Abtak Media Google News

“શ્રમજીવીએ કહ્યું અમારી જ્ઞાતિના અમુક રાજકારણીઓ છેલ્લા ત્રણ દિવસથી આવો ખેગાળો કરવા જ માગતા હતા કે જ્ઞાતીનું સંગઠન મજબૂત બને ને ?”

મુન્નાભાઈ વંઠેલા-૧

Advertisement

સવારના અગીયાર વાગ્યે ફોજદાર જયદેવ તળાજા પોલીસ સ્ટેશનમાં પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યારે જ શિહોર તાલુકા પંચાયતમાંથી ટેલીફોન આવ્યો; સામા છેડે શિહોર તાલુકા પંચાયતના કર્મચારી પણ પ્રાથમીક સ્કુલમાં જયદેવ સાથે અભ્યાસ કરતા તેના ગામના જ વતની અને નોકરી ઉપરાંત સમાજ સેવાનું પણ કામ કરતા માવુભાઈ હતા. તળાજાના દિહોર આઉટ પોસ્ટના છેવાડાના ગામો માંડવાળી વિગેરે શિહોર તાલુકાના ટાણા વરલ વિગેરે ગામોની નજીક આવેલા હતા અને તે ગામોનો કેટલાક વ્યવહાર પણ શિહોર સાથે હતો.

માવુભાઈએ ટેલીફોન ઉપર જ જયદેવને કહ્યુ કે આમ તો તમને ભલામણ કરાય તેવુ કામ નથી પરંતુ ગરીબ કુંટુબની જીંદગીનો પ્રશ્ન હોય તમને સમાજસેવાના ભાગરૂપે આ ફોન કર્યો છે મામલો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ છે અને બૈરાઓ બાબતનો છે તો ભોગ બનનાર ભાઈ જે ખુબ જ ગરીબ છે તેમને તમારી પાસે મોકલું ? “જયદેવે કહ્યુ એમ કરોને તમે જ સાંજના તેમના સગા સંબંધીઓને લઈ ને તળાજા જ આવી જાવને કેમ કે ઘણા વર્ષોથી ડાયરાની સુવાણ કરી નથી તો તમારે સમાજ સેવાની સમાજ સેવા અને મારે પણ ફરજ ની ફરજ જેમ દળતા દળતા ફાકડા ભરાયા તેમ બજાવીશુ. તેઓ એ કહ્યુ ભલે હું સાંજના મારા એકાદ બે મિત્રોને પણ સાથે લઈને આવીશ અને ભોગ બનનાર ને તળાજા પહોંચવાનું કહ્યુ છુ.

સાંજના સાડા સાતેક વાગ્યે માવુભાઈ અને તેમના મિત્રો તળાજા આવી ગયા. જયદેવે વાળુ પાણી વિગેરેની વ્યવસ્થા એક કોટન જીનીંગ મીલમાં ગોઠવી હતી. ભોગ બનનાર તો પોલીસ સ્ટેશને વહેલા આવી ગયા હતા. માવુભાઈ અને મિત્રોને ચા પાણી પાઈને કહ્યુ હવે સમાજ સેવા પુરી કરીએ માવુભાઈએ કહ્યુ કે આ માંડવાળીનો શ્રમજીવી પરીવાર છુટક મજુરી કામ કરે છે.તેની પત્નિ અન્યના ઘરકામ કરે ત્યારે નિર્વાહ પુરો થાય છે તેઓને માંડવાળીમાં એક ઓરડાનું પીંઠોરયુ મકાન છે તેમને ત્રણ સંતાનો પૈકી મોટી છોકરી આશરે ૧૮ વર્ષની અને બીજા બે નાના બાળકો છે. આ મોટી છોકરીના લગ્ન કરવાના હજુ બાકી છે. દુ:ખની વાત એ છે કે આ મોટી છોકરી સાથે જ તેમના ગામમાં અધટીત બનાવ બન્યો છે. પરંતુ સામે વાળી પાર્ટી ખુબ મોટી પૈસાદાર મોટા ખાતેદાર અને સુરતમાં સારા એવા ધંધા પાણી હોય તેમનાથી ડરીને ગામના કોઈ લોકો આ શ્રમજીવીને સહકાર નહિ આપે તેવો ભય હોઈ તેમના અન્ય સગાસંબંધી મારફતે આ વ્યથા મને જણાવતા મેં કહેલ કે ઓ હો તેમાં મુંઝાવાનું શું તળાજા ફોજદાર આપડા કાકા જ છે ચિંતા કરો નહિ બધા સારાવાયના થઈ રહેશે. આથી જયદેવે કહ્યુ તેમાં શુ તે ભલેને ગમે તેવો મોટો લાટ સાહેબ હોય આપણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયાર જ છીએ આથી માવુભાઈએ કહ્યુ એ તો વાંધો છે આ શ્રમજીવીને ફરીયાદ કરવી નથી. સામે વાળા જમીનદારના છોકરાઓ સુરતથી આવી ગયેલા છે અને વહટીની વાત પણ ચાલે છે પરંતુ આ લોકોનો શું ભરોસો ફરી જાય તો ? તેથી આ શ્રમજીવીએ મને વહટીમાં વચ્ચે રાખવા વિનંતી કરતા મેં તમને ટેલીફોન કરેલો. આથી  જયદેવે કહ્યુ ફરીયાદ કરવી હોય તો કહો તો તે કરી દઉ પણ આ કોઠા કબાડામાં  હું વચ્ચે પડુ નહિ. આવા અસામાજીક ગુનેગારોને તો ખુલ્લા જ પાડવા જોઈએ.આથી માવુભાઈએ કહ્યુના આ શ્રમજીવીને ડર એ છે કે પછી તેને રહેવાનું તે જ ગામમાંને ? આવુ થાય તો પોતાને તથા પોતાની પત્નિ ને કોઈ કામે પણ રાખે નહિ. માંડવાળીમાં માથુ ઢાંકવા છાપરૂ ય છે પણ જો ગામ છોડવા નો વારો આવે તો આવા છાપરાનોય વેંત રહે નહિ. તેવો ભય વ્યકત કરે છે. આથી જયદેવે ક્હ્યુ હુ તો આ બબાલમાં વચ્ચે નહિ પડુ ફરીયાદ કરવી હોય તો કહો નહિ તો તમે તમારી રીતે પુરૂ કરો આથી માવુભાઈ પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવી ગયેલા ભોગ બનનાર અને તેના સંબંધીઓને જયદેવે કહેલી વાત કરી આથી આ લોકોએ કહ્યુ ના ફરીયાદ નથી કરવી જો બારોબાર વહીવટ થઈ જાય એવુ કરો. કેમ કે ફરીયાદ કરતા એકનો છોકરીની જાહેર બે ઈજજતી થાય પછી તેનો હાથ કોણ પકડે ? વળી પછી રહેવાનું તો માંડવાળી માં જ ને ? માવુભાઈએ જયદેવને આ વાત કરી અને વધારામાં જણાવ્યુ કે જો વહટી પતી જાય અને રોકડ રકમ આવે તો પાલીતાણામાં એક છાપરૂ લઈને ત્યાં રહેવા જતુ રહેવુ છે તેવો આ લોકોનો ઈરાદો છે.

જયદેવે કહ્યુ તે તમારી રીતે થાય તો પતાવો બાકી આપણે વાળુ પાણી જીનીંગમાં સાથે કરીએ ત્યાં તૈયાર જ છે તમામ જીનીંગમીલમાં આવ્યા ત્યાં જયદેવના તળાજા બે ત્રણ મિત્રો પણ આવી ગયા હતા. તમામ સાથે વાળુ પાણી કરી થોડી વાર સાથે બેસીને વાતો કરતા હતા. પણ વાતો તો ફરી ફરીને માંડવાળીના બનાવ ઉપર જ આવી જતી હતી. તળાજાના મિત્રો પણ આ કિસ્સાનાં ચર્ચામાં ભાગ લેવા માંડયા હતા. માવુભાઈ એ જીન માલીક અને તળાજાના મિત્રો સાથે દોસ્તી કરી લીધી. આથી જયદેવે માવુભાઈને કહ્યુ હું હવે જાઉ છુ. પરંતુ મોડીરાત થઈ જાય તો મહુવા ચોકકી કામરોળ રોડ ઉપર શિવશકિત ગેસ્ટહાઉસ છે ત્યાં હું  બે રૂમનું કહી દઉ છુ તો રોકાઈ જજો સવારે નાસ્તા પાણી શિવશકિત હોટલ ઉપર સાથે કરીશુ. મિત્રો તથા માવુભાઈ એ કહ્યુ તેની ચિંતા નહી આપ પધારો સવારે મળીશુ. આમ જયદેવ તેના નિવાસ સ્થાને  આવ્યો.

જયદેવના ગયા પછી જીનમીલમાં મોડી રાત્રી સુધી આ છોકરીનો બાપ સાથે આવેલા તેમના સંબંધી તથા માવુભાઈ અને તળાજાના મિત્રોએ માંડવાળીથી જમીનદારના સુરતથી આવેલ પુત્રોને તળાજા જીનમાં બોલાવી ને વહટી કરી. જો કે આ સુરતી ઉધોગપતિઓને તો આ જ જોઈતુ હતુ. મોટી રકમ શ્રમજીવીને આપી મામલો માંડવાળ કરવા નું નકકી થયુ સવારે નવેક વાગ્યે લેતી-દેતીની કાર્યવાહી પતે એટલે સૌ પોતપોતાના રસ્તે પડે આવો વચગાળાનો રસ્તો આ માવુભાઈ એ કાઢેલો માવુભાઈ તથા શ્રમજીવી વિગેરે તળાજાની હોટેલ શિવશકિતમાં જ સુઈ ગયેલા.

પરંતુ વહેલી સવારે સાડા સાત વાગ્યે ભાવનગરથી પોલીસવડાનો જયદેવ ઉપર ટેલીફોન આવ્યો કે વહેલી સવારના સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ઘોઘાના વિધાયકના ટેકેદારોએ ઘણી બબાલ કરેલ હતી. માંડવાળી ગામેથી આ લોકો એક છોકરી અને તેનીમાં ને અહિં હોસ્પિટલમાં લઈ આવ્યા છે આ ટેકેદારોને છોકરીની બળાત્કારની ફરીયાદ લેવડાવવી છે પણ છોકરીની મા સાથે છે તે આવી ફરીયાદ કરવાની આનાકાની કરે છે આથી આ મામલો હવે તમારાઉપર છોડયો છે બાબત શંકાસ્પદ જણાતી હોય તમે જાતે ભાવનગર સરટી હોસ્પિટલમાં આવીને ફરીયાદની કાર્યવાહી કરો તો સારૂ. આથી જયદેવે તેમને કહ્યુ સાહેબ તે છોકરીનો બાપ જ તળાજા આવ્યો છે તો તેની જ ફરીયાદ લઈ લઉ ? આથી પોલીસ વડાએ કહ્યુ તે ઉત્તમ પણ ફરીયાદ લઈને પછી અહિ ભાવનગર સરટી હોસ્ટિલ વહેલી તકે પહોંચો.

આથી જયદેવે તુરત જ શિવશકિત હોટલમાં ટેલીફોન લગાડયો માવુભાઈ એન્ડ કંપની હજુ ઘેધુર નિંદ્રામાં જ હતી. પણ ગેસ્ટહાઉસવાળાએ માવુભાઈને ઉઠાડીને જયદેવ સાથે વાત કરાવી. જયદેવે ભાવનગર હોસ્પિટવાળી વાત કરતા તેઓ હંસી પડયા અને કહ્યુ બીચારો શ્રમજીવી મુંગેરીલાલ માફક હજુ હસીન સપને જોતો સુતો પડયો છે વળી દયા ખાઈને બોલ્યા બિચારો નબળે વેઠ અને દુ:ખતે ઠેસ આ બીચારાના નસીબમાં ઠેબા ખાવાનું જ માંડયુ લાગે છે. અડધા એક કલાકમાં તમામ તળાજા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા.

જયદેવે શ્રમજીવીને કહ્યુ અરે ભલા માણસ હું રાત્રે જ કહેતો હતો. ત્યારે ફરીયાદ કરી દીધી હોત તો ? આવડો મોટો ભાવનગરનો તાયફો કરવાની શું જરૂર હતી ? શ્રમજીવીએ કહ્યુ સાહેબ અમારી જ્ઞાતિના અમુક રાજકારણીઓ છેલ્લા ત્રણ દિવસ થી આવો ખેગાળો કરવા જ  માગતા હતા જેથી જ્ઞાતિનું સંગઠન મજબુત બને પરંતુ સાહેબ તેનાથી અમારી ગઈ આબરૂ તો પાછી આવવાની નથી વળી જો ડોસાને હવે ફાંસી થાય તો પણ અમારૂ દારીદ્ર ફીટે તેમ નથી આથી અમુક ડાહયા લોકોની મદદથી આ માવુભાઈનો સંપર્ક કરી ” સાપ મરે અને લાકડી પણ ભાંગે નહી તેવો વચ્ચેનો રસ્તો કાઢવા અમારા સગાઓ એ આ ત્રાહિત માવુભાઈનો સંપર્ક કર્યો હતો. ઠીક હવે તો જે નસીબમાં હશે તે થશે પણ હવે આવુ સમાધાન કોર્ટમાં કેસ ચાલતી વખતે તો નહિ જ થાય !

આથી જયદેવે કહ્યુ તે જે હોય તે હવે તો ફરીયાદ કર્યે જ છુટકો છે ને ? શ્રમજીવીએ જયદેવ સમક્ષ જે વિતકકથા રજુ કરી તે આ પ્રમાણેથી હતી.

આ શ્રમજીવી પોતાની પત્ની જીભી ઉ.વ. ૩૬ની સાથે માંડવાળી ગામે રહે છે. પોતે છુટક મજુરી કામ કરે છે. કુંટુબમાં પત્નિ ઉપરાંત બે દિકરી અને એક દિકરો છે જેમાં મોટી દીકરી કેરી ઉ.વ. ૧૮ વર્ષની છે. પોતાને ગામના પાદરમાં કાચુ એક ઓરડાનું પીંઢોરીયુ મકાન છે. પોતાને કોઈ ખેતીની જમીન નહિ હોય ફકત મજુરીની કમાણીથી ઘરનું પુરૂ થતુ નહિ હોય પોતાની પત્નિ જીભી ગામમાં બીજા મોટા ઘરોમાં ઘરકામ કરી પુરક કમાણી કરી અમારૂ ગુજરાન ચલાવીએ છીએ. જીભી છેલ્લા દોઢેક વર્ષથી અમારા ગામના મોટા ખાતેદાર જમીનદાર ખેડુત કે જેના છોકરાઓ સુરત ખાતે ધંધા પાણીમાં સારી રીતે સેટ થયેલા છે તેનું ઘરકામ કરે છે આ જમીદાર ખેડુત બુઝર્ગ બાપા છે તો સિતેરેક વર્ષના પણ તંદુરસ્તી સારી, ખડતલ અને કડેઘડે છે ઘરના સુખી અને ખાધેલ પીધેલ એટલે હોય જ ને? આથી ગામના જુવાનીયાઓ આ ડોસાને ઉપનામ “મુન્નો કહીને પણ ઓળખે છે. તેમના છોકરાઓ સુરત જ રહેતા હોય આ ડોસો તથા તેની પત્નિ અહિં માંડવાળીની મોટી ખેતી અને વિશાળ ડેલાવાળુ મકાન સાચવી ને રહેતા હતા. પણ ડોસાની કમનસીબી કે આજથી બે અઢી વર્ષ પહેલા તેની પત્નિ ગુજરી ગઈ. હવે ઘેર રસોઈ કરવાવાળુ પણ કોઈ રહ્યુ નહિ આથી આ મુન્નાને તેના છોકરાઓેએ કહ્યુ કે જમીન બીજાને ભાગવી વાવવા આપી દઈ ડેલાને તાળા મારી તમે અમારી સાથે સુરત ચાલો, પણ મુન્નાને તો અહિં માંડવાળીમાં જ ફાવતુ હતુ કેમ કે માતેલા સાંઢની જેમ ગમે ત્યાં ભેલાણ કરવાનું તેને વ્યસન હતુ તે કુટેવ સુરતમાં તો ચાલે નહિ ?

પૈસાદાર અને સુખી છોકરાઓએ ડોસાની માંડવાળી રહેવાની જીદ સંતોષવા ઘેર પગારદાર રસોઈવાળા, કામવાળાની વ્યવસ્થા કરી સુરત ચાલ્યા ગયેલા. આ ડોસો ઉર્ફે મુન્નો અહિ માંડવાળીમાં છુટા હાથે રૂપીયા વાપરતો તેમ છતા કોઈ કામ વાળા મહિનો બે મહિનાથી લાંબુ તેને ત્યાં ટકતા નહિ. છેલ્લે મારી પત્નિી જીભીએ તેનું ઘરકામ કરવાનું રાખ્યુ અને છેલ્લા મારી પત્નિને લૌકિકે બહારગામ જવાનું થયુ અને અમારા ઉપર મોટી આફત તુટી પડી.

આમ તો મારી પત્નિ જયારે આ રીતે બહારગામ જતી ત્યારે આ ડોસાની એક બે વખતની રસોઈ એક સાથે કરીને બધુ કામકાજ પતાવીને જ જતી તે પ્રમાણે જ ચાર દિવસ પહેલા પણ ડોસાનું તમામ કામકાજ પતાવીને બહારગામ લૌકીકે ગયેલી હું કામે મજુરી એ ગયેલો અને આ ડોસો પાછળથી અમારે ઘેર આવેલો અને મારી મોટી છોકરી કેરી ને કહ્યુ અમુક કામકાજ બાકી છે તો તું ચાલ પુરૂ કરી દે તેમ કહી ફોસલાવી ને તેના ડેલામાં લઈ ગયેલો કામનું તો બહાનુ હતુ. અંદર ગયા પછી પહેલા ડેલો અંદરથી બંધ કર્યો અને કેરી ઓરડામાં કામે ગઈ એટલે યુકિત પુર્વક કેરીને ઓરડામાં પુરી દીધી. શું કહુ સાહેબ, મારી પહુ  જેવી કેરીને આ રાખહ જેવા ડોસાએ પીંખી નાખી મોઢું કાળુ કર્યુ. જીભી સાંજે ઘેર આવી ત્યારે કેરીએ સઘળી આપવિતી તેને જણાવી અને હું મજુરીએથી ઘેર આવ્યો ત્યારે મારી પત્નિએ આ કાળમુખી ઘટના કહેતા હું તુરત જ તળાજા થાણે ફરીયાદ કરવા આવતો હતો. પણ મારી પત્નિજીવી છેલ્લા દોઢેક વર્ષથી ડોસાને  ત્યાં કામ કરતી હતી તેથી સારી રીતે ઓળખતી તેણે કહ્યુ આ ફરીયાદ કરવાથી આપણુ શું વળશે ? એક તો આબરૂનો ધજાગરો થશે અને છેલ્લા દોઢેક વર્ષથી આ ડોસાની છુટા હાથની મદદથી જ આપણે ઉજળા છીએ તેથી કોઈ ડાહ્યા અને સારા વ્યકિતને વચ્ચે રાખી વહટીકરીને ભવિષ્યની ઉપાઘીને દુર કરોને ?

જો કે આખુ ગામ પણ વાતો કરતુ હતુ અને મને પણ શંકા હતી કે આ ડોસાને ત્યાં કોઈ કામવાળા અગાઉ મહિનો બે મહિનાપણ ટકતા નહિ અને આ જીભી ત્યાં ટકી ગઈ કાંઈક ડાળમાં કાળુ છે પણ મારી અનેક મજબુરી હતી. તે સમયે જ મને ખ્યાલ આવેલો કે ગામના જુવાનીયા આ ડોસાને ઉપનામ મુન્નાથી કેમ ઓળખે છે ડોસાની આવી છેલ બટાઉ વૃતિ અને હરકતો થી ગામના લોકો વાકેફ હતા જ સાહેબ અમારી આર્થીક પરિસ્થિતી અત્યારે એવી નબળી છે કે હવે ઉપર આભ અને નીચે ઘરતી જેવુ છે ડોસાએ ચોકકસ કાળુ કામ કર્યુ છે આથી અમારી જ્ઞાતિના રાજકારણી લાલચ આપી ખોટુ બોલીને મારી દિકરી અને પત્નિને ભાવનગર લઈ જઈ દવાખાને દાખલ કરી દીધા હશે.

જયદેવે શ્રમજીવીની ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૬ મુજબ ફરીયાદ લઈ ગુન્હો દાખલ કરાવ્યો. સૌ પ્રથમ ફરીયાદીને લઈને ભાવનગર સરટી હોસ્પિટલમાં આવ્યો જયાં મહિલા વોર્ડમાં ક્ધયા કેરીને સારવારમાં દાખલરી હતી. કેરીની બાજુમાં જ તેની મા જીભી બેઠી હતી. ફોજદાર તથા શ્રમજીવીને જોઈને જીભી રડવા લાગી. આથી શ્રમજીવીએ તેની પત્નિને સાંત્વન આપ્યુ કે હવે રડ નહિ આ સાહેબ આપણી ભેરે જ છે જયદેવે કેરી અને જીભીના વિગતવારના સાક્ષી તરીકે નિવેદનો નોંધ્યા, કેરીના જેટલા હાજર હતા તેટલા લોહીવાળા કપડા કબ્જે કર્યો. જે બાકી હતા તે માંડવાળી ગામેથી કબ્જે કરવા ઉપર બાકી રાખ્યા. સર ટી હોસ્પિટલમાં મેડીકલ ઓફીસરને ભોગ બનનારની જાતિય ગુન્હામાં કરવાની સારવાર આપવા અને જરૂરી સેમ્પલો કબ્જે કરવા માટેની યાદી આપી.

જયદેવ શ્રમજીવીને લઈને માંડવાળી ગામે આવ્યો અહિં જયદેવે ડોસો ઉર્ફે મુન્નાના ઘરનું ગુન્હાવાળી જગ્યા તરીકે પંચનામુ કરવાનું મુખ્ય કામ હતુ પરંતુ મુખ્ય પાત્ર પોપટ જ પીંજરે થી ઉડી ગયો હતો. ડેલા ને અલીગઢી તાળા લાગી ગયા હતા. ગામમાંથી જાણવા મળ્યુ કે ડોસાના છોકરા ઓ તો નવેક વાગ્યે જ પોતાની કાર લઈ સુરત ચાલ્યા ગયા છે ડોસા બારેક વાગ્યા સુધી ગાંડાની માફક અહિ તહિ હડીયુ કાઢતો હતો પરંતુ તે પણ પછી કયાંક ચાલ્યો ગયો છે.

જયદેવે લોકોથી ખાનગીમાં જાણ્યુ કે ડોસો સાવ ચરિત્રહિન જ હતો. તેણે ઘણી જગ્યાએ આવુ કરવા પ્રયત્ન કરેલો પણ ઢીલામાં ઢેખાળો કોણ નાખે, તે રીતે અત્યાર સુધી તેનું ચાલ્યુ પણ આખરે પાપ પીપળે ચડીને પોકાર્યુ ખરૂ ! ડોસાના આવા કારસ્તનના કારણે જ ગામના ટીખળી જુવાનીયાઓએ તેનું ઉપનામ  મુન્નો પાડયુ હતુ.

જયદેવે જરૂરી નિવેદનો નોંધ્યા અને ફરીયાદી શ્રમજીવીને ઘેર ગામના પાદરમાં આવ્યો. એજ ગામડાના પાદરામાં ટીપીકલ કાચી માટીની પીંઢોરીયા દીવાલો, ઉપર દેશી નળીયાનું છાપરૂ  એવુ એક ઓરડાનું ઘર જેને ફરતે કાટાળી વાડ કંપાઉન્ડ વોલ તરીકેની  અને આંગણામાં એક ઝાડ નીચે પડેલા ખાટલામાં બે બાળકો હતપ્રભ અને ઓશીયાળા થઈને બેઠા હતા.  ફરીયાદીએ બંનેના માથે હાથ ફેરવીને વહાલ કરી કહ્યુ  બેટા સાંજ સુધીમાં તારીમાં આવી જશે. આથી બંને બાળકો તેને વળગી પડયા. જયદેવ દારૂણ ગરીબીનું આ વાસ્તવીક દૃશ્ય દુ:ખ સાથે જોતો રહ્યો.

ફરીયાદી એ તેની પત્ની જીભીએ કહેલ જગ્યાએથી છોકરી કેરીના કપડા કાઢી આપતા જયદેવે પંચો રૂબરૂ તે કબ્જે કર્યો, જરૂરી નિવેદનો નોંધ્યા અને પછી આરોપી મુન્નાની તપાસ શરૂ  કરી પણ માંડવાળી ગામમાં તો મુન્નાને ઘરમાં કોઈ પ્રવેશ કરવા દે તેમજ ન હતુ, કોઈ શકયતા જ ન હતી. તેમ છતા જયદેવે ડેલાની આસપાસના પડોસીઓથી ડોસાના નજીકના સંબંધીઓ જે ગામોએ રહેતા હોય તેમના નામ સર નામા મેળવવા તજવીજ શરૂ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.