Abtak Media Google News

શ્રાવણ મહિનો વિદાય લેવાના આરે પહોચ્યો છે અને નવરાત્રિ-દિવાળીનાં તહેવારો અકલ્પનીય નવાજૂનીઓ લઈને આવશે એવાં સંકેતો દ્રષ્ટિગોચર થયા વિના રહેતા નથી.

ભારત ઉપર અત્યારે બે અટપટા સંકટ તોળાઈ રહ્યા છે. આર્થિક મંદીની વિકરાળ આંધી અને કાશ્મીરને લગતી બંધારણની કલમ ૩૭૦ને નાબુદ કરીને ભારતનાં સ્વર્ગસમાં પ્રદેશના ત્રણ ટુકડા કરી નાખવાના કેન્દ્ર સરકારનાં પગલા વિરૂધ્ધનો ધુંધવાટ પાકિસ્તાનમાં હજુ શમ્યો નથી, અને ત્યાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે. એ હિંસક ભડકાની ધોતક છે.

ભારત સરકારે એમ માન્યું છે કે, કાશ્મીરનાં મુદે ભભૂકેલો ધૂંધવાટ હવે થાળે પડયો છે. અને સમગ્ર વાતાવરણ સામાન્ય બન્યું છે. આવી સમજણના આધારે તેણે કાશ્મીરની પ્રજાને રાજી કરવા જંગી ખર્ચે જુદાજુદા વિકાસલક્ષી પ્રોજેકટો પ્રસ્થાપિત કરવાનું જાહેર કર્યું છે. પરંતુ છેલ્લા અહેવાલો તો એવું દર્શાવે છે કે, પાકિસ્તાનમાંનો ઘૂંઘવાટ હજુ જેમનો તેમ રહ્યો છે. અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)મા અને યુધ્ધવિરામ રેખા (એલઓસી) પ્રદેશમાં પાકિસ્તાનના સત્તાધીશોએ એસએસજી કમાન્ડોની ફોજ તૈનાત કરી છે અને ભારતને ઉશ્કેરણીનું નવું કારણ આપ્યું છે.

ઈસ્લામાબાદના અહેવાલ મુજબ કાશ્મીર મુદે આંતરરાષ્ટ્રીય મંચ પર પછડાટ મળ્યા બાદ પાકિસ્તાન ફરી એકવાર દુ:સાહસ કરવામાં લાગી ગયું છે. આ કડીમાં પાકિસ્તાને પોતાના સ્પેશિયલ ફોર્સના ૧૦૦ કમાન્ડો એલઓસી પાસે તૈનાત કર્યા છે. મનાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારત વિરૂધ્ધ કોઈ નવી ચાલ ચાલી રહ્યું છે.

કાશ્મીર મુદે મદદ માટે પાકિસ્તાન વડા પ્રધાન ઈમરાન ખાને આ મહિનામાં બીજી વખત સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહંમદ બીન સલમાનને ફોન કર્યો હોવાની વાત મીડીયામાં ચર્ચાઈ હતી ન્યુઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે ખાને ફોન પર સલમાન સાથે કાશ્મીર મુદે વાતચીત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સોમવારે ફ્રાંસમાં ચાલી રહેલી જી.૭ સમીટની બેંકમા ભારતનો મુદો પેશ કર્યો હતો.

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, કચ્છ સરહદે સિરક્રિક ખાડીની જેમ કાશ્મીર સરહદે પણ હલચલ ચાલી રહી છે. સૈન્યના જવાનો ઉપરાંત તોપ સહિતના શસ્ત્ર સરંજામનાં પણ ખડકલા કરાયા છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનના બે કમાન્ડોને ઠાર કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આનો અર્થ એ કે, આ પ્રદેશમાં પરિસ્થિતિ સામાન્ય નથી પણ તંગ છે. કાશ્મીર અંગેનો આ ઘૂંઘવાટ અને પાકિસ્તાની કમાન્ડોની હિલચાલ એવી દહેશત જગાડે છે કે, કાશ્મીરની વણસતી સ્થિતિ કદાચ હિંસક ભડકા સુધી પહોચી શકશે !

ભારત પર તોળાતા બે સંકટમાનું એક સંકટ પાકિસ્તાનની હાલની આક્રમકતા અને લડાયકતાનું છે અને બીજું વધુ બિહામણું સંકટ મંદીની વિકરાળ આંધીનું છે. જે આખા દેશની સાથે સાથે ગુજરાતનાં વ્યાપાર ધંધા અને બજારોને બૂરી રીતે સ્પર્શશે!

આ બધા વિપરીત સંજોગો વચ્ચે ચાલુ વર્ષમાં ડોલર સામે રૂપીયો વધુ ત્રણ ટકા ઘટે તેવી શકયતા છે. ચીનના યુઆનની નબળાઈનું પ્રતિબિંબ ડોલર પર જોવા મળશે જેથી વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મકતા જળવાઈ રહે. જોકે, બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ હાલના સ્તરેથી ૫૭ બેસીસ પોઈન્ટ વધે તેવી શકયતા છે. સરકારે દેશની આર્થિક વૃધ્ધિને ઉત્તેજન આપવા પગલા જાહેર કર્યા છે. અર્થશાસ્ત્રના જાણકારોએ કહ્યું કે રૂપીયો હાલના સ્તરેથી નીચે ગગડશે. તેમાંથી લગભગ ૪૦ ટકાને અપેક્ષા છે કે ડોલરનો ભાવ ૭૪ રૂપીયા સુધી પહોચી શકે છે તેમાંથી મોટાભાગના લોકો રૂપીયાની વેલ્યૂમાં ઘસારાનો ટ્રેન્ડ જુએ છે. ચાઈનીઝ યુઆનનો ઘસારો અને ઉભરતા બજારોમાં ડોલરની મજબુતી આગામી દિવસોમાં રૂપીયા પર દબાણ વધારે તેવી શકયતા છે.

સંભવિત આર્થિક મંદીની આ વિકરાળ આંધીની વિપરિત અસરોને ઓછી ગંભીર ગણવાની રખે કોઈ ભૂલ કરે !

રૂપીયાનું ડોલરની સામે ગગડવું એ નાની સૂની વાત નથી. એનાં વિપરીત પરિણામોનો વ્યાપ કોઈ કોઈ વાર તો અસહ્ય બને એટલો હોઈ શકે.

આગામી આઠ મહિનામાં ભારત એણે તાજેતરમાં કયારેય ન જોઈ હોય એટલી બિહામણી મંદી અનુભવશે એવી આગાહી અમેરિકી અર્થશાસ્ત્રી કરી ચૂકયા છે.

કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક પાસેથી ૧.૭૬ લાખ કરોડ જેટલી જંગી રકમ મેળવવી પડી છે. એ પણ અમંગળ એંધાણ છે. આપણા દેશની બેંકોની હાલત દયાજનક છે. સરકારે એને ગતિમાં રાખવા માટે અઢળક નાણા આપવા પડયા છે.

આ બધુ યુધ્ધના ધોરણે ઠીક ઠાક કરવાની સરકારને ફરજ પડશે.

નાણા ખેંચના ડામ પણ વેઠવા પડશે. મોંઘવારીની વેદના પણ ખમવી પડશે. આવી હાલતમાં દેશને ઈશ્ર્વર બચાવે એમ કોણ નહિ ઈચ્છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.