Abtak Media Google News

શાળા ખુલે એ પહેલાનો આ એક માસ બાળ સંર્વાંગી વિકાસ માટે મહત્વનો હોવાથી ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લેવો જરૂરી

શાળાના જીવનને યાદ કરતા બાળકો માટે ઉનાળાના વેકેશનનું ખૂબ મહત્વ છે. બાળકો આખું વર્ષ ઉનાળાની રજાઓની રાહ જોતા હોય છે અને ઉનાળાની રજાઓમાં ખૂબ જ મજા આવે છે. બાળકોની વાર્ષિક પરીક્ષા અને પરિણામ પછી લગભગ એકથી દોઢ મહિનાનું ઉનાળુ વેકેશન છે. આ ઉનાળાના વેકેશનમાં બાળકો વિવિધ પ્રકારની ટુર કરે છે. ઘણા બાળકો તેમના સંબંધીઓની મુલાકાત લઈને રજાઓનો આનંદ માણે છે.

ઉનાળાની રજાઓ વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો ભાગ છે અને આ ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાંથી થોડો આરામ મળે છે. ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓ માટે તહેવારથી ઓછું નથી. બાળકો માટે ઉનાળાની રજાઓ એક ઉજવણી જેવી હોય છે. જેની બાળકો દર વર્ષે રાહ જુએ છે. ઉનાળાની રજાઓ બાળકો માટે તેમના શાળાના કામ અને અભ્યાસની ધમાલમાંથી રાહત આપે છે.

બાલ્યાવસ્થા કે વિદ્યાર્થી ગાળાનો સમય શિખવા માટેનો શ્રેષ્ઠ ગાળો ગણાય છે. વેકેશનમાં યોજાતા વિવિધ ક્લાસમાં બાળક પોતાને રસ હોય તેના વર્ગોમાં જોડાતો હોય છે. સમર ક્લાસનો હેતું જ રસ હોય તેમાં આગળ વધવું અને નવું શિખવું. ઇત્તર પ્રવૃતિનું શૈક્ષણિક જીવનમાં ઘણું મહત્વ છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે જ્ઞાન સાથે ગમ્મતનું બાળ જીવનમાં વિશેષ મહત્વ છે.

આજે બાળકોને ક્રિકેટ રમવું બહું જ ગમે છે તો કેટલાક ચિત્ર સંગીત, ગાયન, વાદન કે નૃત્યમાં રસ, રૂચી ધરાવતા હોય છે. દરેક બાળકોમાં છૂપી કલાઓ હોય જ છે. તે મા-બાપે અને શિક્ષકોએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને શોધવી પડે છે અને પછી તેને એ દિશામાં આગળ પ્રોત્સાહન આપવાનું હોય છે.

કલા કે આર્ટ સિધા જીવન વિકાસ સાથે જોડાયેલ છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીયન શાસ્ત્રીઓએ પણ કલા કૌશલ્યોને મહત્વ આપ્યું છે. શાસ્ત્રોમાં વિવિધ 64 કલાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં ગાયન, વાદન, નર્તન, નાટ્ય, ચિત્રકલા, રંગપૂરણી, વેશભૂષા, જાદુકલા, પાક કે વ્યંજનકલા, વાસ્તુકલા, કઠપૂતળી કલા, વ્યાયામ, બાલક્રિડા કર્મ જેવીનો સમાવેશ થાય છે. શુક્રતિત અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, પણ સમાજમાં કુલ 64 કલા પ્રસિધ્ધ છે. હસ્તકલા અને લલિત કલાનું પણ વિશેષ મહત્વ છે.

કલા દ્વારા જ શિક્ષણમાં સર્જનાત્મક વિકાસ થાય છે, અને કલા વગર કોઇ માનવી જીવી ન શકે. કોઇ એક કલાનો સહારો જીવન જીવવા માટે અગત્યનો છે. બાળકોને વેકેશનમાં વિવિધ મનોરંજનના માધ્યમ વડે કંઇક નોખું અને કંઇક અનોખું શીખવા મળે છે.

મનોવિજ્ઞાનિક અને ફિલસૂફો પણ બાળકલાને વિશેષ મહત્વ આપે છે. બાળકો પોતાની અલગ ઓળખ ઉભી કરવા પણ કોઇ એક કલામાં આગળ વધીને નિપૂણતા મેળવે તે જરૂરી છે. નિજાનંદ માટે કલા સૌથી શ્રેષ્ઠ બાબત છે. શિક્ષણમાં વિવિધ પધ્ધતિ સાથે કલાત્મક શિક્ષણ તે એક શિક્ષણ પધ્ધતિ છે, જે કૌશલ્યો, વલણો, આદતો અને વર્તણૂકોનો વિકાસ કરે છે, ક્ષમતાઓ અને કૌશલ્યોને વધારે છે. ક્રિયા પ્રતિક્રિયા સાથે એકાગ્રતા પણ બાળકોમાં સિંચન થાય છે.

સંગીત, ચિત્ર, નૃત્ય, એક્ટીંગ જેવી વિવિધ 64 કલા પૈકી બાળકને જેમાં રૂચી હોય તે કલામાં પ્રોત્સાહન આપવું: શિખવાની પ્રક્રિયા 365 અને મહાન છે, જરૂર છે માત્ર આપણા પ્રોત્સાહનની રાજકોટમાં આવી વિવિધ સમર ક્લાસીસ નો પ્રારંભ થયો ગયો છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જુદા જુદા કોચિંગ ક્લાસ કરાવવામાં આવે છે જેમાં દરેક માતા પિતા પોતાના બાળકને કંઈક ને કંઈક ક્લાસીસમાં જોડતા હોય છે.

બાળકોના રસ-રૂચી-વલણ ધ્યાને લઈને મા-બાપે પ્રવૃત્તિમાં જોડવા

આજના યુગમાં દરેક મા-બાપે બાળકોના રસ, રૂચી ધ્યાને લઇને તેને તે દિશામાં આગળ વધે તેવા પ્રયત્નો અને પ્રેરણા, પ્રોત્સાહન આપવા જરૂરી છે. કોઇ બાળક સારૂ ચિત્ર દોરે છે તો તેને તે સંદર્ભેની માહિતી, કલરો વિવિધ સ્પર્ધા, મોબાઇલ એપ્લીકેશન, નિષ્ણાંતો વિગેરે સમજ આપવી જરૂરી છે. પૂંછાયેલા બાળકોના પ્રશ્ર્નોના વૈજ્ઞાનિક આધારોવાળા, જવાબ આપવાથી પણ તેના મતનું સમાધાન થતાં તે ધારી સફળતા મેળવે છે. સારૂ ગાવું, બોલવું, વાદ્ય વગાડવું કે સારૂ નૃત્ય કરવું આ બધા કલામાં ગમે તે બાળકને રસ હોય તો તેમાં આગળ વધારવો જરૂરી છે.

બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે

  • નાનકડું બાળક કેટલી જગ્યાએ ધ્યાન આપે એ આજના મા-બાપે સમજવાની જરૂર છે. બાળક તેની વય-કક્ષા અને ક્ષમતા મુજબ આગળ વધે તે ધારી સફળતા ગણાય છે. શીખવાની પ્રક્રિયા આખું વર્ષ ચાલનારી નિરંતર પ્રક્રિયા છે, તેથી તેને દૈનિક આયોજનમાં સમાવવી જરૂરી છે.
  • બાળ પ્રવૃત્તિ પહેલા નિયમિત થતી, બાળ સંસ્થાઓ પણ હતી પણ નવા યુગમાં છેલ્લા બે દશકામાં તે બધુ વિલુપ્ત થઇ ગયું છે. શાળા કક્ષાએ પણ જોઇએ તેવા આયોજન થતા નથી તો શિક્ષણમાં પણ સંગીત, ચિત્ર, રમત-ગમતને બહું મહત્વ અપાતું નથી. ટીવી, મોબાઇલ આવ્યા બાદ ઇનડોર, આઉટડોર ગેમ્સ સાથે વિવિધ કલા સાવ વિસરાય ગઇ છે જે ઘણી દુ:ખદ અને સમાજ માટે રેડલાઇટ છે.
  • આજના મા-બાપો સંતાનોને રસ હોય કે ના હોય તો પણ નૃત્ય, સંગીત, કરાટે, ચિત્ર વગેરેમાં એક સાથે ત્રણ-ચાર વર્ગોમાં બાળકને જોતરી દે છે. બાળકને શેમાં રસ છે તે કોઇ પુછતું નથી. માસ્ટરી તો કોઇ એક કલા પસંદ કરીને તેમાંજ રચ્યા, પચ્યા રહેવાથી આવતી હોય છે.
  • બાળકનાં સંર્વાંગી વિકાસમાં ઇત્તર કલાનું વિશેષ મહત્વ છે. દરેક શહેર માં ચિલ્ડ્રન હોબી સેન્ટરો શરૂ કરવા માં આવ્યા છે, જેમાં બાળક પોતાના શાળા સમય બાદ એક કલાક રસ ધરાવતી કલામાં નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવીને જાતે શિખવા પ્રેરણા મેળવે. ક્રાફ્ટ કલા સાથે વેસ્ટમાંથી બેસ્ટમાં બાળકોને પોતાની ક્રિએટીવીટીનો શ્રેષ્ઠ નિજાનંદ મળે છે.

દરેક બાળકોમાં છુપી કલાઓ પડેલી જ હોય છે, જરૂર છે આપણે ઉજાગર કરવાની

સૌથી વધુ ગમતી કલાને પકડવી જેથી અધવચ્ચે રસ ન તૂટતા પૂર્ણ કક્ષાએ ખીલીને નિપૂણતા અપાવે છે. કલા શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી સર્જનાત્મક અને ક્રિએશનમાં માનતો હોવાથી તે ક્યારેય ખંડનાત્મક પ્રવૃતિ તરફ વળતો નથી.

નાના કે મોટું બાળક ગમે તે હોય પણ તેમાં કોઇ વિશિષ્ઠ છૂપી કલાઓ છૂપાયેલી હોય છે. ઘણીવાર તે એકલું એકલું તેને ગમતી કોઇપણ એક કલા તે આખા દિવસમાં એક-બે વાર ચોક્કસ પ્રદર્શિત કરે છે. ગીત ગાતુ હોય, ચિત્ર દોરતું હોય, તબલા વગાડે કે કોઇની નકલ કરતું હોય આવા સમયે તેનું નિરિક્ષણ મા-બાપે કરવું જોઇએ.

જો કોઇ બાળકને આવી પ્રવૃત્તિમાં રસ વધુ પડતો હશે તો તે મા-બાપ કે શેરીના અન્યનું માર્ગદર્શન લઇને શ્રેષ્ઠ કરવાની કોશિશ કરશે. હાલના યુગમાં શાળામાં આવા પ્રોજેક્ટ કરવાની તાતી જરૂરીયાત છે. દરેક બાળકમાં વય-કક્ષાને ક્ષમતા મુજબ કંઇક શ્રેષ્ઠ વસ્તું પડેલી જ હોય છે જરૂર છે માત્ર આપણે જોવાની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.