Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં સરગવાની સીંગમાંથી કેન્સરની દવાનું સંશોધન કરનાર દર્શી પનારા અને યામ સ્ટાર્ચમાંથી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટીક તૈયાર કરનાર આર્ય કરગથરા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ધોળકીયા સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકોની સાઉથ કોરીયા ખાતે યોજાનાર સાયન્સ ફેર માટે પસંદગી કરવામાં આવી છે. આ સાયન્સ ફેરમાં ધોળકીયા સ્કૂલના દર્શી પનારા સરગવાની સીંગમાંથી કેન્સરની દવા બનાવવાનો પ્રોજેકટ તેમજ આર્ય કરગથરા યામ સ્ટાર્ચમાંથી બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટીક તૈયાર કરવાનો પ્રોજેકટ રજૂ કરશે.

Advertisement

આ અંગે વિસ્તૃત વિગત આપવા ધોળકીયા સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા, દર્શી પનારા, યોગેશભાઈ રંગપરીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કે.જી.ધોળકિયા શાળામાં ધો.૧૧ (સાયન્સ-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા નયનાબેન અને યોગેશભાઈ કરગથરાના પુત્ર આર્ય કરગથરાએ યામ (સ્વીટ પોટેટો)ના સ્ટાર્ચમાંથી બાયો પ્લાસ્ટિક તૈયાર કર્યું છે. તેમાં સાથે ગ્લીસરીન, વિનેગાર, ગમગુવાર અને અન્ય જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરી આ બાયો પ્લાસ્ટિક તૈયાર કર્યું છે જે સામાન્ય પ્લાસ્ટીક જેવી જ મજબુતાઈ અનેફલેકસીબિલીટી ધરાવે છે.

છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રકારના અનેક પ્રયોગોના અંતે તૈયાર થયેલ આ પ્લાસ્ટિક વિવિધ કસોટીઓમાંથી પાર ઉતર્યું છે. જેમ કે, માત્ર ૧૨ (બાર) જ દિવસમાં એ જમીનમાં ભળી જાય છે. જેથી પ્રદૂષણ થતું નથી. ટેન્સાઈલ ટેસ્ટ દ્વારા સાબિત કયુર્ં છે કે તે ૩૭ એન/એમએમટુ જેટલી ખેંચાણ ક્ષમતા ધરાવે છે. વિવિધ ટેસ્ટ દ્વારા પાણી અને તેલ પ્રત્યેની તેની શોષણક્ષમતા અને અવરોધકતા પણ ચકાસેલ છે. કુલિંગ ટેસ્ટ અને હિટીંગ ટેસ્ટ દ્વારા વાતાવરણની આ પ્લાસ્ટિકસ પર થતી અસર પણ ચકાસેલ છે.

આમ, સતત પ્રયોગો દ્વારા વિવિધ કસોટીની એરણ પર પાર ઉતર્યા બાદ આ પ્રોજેકટ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામેલ છે ત્યારે સમગ્ર કરગથરા પરિવાર તેમજ ધોળકિયા શાળા પરિવાર તરફથી તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે.

જી.કે.ધોળકિયા શાળામાં ધો.૧૦ (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા પ્રિતીબેન અને મિલનભાઈ પનારાના પુત્રી કુ.દર્શી બનારાએ જીવલેણ અને ઘાતક એવા કેન્સર રોગના સરળતમ ઈલાજ માટેનું સંશોધન તૈયાર કર્યું છે. આ પ્રોજેકટમાં તેમણે શાકભાજીમાં વપરાતી સરગવાની સીંગનો ઉપયોગ કર્યો છે. આ સરગવાની સીંગને ડ્રાઈંગ અને કુલિંગ કરી કેન્સર સામે રક્ષણ આપતી દવા તૈયાર કરી છે.

છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાતની વિવિધ સંશોધન સંસ્થાઓ જેવી કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સૌ.યુનિ. અને આત્મીય યુનિ.ના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ તેમજ અમદાવાદની વિવિધ પ્રયોગ શાળાઓ તેમજ રાજકોટની એનવિટ્રો લેબોરેટરી વગેરેમાં અનેક ટેસ્ટ કર્યા બાદ આ દવા તૈયાર બની છે જે હવે કોરીયામાં યોજાયેલ વિજ્ઞાન મેળો માઈલસેટ એકસ્પો સાયન્સ એશિયા-૨૦૧૮માં વિશ્ર્વ સમક્ષ રજૂ કરવામાં આવશે. નાનકડી એવી ૧૫ વર્ષની આ દિકરી દર્શિનું આ સંશોધન ભવિષ્યમાં કેન્સરના ઉપચારમાં અકસીર ઈલાજ બની સમગ્ર માનવજાત માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

આમ, એશિયા ખંડના સાઉથ કોરિયા દેશના ડાઈઝોન શહેરમાં તા.૧૮ થી ૨૩ ઓકટોબર સુધી યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી પ્રદૂષણના રાક્ષસ એવા ‘પ્લાસ્ટીક’ના વિકલ્પે તૈયાર કરેલ ‘બાયો પ્લાસ્ટીક’ તેમજ મનુષ્યમાં રાક્ષસ સ્વરૂપ રોગ એવા કેન્સર સામે અકસીર ઈલાજ તરીકે બનાવેલી દવાના પ્રોજેકટ રજૂ કરી ધોળકિયા સ્કૂલના બે બાળ વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને ગૌરવ અપાવવા માટે થનગની રહ્યાં છે. આ બંને પ્રોજેકટ પર્યાવરણ તથા માનવજીવન માટે ખૂબજ ઉપયોગી અને આશિર્વાદમાં બની રહેશે. આ બંને વિદ્યાર્થીઓ સાથે શાળા પરિવારમાંથી તેમના ગાઈડ અને કેર ટેકર તરીકે વિરલભાઈ ધોળકિયા અને બહેન ડો.પૂજાબેન ધોળકિયા પણ સાઉથ કોરીયા જઈ રહ્યાં છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.