Abtak Media Google News

વાંકાનેરના લુણસરનો અને સૂરતનો શખ્સ જાલીનોટ રાજકોટ બદલાવવા આવ્યાની કબુલાત: રાજકોટમાં કોને આપવા આવ્યા‘તા તે અંગે તપાસ

રાજકોટમાં રૂા.૯૬.૫૦ લાખની જુની રદ થયેલી નોટો વટાવવા આવેલા વાંકાનેરના અને સુરતના શખ્સને મવડી પોલીસ હેડ કવાર્ટર પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ જૂની નોટો વટાવવા મોકલનાર વાંકાનેરના જવેલર્સની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મવડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે આજે ૫૦૦ અને ૧૦૦૦ના દરની રદ કરી દેવાયેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો સાથે વાંકાનેરનાં લુણસર ગામે રહેતા હરજીવન રામજી બસીયાણી ૫૨ અને સુરતનાં પાસોદરા ટુ ખોલવડ રોડ પરનાં ઓપેરા પ્રિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા ભીખાભાઈ બાબુભાઈ નરોડીયા ૬૦ ને ઝડપી લેતા અનેક સવાલો ઉદભવ્યા છે.

ક્રાઈમ બ્રાંચના સ્ટાફને મળેલી બાતમીનાં આધારે પીઆઈએચ.એમ. ગઢવી અને પીએસઆઈ સાખરાએ મવડી પોલીસ હેડ કવાર્ટર પાસેથી પસાર થયેલી ફીઆટ કારમાંથી ૫૦૦ અને ૧૦૦૦ના દરની રદ કરી દેવાયેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો સાથે બંને આરોપીઓને ઝડપી લેવાયા હતા.

ક્રાઈમ બ્રાંચની કચેરીએ લઈ આવી બંને આરોપીઓની સીઆરપીસી ૪૧ (૧) ડી હેઠળ અટકાયત કરી તેમની પાસેથી મળેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો સીઆરપીસીની કલમ ૧૦૨ મુજબ શક પડતી મિલકત તરીકે કબજે લેવાઈ હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ આ ચલણી નોટો કે જે હવે રદી સિવાય કંઈ નથી તે રાજકોટ બદલાવા આવી રહ્યાનું કહી રહ્યા છે.

Img 20200703 Wa0117

બંને આરોપીઓએ એવું રટણ કર્યું છે કે સૂરતથી કોઈ પાર્ટીએ આ ચલણી નોટ વાંકાનેરના શખ્સને મોકલી હતી જેણે તેમને આ ચલણીનોટો બદલવા રાજકોટ મોકલ્યા હતા. હરજીવન કે જે મજૂરી કરે છે તેની સાથે સુરતના કટલેરીનો ધંધો કરતા અને ચલણી નોટો બદલાવવા માટેના દલાલ તરીકે ભીખાને મોકલાયો હતો. બંને આરોપીઓને રાજકોટ પહોચી કોલ કરવા વાંકાનેરના શખ્સે સૂચના આપી હતી.

વાંકાનેરનો જવેલર્સ કોની પાસે આ ચલણી નોટો બદલાવવાની છે તે કોલ પર કહેવાનો હતો પરંતુ તે પહેલા બંને આરોપીઓ ઝપાઈ ગયા હતા આ સ્થિતિમાં આ કેસમાં કેટલાય પ્રશ્ર્નોના જવાબો અનુત્તર રહ્યા છે. પોલીસ કહે છે ચલણી નોટો મોકલનાર સુરતનો અને તેને રાજકોટ બદલવા મોકલનાર વાંકાનેરનો શખ્સ ઝડપાયા પછી જ વધુ માહિતી બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.