Abtak Media Google News

દરરોજ ૧૧ હજારથી વધુ રોટલી એકત્ર કરીને જરૂરીયાતમંદોની જઠરાગ્ની ઠારવાનું ભગીરથ કાર્ય

આફતની સામે ઝઝુમીને પણ જીવનસંઘર્ષને જીતવાનું ખમીર ગુજરાતીઓના રગેરગમાં છે. એમાંય સૌરાષ્ટ્રની ધરા પર ભક્તી  અને સેવાની ફોરમ ફેલાવતી અનેક ધાર્મીક અને સમાજસેવી સંસ્થાઓ કાર્યરત છે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં ઉદ્યોગ અને વેપાર બંધ હોવાથી રોજીંદી આવક પર નભનારા અનેક શ્રમિકોને આવક બંધ થઇ ગઇ છે. તો ઘણાં એવા પણ છે જે ભોજન બનાવવા માટે સક્ષમ નથી. ત્યારે આવા જરૂરિયાત મંદ લોકોને ભોજન વિના ભૂખ્યુ ન સુવું પડે તે માટે માનવતાની અંખડ જ્યોત સમી સંસ્થા લોહાણા મહાજન કેસરિયા વાડી ભોજન સેવા ગ્રુપ દ્વારા તેઓને ઘર આંગણે જ ભોજનની સુવિધા સુલભ થાય તે માટે રાતદિવસ સેવાની જયોત જલાવી રહી છે.

આ વિશે વાત કરતાં લોહાણા મહાજન કેસરિયા વાડી ભોજન સેવા ગ્રુપના ટિમ લીડર હિતેનભાઈ પારેખ જણાવે છે કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે વડાપ્રધાનના લોકડાઉનના નિર્ણયને અમે બિરદાવીએ છીએ. પરંતુ આ સમયગાળા દરમિયાન ઘણા એવા પણ લોકો છે જે ભોજન બનાવવા માટે સક્ષમ નથી અથવા તેમની પાસે ભોજન મેળવવાની કોઈ પણ સુવિધા નથી. તેથી અમારા મનમાં વિચાર આવ્યો કે આવા લોકોને ભોજન પ્રદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવીએ તો. ! અને તેમાં અમને અનેક દાતાઓનો સહયોગ સાંપડ્યો છે. સાથે સાથે અમારા ગ્રુપ દ્વારા પણ દિવસ-રાત સઘન કામગીરી કરીને લોકોની જઠરાગ્નિ સંતોષવાનું કાર્ય કરવામાં આવે છે. હિતેનભાઈ દ્વારા કિચન, દાતાઓ તરફથી મળતો ભોજનનો જથ્થો અને ગ્રુપનું સંચાલન કરવામાં આવે છે.

ભોજન તૈયાર થઈ ગયા બાદ તેના ફૂડ પેકેટ જરૂયાત મંદો સુધી પહોંચાડવા માટે સંસ્થાના ત્રણ લોકો પાયારૂપ કામગીરી કરે છે. જેમાં દિપેનભાઇ અગ્રાવત આશિષભાઈ રાવલ અને હર્ષભાઈ પુજારા આ ત્રણેય લોકો ફૂડના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી સંભાળે છે.

તેમાંય હર્ષભાઈ તો જે રીતે ભોજન પહોંચાડે છે તે કાબિલે દાદ છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના વાહનમાં ફૂડપેકેટ પહોંચાડતા હોય છે પરંતુ હર્ષભાઈ પોતે સ્કેટિંગ ટીચર છે તો પોતાની આ કળાનો લાભ લઈને તે ફૂડપેકેટ  પહોંચાડવા માટે સ્કેટટિંગ કરીને વિવિધ વિસ્તારોમાં જાય છે અને ત્યાં લોકોને લોકોની જઠરાગ્નિ સંતોષે છે.

તો દિપેનભાઈ અને આશીશભાઈ દ્વારા ટીમના અન્ય કાર્યકરોને ફૂડ પેકેટ આપવા માટે રાજકોટના મુખ્ય ૪ વિસ્તાર નક્કી કર્યા છે. સંસ્થામાં ૬૪ જેટલા કાર્યકરો કાર્યરત છે. અને તેમને ચોક્કસ વિસ્તાર ફાળવવામાં આવ્યા છે. તેથી દિપેનભાઈ અને આશીશભાઈ દ્વારા દરેક કાર્યકરો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવે છે. ત્યાંથી કાર્યકરો ફૂડ પેકેટ જરૂરિયાત મંદો સુધી પહોંચાડે છે.

જયાં રોટીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો એ મંત્રને ચરિતાર્થ  કરતા લોહાણા મહાજન કેસરિયા વાડી ભોજન સેવા ગ્રુપ દ્વારા રોટી બેન્ક નો પણ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વિચાર સંસ્થાના જ એક કાર્યકર ધર્મેશભાઈ પારેખના મનમાં આવ્યો કે જો દરેક ઘર દીઠ ગૃહિણીઓ દ્વારા ૫ રોટલીની સેવા આપવામાં આવે તો પર્યાપ્ત ફૂડ પેકેટ તૈયાર થઈ શકે આ માટે તેમણે રઘુવંશી સખી મહિલા મંડળના રોનકબેન પારેખ અને મનિષાબેન પારેખનો સંપર્ક કર્યો તેના માધ્યમથી એક  ગ્રુપનું નિર્માણ કરવામાં આવ્યું. જ્યાં રોટલી બેંકના આ સંદેશાને પહોંચાડવામાં આવ્યો. બધાના આ વિચાર ગમ્યો ને રોટી બેન્કની શરૂઆત થઈ. ધીમે ધીમે સેવાની આ સરવાણી મા સમગ્ર રાજકોટની ગૃહિણીઓ જોડાઈ  અને આજે દરરોજ રોટી બેંકમાં ૧૧ હજારથી વધુ રોટલીઓ એકત્રિત થાય છે. જે ધર્મેશભાઈ પારેખના સઘન પ્રયાસો ને સુચવે છે. રોટી બેન્કની સંપૂર્ણ વ્યવસ્થા ધર્મેશભાઈ પારેખ જ સંભાળે છે. હાલ આ સંસ્થા દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા ઉત્તમ ગુણવત્તાયુકત મટીરીયલ દ્વારા તૈયાર થયેલ રોટીઓને  ગુણવત્તાયુકત પેકીંગમાં પેક કરી જરૂરિયાત મંદોને ફૂડપેકેટ પહોંચાડવા માટે સંસ્થાના દરેક કાર્યકરો સ્વખર્ચે આ સેવાયજ્ઞમાં પોતાના પરિશ્રમની આહુતિ આપે છે. આ ઉપરાંત સંસ્થામાં ભોજનનો જથ્થો મેળવવા માટે અને પહોંચાડવા માટે બે રીક્ષા, બે ઇકોકાર, બે ઇનોવા અને એક મર્સિડીઝ કારની પણ સુવિધા ઉપલબ્ધ છે. તેમની સાથે કિરણભાઈ ચનીયારા પણ એક સુંદર સેવા પૂરી પાડે છે. તે દરરોજ તેમના ઘરેથી ૧૦ ટીફીનની સેવા પહોંચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.