Abtak Media Google News

ઉંદરના નિયંત્રણ માટે શ્રેષ્ઠ કાર્ય કરતી બિલાડી પાળવાથી હૃદ્યરોગનું જોખમ ઘટે છે: આજે વિદેશી બિલાડી પાળવાનો જબ્બર ક્રેઝ છે: તે આરામ પ્રીય પ્રાણી છે

 

કાળી બિલાડી વિશે ઘણી ચિત્ર-વિચિત્ર વાતો પ્રચલીત છે: પૃથ્વી પર 10 લાખથી વધુ પ્રાણીઓ વસવાટ કરે છે તેમાં સૌથી વધારે વિકરાળ અને ક્રૂર પ્રાણી તરીકે બીગ કેટ્સનું જૂથ મોખરે છે

આપણી આસપાસ વસતા પશુ-પંખીને પ્રાણીઓ સાથે આપણે વર્ષોેથી જોડાયેલા છીએ. આંગણાના ઘણા પક્ષીઓ ધીમેધીમે લુપ્ત થવા જઇ રહ્યા છે. સ્ટ્રીટ ડોગ આજે બહુ ઓછા જોવા મળે છે. એક જમાનામાં ગાય, ભેંસ, બકરી, ભૂંડ સાથે કબૂતર, કાગડો, ચકલી, પોપટ, કાબર જેવા વિવિધ પશુ-પંખીઓ આપણાં આંગણામાં રમતાં જોવા મળતા હતા. બદલાતા યુગને પર્યાવરણ સાથે તેઓ આપણાથી દૂર થતા ગયા છે. આજે પણ બહારના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો કે ખૂલ્લા વિસ્તારો કે બાગ-બગીચા તેની સંખ્યા વિશેષ જોવા મળે છે.

‘મેં એક બિલાડી પાળી છે’ આ બાળ ગીતની બિલાડી વિશે ઘણી રોચક વાતો સાથે લોકવાયકા અને અંધશ્રધ્ધા જોડાયેલી છે. તે નાનું અને સુંદર પ્રાણી છે. તે દેખાવમાં વાઘ જેવી દેખાતી હોવાથી આપણે તેને ‘વાઘની માસી’ પણ કહીએ છીએ. તે ખૂબ જ બુધ્ધિશાળી અને માનવીના હાવ-ભાવ ઝડપથી સમજી જાય છે. ભૂરા રંગની આંખો અંધારામાં ખૂબ જ ચમકે છે, સાથે તે અંધારામાં સારી રીતે જોઇ શકે છે. તેના અણીદાર નખ શિકારને પકડવા સાથે ઉપર ચડવામાં મદદરૂપ થાય છે. બિલાડીને 30 દાંત હોય તો તેના બચ્ચાને 26 દાંત હોય છે. તે ભોજનમાં ઉંદર, દૂધ, માછલી, રોટલી, માંસ વિગેરે ખાય છે. 4 થી 7 બચ્ચાને જન્મ આપતી બિલાડી શિકાર કરવા ધીમી ચાલે દબાતા પગલે ચાલે છે. જાપાનમાં તેને શુભ માનવામાં આવે છે સાથે અમેરિકામાં સૌથી લોકપ્રિય પશુ બિલાડી છે.

બિલાડીની સુંઘવાની શક્તિ તીવ્ર હોવાથી દૂરથી શિકારને સુંઘી લે છે. તેનું શરીર ખૂબ જ લચીલું હોવાથી છલાંગ લગાવવામાં તેની મહારથ છે. બિલાડીમાં પણ આપણી જેમ ડાબોડી કે જમોડી હોય છે. તે એક હજાર પ્રકારના વિવિધ અવાજો કાઢી શકે છે. દર વર્ષે લોકો પાલતું બિલાડી માટે સાડા ત્રણ અબજનો ખર્ચ કરે છે. બિલાડીને તમે ક્યારેય ગંદી, સાફ, સફાઇ વગર કે કાદવ-કીચડથી ભરેલી નહીં જોઇ હોય કારણ કે તે પોતાની સ્વચ્છતા બાબતે વિશેષ જાગૃત છે. તેના બે પ્રકારમાં એક જંગલીને બીજી પાલતું હોય છે.

સામાન્ય રીતે માનવી ગાય, ભેંસ, બકરી, ઘોડો, ઊંટ, ગધેડા, ડોગ, બર્ડ પાળતા હોય છે. છેલ્લા બે દશકાથી બિલાડી પાળવાનો ક્રેઝ વધ્યો છે. લોકો હવે મોંઘી દાટ બિલાડી પાળી રહ્યા છે. કોઇપણ જનાવર પાળો તો તેના ફાયદા-ગેરફાયદા હોય છે. 21મી સદીમાં માણસોના વિવિધ શોખો વધ્યાને આજે તો અજગર, વિશાળ કાંચીડા પાળે છે. બિલાડી પાળવાથી તેના માલિકને રક્તવાહિનીના રોગોનું પ્રમાણ ઘટે છે. વૈજ્ઞાનિકો દ્વારા એ સાબિત થયું છે કે બિલાડી પાળનારને હૃદ્યરોગનું જોખમ ટળે છે. કોલેસ્ટ્રોલ ઘટે અને બ્લડપ્રેસર ઘટે છે. અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું કે જેને બિલાડી પાળી હતી તે પરિવારમાં, બાળકોમાં એલર્જીક બિમારી સાથે ફેફ્સાની બિમારીનો સફળ સામનો કર્યો હતો. ડોમેસ્ટિક બિલાડી તમારૂ ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય સારૂ રાખે છે.

બદલાતા પર્યાવરણ અને શહેરી વિકાસને કારણે મોટા બિલાડામાં બરફથી છવાયેલા પર્વતોમાં રહેતો ચિત્તો, પર્વતીય સિંહ, જગુઆર, ચિત્તાઓ જેવા અનેક પ્રાણીઓ પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે. આ બધાના કુદરતી નિવાસસ્થાનો છિનવાતા તેઓ નાબૂદ થઇ ગયા હતા. મોટા ભાગનાને અંતિમકાળમાં ખોરાકની સમસ્યા જોવા મળી હતી. બિલાડી આરામપ્રિય હોય છે. તમે એલર્જી પીડીત હોય તો જ તમે તેનાથી દૂર રહો બાકી તમારા બેડ ઉપર તે ઊંઘ કરે તો કશો જ વાંધો નથી. તેમના બચ્ચા મોટા ભાગે આરાક કે ઊંઘ કરતા જોવા મળે છે ને આ સમય દરમ્યાન તે વૃધ્ધિ હોર્મન પેદા કરીને ઝડપથી મોટા થાય છે.

છેલ્લા સંશોધન મુજબ બાર હજાર વર્ષ પહેલા બિલાડીએ માનવ સાથે રહેવાનું શરૂ કર્યું. ઉંદરના વસ્તી નિયંત્રણ માટે તે શ્રેષ્ઠ કાર્ય કરીને માનવ જાતિને મદદરૂપ થાય છે. ઇજિપ્ત વાસીઓ બિલાડી પ્રત્યેનો પ્રેમ નિરાળો છે. બિલાડીને દૂધ પાવાથી તેને નુકશાન થાય છે. તે અવાજ સાંભળવા માટે પોતાના કાનને 80 ડિગ્રીએ ફેરવી શકે છે. બિલાડી શ્ર્વાન કરતાં વધુ સારી રીતે સાંભળી શકે છે. તેના શરીરમાં 30 થી વધુ સ્નાયુઓ જે તેને દિશાનસુચનમાં મદદ કરે છે. તે જુદા-જુદા 100થી વધુ અવાજો કાઢી શકે છે. તમે રસ્તે જતાં હો અને બિલાડી આડી ઉતરે તો તમને અપશુકન થાય છે પણ આ એકમાત્ર અંધશ્રધ્ધા છે. કાળી બિલાડીની ઘણી બધી ચિત્ર-વિચિત્ર વાતો આ સમાજમાં પ્રસરેલી છે. આફ્રિકાનાં જંગલોમાં રણ બિલાડી કે રાની બિલાડી જોવા મળે છે. મધ્યપૂર્વમાં જોવા મળતી બિલાડીને જંગલી બિલાડી પણ કહેવાય છે. આ પૃથ્વી પર દસ લાખથી વધુ પ્રકારનાં પ્રાણીઓ વસે છે. એમાં સૌથી વધારે વિકરાળ અને ક્રૂર પ્રાણી તરીકે બિગ કેટ્સનું જૂથ મોખરે છે. દુનિયામાં હાલ આ કુળનાં 40 થી વધુ પ્રજાતિનું અસ્તિત્વ છે.

બિલાડીની મૂછો !!

બિલાડીની મૂછો ચામડીની પેશીઓ સાથે જોડાયેલી હોય છે જે ખૂબ જ સંવેદનશીલ નાની-નાની નસો સાથે જોડાયેલી હોય છે. આ નસો હવામાં થતાં નજીવા ફેરફાર પણ પારખી શકે છે. આજ કારણે બિલાડી જોયા વગર જ આસપાસની વસ્તુઓ પારખી શકે છે. આ તેમની મૂછો તેમને અંધારામાં બહુ કામ આવે છે.

તે પોતાનું શરીર ચાટતી રહેતી હોય છે. દિવસ દરમ્યાન 10 કલાક જાગે છે. જેનો ચોથો ભાગ તો શરીર ચાટવામાં પસાર કરે છે. આમ કરવાથી તેના શરીર ઉપરનાં ચાંચડ જેવા પરજીવી અને ધૂળના રજકણો રહેતા નથી. બિલાડીની લાળમાં એન્ટિબાયોટીક તત્વ હોવાથી શરીર પર થયેલી ઇજાના ઘા જલ્દી ભરાય જાય છે. તેની જીભમાં સફાઇનું રાજ છુપાયેલું છે. તેની જીભમાં અણીદાર ખીપા જ તેને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. તે પોતાની લાળથી પોતાના શરીરને સ્વચ્છ રાખે છે. તેની સતત શરીર ચાટવાને કારણે તેના વાળની શ્રેષ્ઠ સ્વચ્છતા તે કરે છે, આમ કરવાથી તેના શરીરનું તાપમાન ખૂબ જ ઓછું રહે છે.

અમેરિકામાં સૌથી વધુ પાળવામાં આવે છે?

વિશ્ર્વભરમાં હાલ લગભગ બધા દેશોમાં લોકો બિલાડી પાળે છે પણ અમેરિકા દેશના નાગરિકોમાં સૌથી વધુ બિલાડી પાળવાનો શોખ છે. મોટાભાગે બિલાડી કાળી, બદામી, સફેદ કે ઘણીવાર ગ્રે અને વ્હાઇટ પણ જોવા મળે છે. તેની બદામ રંગની આંખો વાઘ જેવી મોટી ખુંખાર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.