Abtak Media Google News

વી.વી.પી. કોલેજમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવે છે: દત્તાત્રેયજી

વી.વી.પી.ની રપ વર્ષની સુવર્ણગાથાને વર્ણવતું સ્મૃતિગ્રંથનું વિમોચન    વી.વી.પી. દ્વારા રજતજયંતિ મહોત્સવ પ્રસંગે રૂપીયા 30 લાખનું દાન

 

 

અબતક-રાજકોટ

ભારતની અદ્વિતીય સંસ્થા એવી વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠા વી.વી.પી. સંચાલિત વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજનો જાજરમાન રપ વર્ષ પૂર્ણ થવાનો રજત જયંતિ સમારોહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વી.વી.પી. જેના પાયા પર ઉભી છે તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજી ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જી. ટી. યુ. ના વાઈસ ચાન્સેલર ડો. નવિનભાઈ શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો.નિતીનભાઈ પેથાણી વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ હર્ષલભાઇ મણીઆર ડો.નરેન્દ્રભાઈ દવે કિશોરભાઈ ત્રિવેદી વી.વી.પી. ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર આર્કીટેકચર કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ હકીમુદિન ભારમલ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ નગર શ્રેષ્ઠીઓ આર. એસ. એસ. ના વિવિધ પદાધિકારી જયંતિભાઈ ભાડેસીયા-પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકમુકેશભાઈ મલકાણ-પ્રાંત સંઘચાલકજી ડો. જીતેન્દ્રભાઈ અમલાણી- રાજકોટ મહાનગર સંઘચાલકજી કિશોરભાઈ મુંગલપરા-પ્રાંત કાર્યવાહમહેશભાઈ જીવાણી-પ્રાંત  પ્રચારક  શિક્ષણ ઊક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો ઉદ્યોગપતિઓ પ્રબુધ્ધ નાગરીકો અને વી.વી.પી.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વી.વી.પી.ની રપ વર્ષની સુવર્ણગાથાને વર્ણવતું સ્મૃતિગ્રંથનું વિમોચન પણ થયું હતું.

ભારતનું મુખડું બદલવા વી.વી.પી કટિબદ્ધ – લલિતભાઈ મહેતા  ( મેનેજીંગ ટ્રસ્ટી,વી.વી.પી.)

વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભારતની સૂરત એટલું કે મુખડું બદલવા માટે વી.વી.પી. કટિબધ્ધ છે. આજે ભારત ગ્રીન હાઈડ્રોજન સોલાર એનર્જી વિન્ડ એનર્જી માટે અગ્રેસર બની રહ્યું છે અને તેમાં મુખ્ય રોલ રહેવાનો છે માત્ર અને માત્ર એન્જીનીયરોનો. આ એક મોટી ચેલેન્જ છે અને રીન્યૂએબલ એનર્જી યુકત ભારતનું જે સ્વપ્ન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોઈ રહ્યા છે તે ચોક્કસપણે સાકાર આ એન્જીનીયરો જ કરી શકશે અને આ માટે વી.વી.પી. પણ સતત ચિંતન કરી રહી છે.

ઈનોવેશન અને રીસર્ચ માટે શૈક્ષણિક સંસ્થાઓએ આગળ આવવું પડશે – ડો .નવિનભાઈ શેઠ  (    વાઈસ ચાન્સેલર , જી.ટી.યુ )

જી.ટી.યુ.ના વાઈસ ચાન્સેલર ડો. નવિનભાઈ શેઠે જણાવ્યું હતું કે રપ વર્ષ પહેલા સ્વ.પ્રવિણકાકા અને સાથી ટ્રસ્ટીઓએ ખૂબ મહેનત કરી આ સંસ્થાની સ્થાપના કરી. આ કોલેજ શ્રેષ્ઠ કેમ્પસ બન્યું. વિદ્યાર્થીઓને મોલ્ડ કરી શકે અને તેમની તકનીકી સ્કીલને ઓપ આપી શકે તેવી આ સંસ્થા છે. ઈનોવેશન અને રીસર્ચ માટે શૈક્ષણિક સંસ્થાઓએ આગળ આવવું પડશે. આપણા દૈનંદિન જીવનનની ચેલેન્જીસને આ યુવાધન આ યંગ એન્જીનીયર્સ પહોંચી વળે તેવી ક્ષમતા ધરાવે છે. આવા શુભકાર્યમાં આ સંસ્થા જોડાય અને આવી એક સરસ ઈકોસિસ્ટમ બને તેવી શુભકામનાઓ.

 

અમારે મન શિક્ષણ એ જ રાષ્ટ્રવાદ   કૌશિકભાઈ શુકલ ( ટ્રસ્ટી,વી.વી.પી.)

દીપપ્રાગટય દ્વારા વી.વી.પી.ની શિક્ષણ જયોત સેવા જયોત અને રાષ્ટ્ર જયોતની એક સુંદર ઝાંખી અને પ્રાર્થનાના ગાન બાદ વી.વી.પી.ના ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ સ્વાગત ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે અમારે મન શિક્ષણ એ જ રાષ્ટ્રવાદ. આજ સુધીમાં 10000થી પણ વધુ રાષ્ટ્રવાદ ધરાવતા એન્જીનીયર્સ અને આર્કીટેકચર વી.વી.પી.એ આપ્યા છે જેઓ સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે.લાખો રૂપિયાનું દાન શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને આપનાર એક માત્ર વી.વી.પી. છે.પાયામાં જેમનું યોગદાન છે તેવા સ્વ.પ્રવિણભાઈ મણીઆર સ્વ.ચંદ્રકાંતભાઈ પાવાગઢી સ્વ.સંજયભાઈ મણીઆરને પણ ભાવાંજલિ તેમણે આપી હતી.

વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણ માટે આ રોલમોડેલ કોલેજ –  ડો.નીતિનભાઈ પેથાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નિતીનભાઈ પેથાણી, જણાવ્યું હતું કે મને ગર્વ છે કે વી.વી.પી.ની સંસ્થા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાથે સંલગ્ન છે. વી.વી.પી.ના ગર્ભમાં ઘણી બાબતો સમાયેલી છે. અનેક બેસ્ટ એન્જીનીયરો અને બેસ્ટ આર્કીટેકચર વી.વી.પી.એ આપ્યા છે. આ કોલેજના પાયા 1996 નખાયા ત્યારથી ગુજરાતની અને ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કોલેજ છે. ટ્રસ્ટીઓ એકપણ પૈસાનું મહેનતાણું લેતા ન હોય તેવી સંસ્થા વી.વી.પી. જ હોઈ શકે. વ્યિકતનિર્માણ અને રાષ્ટ્રનિર્માણ માટે આ રોલમોડેલ કોલેજ અને રોલમોડેલ ટ્રસ્ટ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ થકી રાષ્ટ્રનિર્માણ  માટે આવી સંસ્થાઓ અગ્રેસર બને તેવી શુભકામનાઓ.

વી.વી.પી.ની રજતજયંતિ સમારોહના આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાત રાજયના ગવર્નરશ્રી મુખ્યમંત્રીશ્રી રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ના ચેરમેનશ્રી શૈલેષભાઈ ઠાકરે લેખિત શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશીકભાઈ શુકલ  ડો. સંજીવભાઈ ઓઝા હર્ષલભાઈ મણીઆર તેમજ ડો.નરેન્દ્રભાઈ દવે નિયામક કિશોરભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વી.વી.પી.ઈજનેરી કોલેજના પ્રન્સિપાલ ડો.જયેશભાઈ દેશકર તથા ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરના ઈન્ચાર્જ આચાર્યશ્રી હકીમુદીન ભારમલ તથા સમગ્ર પ્રાધ્યાપકગણ તથા કર્મચારીગણ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન મીકેનીકલ વિભાગના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડો.નિરવભાઈ મણીયારે કરેલ હતું.

આઝાદી પહેલાં દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરો હતાં પણ હવે યુવાનોએ દેશ માટે જીવવાનું છે – વિજયભાઈ રૂપાણી

 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રપ વર્ષ પૂર્ણ કરવા માટે વી.વી.પી.ને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. બાલ્યાવસ્થામાંથી કિશોર અવસ્થામાંથી પસાર થઈ આ સંસ્થા યુવાવસ્થામાં આગળ વધી રહી છે. રપ વર્ષમાં આ સંસ્થાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જયારે આપણા વિદ્યાર્થીને બહારના રાજયોમાં ભણવા જવું પડતું હતું તેવા સમયે વી.વી.પી.નો ઉદય થયો. આપણા રાજયનો વિદ્યાર્થી અહીં ગુજરાતમાં જ ભણે એ દ્રષ્ટિથી સરકારે આ માટેનું અભિયાન આરંભ્યું.  યુવાનોની શિકતનો ઉપયોગ રાષ્ટ્રઘડતરમાં થાય. આઝાદી પહેલાં દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરો હતાં પણ હવે યુવાનોએ દેશ માટે જીવવાનું છે. રાષ્ટ્રવાદ જગાવનાર અને શિક્ષણજગતને શોભે તેવી આ સંસ્થા છે. રાષ્ટ્ર માટે યુવાનોને તરબોળ કરીને દેશહિત સર્વોપરી માને છે. તેવી સંસ્થા વી.વી.પી. છે અને તેવા એન્જીનીયરો નિર્માણ કરે છે. ભારતમાતા ફરી જગતજનની બને તેવી ક્ષમતા વાળા એન્જીનીયરો આ કોલેજમાંથી નિર્માણ થાય તેવી હું શુભેચ્છાઓ પાઠવું છું.

આપણા દેશની પ્રાચીન શિક્ષા પદ્ઘતિમાં શ્રેષ્ઠ વ્યિકત નિર્માણ કરવાની તાકાત હતી અને હજું આજે પણ છે : દત્તાત્રેય હોસબોલેજી

આ પ્રસંગે સમારોહનાં મુખ્ય વકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો વી.વી.પી.ને અને આપ સૌને હાર્દીક અભિનંદન આ સંસ્થા શિક્ષણ જગતમાં ઉદાહરણ રૂપ છે. રાષ્ટ્રનિર્માણ પ્રબોધનનું કાર્ય કરીને આપ સૌ ઋષિરૂણને ચૂકાવી રહ્યા છો. આ પ્રસંગે સ્વ. આ. પ્રવિણકાકાને હું નમન કરું છું. ભારતની આઝાદીની સુવર્ણજયંતિ વખતે એટલે પચાસમાં વર્ષની શરૂઆતમાં આ સંસ્થાની શરૂઆત 1996માં થઈ અને આજે ભારત રાષ્ટ્રના આઝાદીના અમૃત મહોત્સવમાં આ સંસ્થા રજતજયંતિ ઉત્સવ ઉજવે છે તે ખૂબ મોટી વાત છે. આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશને 1પ લાખ રૂપિયા અને પુનરુત્થાન પ્રકાશન ટ્રસ્ટને 1પ લાખ રૂપિયા તેમ કુલ રૂપિયા 30 લાખનું શ્રીદાન અપાયું તે ઉત્તમ ઉદાહરણ છે કે સંસ્થાઓ કેવી હોવી જોઈએ.

સંસ્થાઓનો કાર્યકાળ દીર્ધ થાય તે માટે ટ્રસ્ટીઓનો દ્રષ્ટિકોણ  તેમની દીર્ઘદ્રષ્ટિ મહત્વની છે. સંસ્થા ચલાવવા પાછળ જે સંસ્કૃતિ છે જે આચરણ છે તે શ્રેષ્ઠ છે. મારા માટે સ્વલ્પ અને સમાજ માટે સર્વસ્વ આવા વિચાર સાથે ચાલવવાળી આ સંસ્થા છે. આ સંસ્થા 100 વર્ષ સુધી અને તદ્દઉપરાંત આગળ વધતી રહે તેવી મારી શુભકામના છે.ભારતની સર્વપ્રથમ એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરાવવા પાછળનું પ્રેરક બળ સ્વામી વિવેકાનંદ બન્યા.  તેમણે જમશેદજી ટાટાને પ્રેરણા આપી અને બેંગ્લુરૂમાં ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ સાયન્સની શરૂઆત થઈ. ભારતની તસ્વીર બદલાઈ રહી છે. ભારત આત્મનિર્ભર બનવા અગે્રસર થઈ રહ્યું છે. સમસ્યાને ઓળંગીને આગળ વધવું તેવો અને ચેતનાયુકત સમાજ તથા દેશ બનાવવા માટે યુવાનોને આગળ આવવું પડશે. આ પડકાર યુવાનો માટે છે. ભારતને વિશ્વગુરૂ તમે જ બનાવી શકશો. તમે જે રસ્તે જવા માંગો છો તેના માટેનો સમગ્ર જ્ઞાનભંડાર ભારત પાસે છે. યુવાનો સંકલ્પો કરે કે ભારતને આગળ અમે જ આગળ લઈ જશું. સમાજઋણને ચૂકવવાની જવાબદારી આપણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.