Abtak Media Google News

આયુર્વેદમાં વિશિષ્ટ કાર્યો માટે વૈદ્યજીને પદ્મશ્રીથી નવાજાયા

Padma Awards

મોરબી સમાચાર,

ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી કુલ 132 જેટલા લોકોને તેઓના વિશિષ્ટ કાર્યો બદલ પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના પણ છ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. વૈદ્ય દયાળજી પરમાર ટંકારા ગામના રહેવાસી છે અને તેઓએ આયુર્વેદ ક્ષેત્ર માટે કરેલ વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના ટંકારા ગામના રહેવાસી અને સામાન્ય દરજી પરિવારમાં વર્ષ 1934માં જન્મેલા વૈધ દયાળજી માવજીભાઈ પરમાર (દયાળજી મુની) એ જામનગર આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે અને આ સિવાય તેઓ અનેક પદ ભોગવી ચૂક્યા છે તેમજ આ દરમિયાન તેઓએ વર્ષોની મહેનત કરી ને આયુર્વેદ ક્ષેત્રમાં એક ક્રાંતિ કહી શકાય તે રીતે આયુર્વેદ ને લગતા પ્રાચીન ગ્રંથો નુ ગુજરાતીમાં અનુકરણ કરી ને આયુર્વેદ ક્ષેત્રને એક મોટી મદદ પૂરી પાડી છે તેમજ તેઓએ 55 જેટલા વિવિધ પુસ્તકો પણ લખ્યાં છે અને આયુર્વેદ કોલેજના ગ્રંથાલયમાં પણ તેઓના દ્વારા લખાયેલ (લેખક દયાળજી મુની)  પુસ્તકો હજુ પણ ખૂબ ઉપયોગી થઇ રહ્યા છે તેઓએ આતુર વિદ્યા,શલ્ય વિજ્ઞાન ભાગ 1 અને 2,વિદ્યોદય,શાલક્ય વિજ્ઞાન ભાગ 1 અને 2,કાય ચિકિત્સા ભાગ 1 થી 4,સ્વસ્થ વૃત ભાગ 1 -2,રોગ વિજ્ઞાન સહિત આઠ જેટલા આયુર્વેદ વિશ્વ વિદ્યાલય માન્યતા પ્રાપ્ત પુસ્તકો પણ લખ્યાં છે.

તેમજ ચાર વેદો ના 20397 સંસ્કૃત શ્લોકોનુ ગુજરાતીમાં અનુવાદ કરી ને પણ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે તેઓને વર્ષ 2008 માં રાજ્યપાલ નવલકિશોર શર્મા ના હસ્તે પણ આયુર્વેદ પુરષ્કાર ,2009 માં રાજકોટ ખાતે આયુર્વેદ રાષ્ટ્રીય સંમેલનમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર,2010 માં મુંબઇ ખાતે આર્ય સમાજ સંમેલનમાં આર્ય કર્મયોગી પુરસ્કાર,2011 માં ઇન્ટરનેશનલ આયુર્વેદ સંગઠન દ્વારા અને 2013 માં વાન પ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સિવાય પણ અનેક સન્માનો અને પુરસ્કારો તેઓએ પ્રાપ્ત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.