Abtak Media Google News

દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ..! રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન ભલે 24 કલાકમાં વાગનેર ગ્રુપનો બળવો શાંત કરવામાં સફળ રહ્યા હોય પરંતુ આ ઘટના પુતિનની રશિયાનાં ટોચના સ્થાને ટકી રહેવાની તાકાત ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે એ વાત નક્કી છે. વાગનેર ગ્રુપ ભલે રશિયાનાં સત્તાવાર સૈન્યનો ભાગ નથી, પરંતુ વાગનેર ગ્રુપના વડા યેવજેની પ્રિગોઝિન એક સમયનાં પુતિનનાં મિત્ર છે. જેમણે ગત ફેબ્રુઆરી-22 માં જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે યુક્રેનનાં વિવિધ વિસ્તારો ઉપર હુમલા કરી યુક્રેન સૈન્યનો કચ્ચરઘાણ વાળીને રશિયાને મદદ કરી હતી. આમ જનતા આજે પણ આ ગ્રુપને રશિયન સેનાનો એક ભાગ જ ગણે છે. તેથી જ શનિવારે જ્યારે પ્રિગોઝિને તેના ગ્રુપના ફૌજીઓને મોસ્કો ભણી કૂચ કરવાનું આહ્વાન કર્યુ ત્યારે લોકએ તેને લશ્કરી બળવો ગણાવ્યો હતો. ખેર હાલમાં ઘરમેળે સમાધાન થયું છે પરંતુ આ બળવાનું મૂળ જાણવું જરૂરી છે.

Advertisement

વાગનેર ગ્રુપ મૂળ તો 2014 માં ચર્ચામાં આવ્યું એવું કહી શકાય. જે શરૂઆતમાં ખાનગી કંપની જેવા ફોર્મેટમાં હતું અને જે કોઇ દેશને ખાસ કરીને રશિયાને કયાંય હુમલો કરવો હોય તો ભાડૂતી સેન્યના સ્વરૂપમાં મદદ કરવાનું કામ કરતું હતું. રશિયા-યુક્રેન વચ્ચે 2014-15 માં થયેલા જંગ વખતે આ ગ્રુપની ભૂમિકા નક્કી થઇ હતી. ત્યારબાદ જે કોઇ દેશમાં રશિયાને મદદની જરૂર પડે ત્યાં વાગનેરનાં ભાડૂતી સૈનિકો રશિયાની તરફેણમાં હુમલા કરતા અને રશિયન સૈન્યને મદદ કરતા હતા. આ ગ્રપે આફ્રિકા, લિબીયા, માલી તથા યુક્રેન સહિતનાં દેશોમાં રશિયાની તરફેણમાં હુમલા કરવાનું કામ કર્યુ છે.

આ હુમલામાં રશિયને સૈન્યને વાગનેરનાં ફૌજીઓને શસ્ત્રો અને દારૂગોળો પુરા પાડવાનાં રહેતા હતા. પ્રિગોઝિને અગાઉ વાયરલ કરેલા એક ઓડિયો સંદેશમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં તેમના ફૌજીઓને રશિયન સૈન્ય તરફથી શસ્ત્રો અને દારૂગોળાનો ટેકો મળતો નથી, અને રશિયન સૈન્યની જ્યાં કોઇ ક્ષમતા નથી એવા યુક્રેનનાં ડોનેસ્ક અને સોલેડર જેવા વિસ્તારોમાં વાગનેરના ફૌજીઓઐ બહાદુરી પૂર્વક યુધ્ધ કરીને વિજય મેળવ્યો હોવા છતાં રશિયન સૈન્યનાં વડા તેમને યશ આપવાને બદલે પોતે વિજય તાજ પહેરીને વાહ.. વાહ કરાવે છે. બખમુટને કબ્જે કરવા માટે રશિયન સૈન્ય તરફથી કોઇ સહકાર મળ્યો નહીં અને અન્ય સ્થળોઐ થયેલા રશિયન સૈન્યનાં હુમલામાં વાગનેર ગ્રુપનાં સૈનિકોનો ખાત્મો બોલાવાયો હોવાનો આરોપ પ્રિગોઝિને કર્યો છે.

કદાચ આજ કારણ છે જે ગત સપ્તાહે પ્રિગોઝિનને બળવાનું એલાન કરવા માટે મજબુર કરી ગયું અને પ્રિગોઝિને રશિયન મિલિટરીનાં વડાને અને જરૂર પડે તો પુતિનને ઉથલાવવાની જાહેર કરી દીધી હતી. આમ તો એવું કહેવાતું હતું કે વાગનેર ગ્રુપમાં 5000 ફૌજીઓ છૈ પરંતુ જાન્યુઆરી-23 માં ઇન્ગ્લેન્ડનાં સંરક્ષણ મંત્રાલયે એક અહેવાલમાં જણાવ્યું હતું કે વાગનેર ગ્રુપમાં હાલમાં 50000 સૈનિકો છે જે યુક્રેન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. યાદ રહે કે વાગનેર ગ્રુપ એક ખાનગી સૈન્ય એજન્સીના સ્વરૂપમાં હોવાથી તેને રશિયન સૈન્યને લાગતા કાયદાનું પાલન કરવાનું રહેતું નથી. તેમના માટે એક વિશેષ કાનુન એ છૈ કે તેમને રશિયામાં આવી અને હુમલા કરવાની પરવાનગી નથી.

આમછતા શનિવારે વાગનેરનાં સૈનિકોઐ રશિયામાં કૂચ કરીને હુમલા શરૂ કર્યા એટલે પુતિનની તાકાત સામે સવાલો શરૂ થયા હતા.  જો કે પ્રિગોઝિને આને બળવો નહીં પણ ન્યાય માટેની લડત જણાવી પોતે રશિયાની વિરૂધ્ધમાં ન હોવાના સંકેત પણ આપ્યા હતા. અહીં વાગનેરનાં વડાનો વાંધો યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકો સામે નથી પણ યુધ્ધ ઉપર ક્ધટ્રોલ કરી રહેલા ડિફેન્સ મિનીસ્ટર અને રશિયન લશ્કરી વડા સામે છે.

હા, આ કહેવાતો બળવો હાલમાં તો શાંત થયો છે, પણ તેના મૂળ એવા સંકેત આપે છે કે સંજોગો બહુ જ નાજુક છે. કારણ કે પ્રિગોઝિન પુતિનનાં જ મિત્ર હોવા છતાં, અને એક રીતે વાગનેર પુતિનનું ખાનગી સૈન્ય હોવાછતાં આ ખટરાગ ઉભો થયો છે. હાલમાં રશિયા આર્થિક અને લશ્કરી મોરચે સમગ્ર યુરોપ સહિતનાં સંખ્યાબંધ દેશો સાથે બાથ ભિડી રહ્યું છે. એવા સંજોગોમાં તેનું જ કહેવાતું ખાનગી સૈન્ય આડું ચાલે તો સફળતા ક્યાંથી મળે? હવે રશિયા યુક્રેન યુધ્ધને અધવચ્ચે પડતું મુકી શકે તેમ નથી, ભારત અને ચીન સહિતનાં એશિયન દેશોને ઉંચા ભાવે ક્રુડતેલ વેચી શકે તેમ નથી, અન્ય કોઇ નિકાસનાં સાધનો નથી. તેથી પુતિનને બહુ ગણતરી પૂર્વક આગળ વધવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.