Abtak Media Google News

Screenshot 2 59 Screenshot 3 54 રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ: છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ પાણી-પાણી

આજે સવારથી રાજ્યભરમાં મેઘાવી માહોલ: જામનગર, જૂનાગઢ,રાજકોટ,મોરબી, સુરત, તાપીમાં સવારથી બે ઈંચ સુધી વરસાદ

રાજ્યમાં બિપોરજોય વાવઝોડાને લઈને વરસાદ મોડો થાય તેવી ભીતિ સર્જાઈ હતી પરંતુ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદના પગલે હવે અલનીનો છેદ ઉડી ગયો છે.ગુજરાતમા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય પૂર્વ કચ્છમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા. પૂર્વ કચ્છના અંજારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અંજારમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.  ભારે વરસાદથી અંજાર અને જૂનાગઢ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.રાજકોટમાં પણ બે ઈંચ વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને  તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં  નવ ઈંચ,  તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ ,  તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં  પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી,  બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં  સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.

ઉપરાંત બોડેલી, તારાપુર, મહેમદાવાદમાં ત્રણ ત્રણ ઈંચ, પડધરી, વડોદરા, કેશોદમાં ત્રણ ત્રણ ઈંચ, નિઝર, બાલાસિનોર, હાલોલમાં પોણા ત્રણ ઈંચ, માંગરોળ, જસદણ, દહેગામમાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મૂશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કપાસ-મગફળી સહિતના વાવેતરને ફાયદો

વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. એટલે સારા વરસાદને કારણે આ વર્ષે કપાસ-મગફળીના વાવેતરમાં ખુબ જ વધારો થશે.ઉપરાંત કઠોળ, તલ સહિતના પાકને પણ આ વરસાદથી ફાયદો થશે. આ વર્ષે સોયાબીનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોની સાથે માલધારીઓમાં પણ ખુશીનો માહોલ છે. જિલ્લાના મોટાભાગના ડેમોમાં મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે.ગોંડલ ધોરાજી જેતપુર અને ઉપલેટાના ડેમોમાં નવા નિર્માણની આવકો થઈ છે. તો ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ઓવરફલો થતા ખેડૂતોને ફાયદો થશે. સારા વરસાદને લઈને ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે.

કચ્છમાં સિઝનનો સૌથી વધુ 76.80 ટકા વરસાદ

અત્યાર સુધીમાં કચ્છમાં સીઝનનો સૌથી વધુ 76.80 ટકા વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 25 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો 14.82 ટકા, સૌરાષ્ટ્રમાં સીઝનનો 32.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 15.86 ટકા વરસાદ વરસ્યો છે. હજુ તો વરસાદનું આગમન થયું છે ત્યાં જ મોટાભાગના વિસ્તારોમાં જરૂર જેટલો વરસાદ પડી ગયો છે. એટલે ચાલુ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડે તેવી પુરી સંભાવના છે.

વરસાદને વધાવતું શેરબજાર

શેરબજારમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. જાણે વરસાદને શેરબજારે વધાવ્યો હોય તેમ ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતના કારોબારમાં બીએસઇ સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો હતો. સવારે 09:16 વાગ્યે સેન્સેક્સ 362.59 પોઈન્ટ્સ અથવા 0.57 ટકાના વધારા સાથે 64,278.01 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે, એનએસઇ નિફ્ટી 97.80 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા સાથે 19,069.90 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ રીતે નિફ્ટીએ 19,050નો આંકડો પાર કર્યો.

ભારે વરસાદને કારણે ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ સહેલાણીઓની જિંદગી બચાવાઈ

Screenshot 4 48 મોરબીમાં કાર પાણીમાં ગરક

અબતક, ઋષિ મહેતા મોરબી
મોરબીના આલાપ પાર્કની અડોઅડ ખેતર લઈ ફરતો વંડો વારી દીધેલ છે આ વંડાની અંદર આલાપ પાર્ક જમીન પર અનધિકૃત રીતે દબાણ કરેલ છે અને સુપર આલાપ વિસ્તારમાં આજે રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો હોય પરીણામેં સુપર આલાપ વિસ્તારમાં ચોંમાંસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને એ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે તો આલાપ પાર્ક સોસાયટીના રહીશોની લાગણી અને માંગણીને સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત કરવા માટે રજુઆત કરેલ છે.ચોમાસા અગાઉ આલાપ પાર્કના રહીશોએ કલેકટર,ચીફ ઓફિસર સહિતના અધિકારી અને પદાધિકારીઓ પાસે રજુઆત કરી હતી છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ ન હોય આ સ્થિતિ થઈ છે.

Screenshot 6 39

હળવદનાં સુખપર ગામે સીમમાં વીજળી પડતા ત્રણ ભેંસના મોત

અબતક, ઋષિ મહેતા મોરબી
મોરબીના હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ખાંડિયા હનુમાનજી મંદિર પાસે મનસુખભાઈ ગાંડુભાઈ ગણેશિયાની વાડીમાં વીજળી પડતા વૃક્ષ નીચે ખીલે બાંધેલ ત્રણ ભેંસના મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે થોડી જ ક્ષણ પૂર્વે માલધારી યુવાન બનાવ સ્થળેથી ચાલ્યો ગયો હોવાથી તેનો બચાવ થયાનું જાણવા મળ્યું છે.

દામનગર: છભાડીયા ગામે પુરમાં તણાય જતા વૃઘ્ધ મહિલાનું મોત

અબતક, નટવરલાલ ભાતીયા દામનગર
દામનગર છભાડીયા ગામે ગત સાંજે અતિ વરસાદ થી તણાયેલ ખેડુત મહિલા શારદાબેન લખમણભાઈ અંણધણ ઉવ 80 નો મૃતદેહ એક ભેખડે અટકાયેલ જોવા મળેલ છભાડીયા પશ્ચિમ તરફ થી વરસાદી પાણી ના ચાલતા વહેણ માં તણાઇ ને પૂર્વ તરફ દોઢ કિમિ દૂર એક ભેખડે અટકાયેલ શારદાબેન લખમણભાઈ અણધણ ઉર્ફે ભક્તિ માં તરીકે ઓળખાતા ખેડૂત મહિલા નો મૃતદેહ નહેરા માં વહેલી સવાર માં ગ્રામજનો ના ધ્યાને આવતા સ્થાનિક સરપંચ સહિત ના અગ્રણી ઓ ઘટના સ્થળે પહોંચી દામનગર પોલીસ ને જાણ કરી છભાડીયા ગામે એકલા રહી ખેતી કામ કરતા શારદાબેન ના નજીક ના કુટુંબીજનો લીલીયા તાલુકા ના ગુદરણ ગામે રહે છે

રાત્રે તેના મકાને તાળું મારેલ હોય અડોશ પડોશ ના લોકો એ શારદાબેન ઘેર નહિ હોવા નો અંદેશો હતો અને અતિ વરસાદ માં વાડી એ રોકાય ગયા હોવા ના અનુમાન થી કોઈ શોધખોળ કરાયેલ નથી આજે વહેલી સવારે ગામ ના પાડર માં પોતા ની ખેતી ની જમીન પશ્ચિમ તરફ થી તણાઈ ને પૂર્વ દિશા એ ખેતર થી દોઢ કિમિ દૂર એક ભેડા ઉપર કચરા સાથે શારદાબેન અણધણ નો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર બનાવ ની તપાસ હાથ ધરાયા બાદ ખ્યાલ આવશે તેમ સ્થાનિકો એ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.