. ભક્તિ, તપ વગેરે સાધુનું લક્ષણ છે પણ પોતે બગડે અને બીજાને બગાડે એનું નામ બાવા. પોતે ગાંજો પીએ અને ભક્તોને પણ પીવડાવીને એની જીંદગી બગાડે એને સાધુ કે સંત ન કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.