Abtak Media Google News

રોહીદાસપરામાં મુસ્લિમ ચાર ભાઈઓ ઉપર જૂની અદાવતથી ધારદાર હથિયાર વડે સામુહિક હુમલામાં એકની હત્યા અને અન્ય ત્રણ ભાઈઓને ગંભીર ઈજાના 10 વર્ષ પહેલાના કેસમાં રાજકોટની મુખ્ય સેશન્સ અદાલતે નામચીન સુરેશ ઉર્ફે ટાલા સહિત બે આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા. 08/ 01/ 2013 રાત્રીના આશરે આઠ વાગ્યે ઈકબાલ અબ્દુલભાઈ અને તેના ત્રણ ભાઈઓ ઈમરાન ગફારભાઈ કટારીયા, સતારભાઈ ગફારભાઈ કટારીયા, રફીક અલ્લારખાભાઈ રોહીદાસ પરામાં ભડોલી  પાસેથી પસાર થઈ રહેલ હતા ત્યારે સુરેશ ઉર્ફે ટાલો કાનજીભાઈ સાગઠીયા, (ઉ.વ. 30) તથા તેની સાથે રમેશ ઉર્ફે ડોન મુળજીભાઈ સાગઠીયા (ઉ.વ. 40) વિગેરે સાત શખસોએ જુના ઝઘડા બાબતે બોલાચાલી કરીને પાઈપ, ધોકા, છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો,

જૂની અદાવતને કારણે ચાર ભાઈઓ ઉપર હુમલાના બનેલા બનાવના અન્ય ચાર આરોપીને શંકાનો લાભ અપાયો

તેમાં સતાર ગફારભાઈ કટારીયા ઢળી પડ્યો હતો ને સુરેશ સહિતના ઈસમો ચારેને ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપરથી ભાગી ગયેલ હતા. આ સમયે ઈજા પામનાર ઈકબાલ અબ્દુલભાઈએ પોતાના ભાઈ ઈસુબભાઈને ફોન કરી બનાવ બન્યાનું અને પોતાના ભાઈ સતારને છરીના ઘા લાગેલ હોવાનું જણાવેલ. આથી ફરિયાદી ઈસુબભાઈ તાત્કાલિક સ્થળ ઉપર આવેલ અને સતારને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સ મંગાવેલ પરંતુ સતાર કટારીયાનું રસ્તામાં મરણ થયું હતું. જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની ફરિયાદના આધારે પોલીસે સાતેય શખસો  સુરેશ ઉર્ફે ટાલો કાનજીભાઈ સાગઠીયા, રમેશ ઉર્ફે ડોન મુળજીભાઈ સાગઠીયા, વિરજી મુળજી સાગઠીયા, હરેશ કાનજી સાગઠીયા, અરવિંદ માયાભાઈ સાગઠીયા, પ્રકાશ ભાનુભાઈ સોલંકી અને કિશોર મુળજી સાગઠીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસના અંતે ચાર્જશીટ ફાઈલ કર્યું હતું.આ કેસમાં સરકાર તરફે પુરાવો આપવામાં આવેલ અને પુરાવાના અંતે આખરી દલીલો દરમ્યાન બચાવ પક્ષ તરફે રજુઆત કરવામાં આવી હતી કે બનાવનું સ્થળ જે બતાવવામાં આવેલ છે તેનાથી મરણ જનારના લોહીના ધાબાઓ ઘણા દુર છે તેમજ મરણ જનારના કોઈ પણ મુખ્ય અવ્યવો ઉપર ઈજાઓ નથી, તેથી આ કેસ ખૂનનો હોવાનું સાબિત થતું નથી. આ ઉપરાંત  મરણ જનાર અને તેના ભાઈઓએ પણ આરોપીઓ ઉપર હુમલો કરતા ક્રોસ કેસ દાખલ કર્યાનો બચાવ લીધો હતો.

જે સામે  સરકાર તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ દલીલો કરી હતી કે મરણ જનારે પોતાના ભાઈને ફોન કરી જે વિગતો આપેલ છે તે ડાઇંગ ડેકલેરેશન છે, તેથી આ ડેકલેરેશનમાં તમામ 7 આરોપીઓના નામ છે. આ ઉપરાંત મરણ જનારના ભાઈઓ ઉપર પણ હુમલો થયેલ હોવાથી તેમને પણ ઈજાઓ થયેલ છે. આટલા વ્યક્તિઓને ઈજાઓ કરવા માટે એકથી વધારે વ્યક્તિઓ હોવા જરૂરી છે, તેમજ મરણ જનારના શરીર ઉપર જેટલી ઈજાઓ છે તેટલી મોટી સંખ્યાની ઈજાઓ કોઈ એક વ્યકિત કરી શકે નહીં. આ કેસમાં ફકત સુરેશ ઉર્ફે ટાલાના કપડા ઉપર જ મરણ જનારનું લોહી છે, તેથી ફકત સુરેશે જ ગુન્હો કરેલ છે તેમ કહી શકાય નહીં કારણ કે દરેક હુમલાખોરે મરણ જનારને છરીથી જ ઈજાઓ પહોંચાડેલ હોય તેમ જરૂરી નથી.

છરીની એક બે ઈજાઓ બાદ બીજા આરોપીઓએ મરણ જનાર ઉપર અન્ય હથિયારોથી કે ફકત ઢીકાપાટુનો જ માર મારેલ હોય તો આવો માર પણ મરણતોલ સાબિત થાય. આ ઉપરાંત મરણ જનારના અન્ય ત્રણ ભાઈઓને પણ ઈજાઓ થયેલ છે અને તેઓએ પણ પોતાની જુબાનીમાં આરોપીઓને ઓળખી બતાવી તેઓની સંડોવણી સાબિત કરી છે. સરકાર તરફેની આ રજુઆતના અંતે રાજકોટની મુખ્ય સેશન્સ અદાલતે સુરેશ ઉર્ફે ટાલો કાનજીભાઈ સાગઠીયા અને રમેશ ઉર્ફે ડોન મુળજીભાઈ સાગઠીયાને આજીવન કેદની સજા, અન્ય ચાર આરોપીઓ અરવિંદ માયાભાઈ સાગઠીયા, હરેશ ઉર્ફે હેરી કાનજીભાઈ સાગઠીયા, પ્રકાશ ઉર્ફુલ ભનુભાઈ સોલંકી અને કિશોર મુળજીભાઈ સાગઠીયા નેશંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. અન્ય એક આરોપી વીરજી ઉર્ફે વીરુ મુળજી સાગઠીયાનું કેસ દરમિયાન મૃત્યુ થતા તેની સામેનો કેસ એબેટ કરાયો હતો.આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયા હતા. જ્યારે શંકાનો લાભ આપીને છુટકારો મેળવનાર આરોપીઓ વતી એડવોકેટ દીપકભાઈ ત્રિવેદી પિયુષભાઈ શાહ અશ્વિનભાઈ ગોસાઈ અને મિતુલ આચાર્ય રોકાયા હતા.

આઠ વર્ષના કાર્યકાળમાં એકને ફાંસી સહિત 95 સજા કરાવી

રાજકોટ  ડિસ્ટ્રિક્ટ  એન્ડ સેશન્સ કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા એસ.કે વોરાએ આઠ વર્ષનો કાર્યકાળ પરિપૂર્ણ થયા  બાદ નવમાં વર્ષમાં પ્રવેશ કર્યાના  નવમાં દિવસે   રાજકોટ શહેરના મોરબી રોડ પરના ચકચારી કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા નો હુકમ અદાલતે કર્યો છે. ડી.જી.પી. એસ. કે. વોરા એક કેસ મા  ફાસી ,24 કેસમા 50 શખ્સોને આજીવન સજા, તેમજ લાંચ રુશ્વત વિરોધીમા  ભ્રષ્ટ અધિકારી ,કર્મચારી અને રાજકીય તેમજ વચેટીયાઓને જેલના સળિયા પાછળ ધકેલીયા છે. ,દેશદ્રોહી કરતાં પ્રવૃત્તિમાં નકલી નોટ છાપ કામમાં સજા કરાવી છે , આ ઉપરાંત જામનગર રોડ પર આવેલ ખંઢેરી પાસે એ.ટી.એસ.એ પકડેલા સવા બે કરોડના હેરોઈન અને   શહેરના સોની બજારમાં પકડાયેલા એનઆઇએ પકડેલા બંગાળી શખ્સો સામે રિમાન્ડ હોરજીની સુનાવણીઓ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.