Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

કુંકાવાવ  નજીક આવેલા દેવગામની મહિલાને ગીલોલમાંથી પથ્થર મારી આઠ દાંત પાડી નાખી બે શખ્સોએ રૂા.86 હજારની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવગામના દેરીધાર વિસ્તારમાં રહેતા જીતુબેન મનસુખભાઇ સાપરા નામની મહિલાએ આશરે 30 થી 35 વર્ષની ઉમરના બે શખ્સોએ હુમલો કરી રૂા.85 હજારની કિંમતના સોનાનિ ઘરેણા અને એક હજાર રોકડા મળી રૂા.86 હજારની મત્તાની લૂંટ ચલાવી ભાગી ગયાની ફરિયાદ નોંધાવી છે.

જીતુબેન સાપરા પોતાના પતિ મનસુખભાઇ સાપરા સાથે મોટા માચીયાળા ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા અને પુત્રવધૂ નયનાબેન બાલમંદિરમાં સુખડી બનાવવા ગયા હતા. જીતુબેન અને મનસુખભાઇ સાંજના સાડા ચાર વાગે પરત પોતાના ઘરે આવ્યા ત્યારે તેમના મકાનની ડેલી પાસે એક અજાણ્યો શખ્સ ઉભો હતો તેને અહીં કેમ ઉભો છે તેમ પૂછતા ભેસ જોવા માટે આવ્યાનું કહ્યું હતુ પરંતુ મનસુખભાઇ સાપરાએ આ મકાન પોતાનું હોવાનું અને પોતાની પાસે ભેસ ન હોવાનું કહ્યું અને મકાનમાં ગયા ત્યારે અન્ય એક શખ્સ દરવાજો બંધ કરી તિજોરીમાં માલ સામાન વેર વિખેર કરતો હોવાથી મનસુખભાઇ અને તેમના પત્ની જીતુબેને ગોકીરો કરતા મકાનમાં રહેલા શખ્સે પોતાની પાસે રહેલી ગીલોલમાંથી પથ્થર મારતા જીતુબેનના આઠ દાંત પડી ગયા હતા.

તિજોરીમાં તપાસ કરતા સોનાની વીંટી, સોનાની બુટી, સોનાનો ચેન, અને એક હજાર રોકડા મળી રૂા.86 હજારની મત્તાની લૂંટ ચલાવી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. બંને લૂંટરા આશરા 30 થી 35 વર્ષના હોવાનું અને જીન્સ પેન્ટ-શટી પહેર્યા હોવાનું તેમજ એક શખ્સે રીંગણી કલરની લુંગી ગળામાં રાખી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પીએસઆઇ એ.વી.સરવૈયા સહિતના સ્ટાફે બંને શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથઘરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.