Abtak Media Google News

કોર્પોરેશનના પ્લોટ અને સાર્વજનિક પ્લોટમાં ઠલવાતો કચરો: મનપા તંત્ર લાચાર

શહેરનાં વોર્ડ નં.૩માં સંતોષીનગર, પોપટપરા, રૂખડિયાપરા સહિતના વિસ્તારો તેમજ ખુલ્લા પ્લોટો તેમજ મનપાના સાર્વજનિક પ્લોટોમાં તેમજ વિસ્તારમાંથી પસાર થતા વોકળાઓમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળે છે. અનેક ફરિયાદો છતાં મનપાનું સફાઈ તંત્ર કયારેક વીઆઈપીઓની સેવામાં વ્યસ્ત તો કયાંક મેળાઓમાં મસ્ત બન્યું છે. શહેરમાં રોગચાળો દિવસે-દિવસે વધતો જાય છે પરંતુ તંત્ર સફાઈ બાબતે ભયંકર લાપરવાહી દાખવી રહ્યું છે તે લોકોના જાનને જોખમમાં મુકી રહ્યું છે. શહેરની મોટી હોટલો તેમજ ખાનગી ધંધાવાળાઓ પોતાની ધંધાના સ્થળે નિકળતો કચરો નજીકના વોંકળાઓમાં સાર્વજનિક પ્લોટોમાં કે આજી નદીના અવાવરું રોડ-રસ્તા ઉપર ફેંકી જતા હોય છે.

Advertisement

શહેરનાં વોર્ડ નં.૩માં આવેલ પોપટપરા જેલની પાછળનાં રોડ ઉપર જુની માઉન્ટેન પોલીસલાઈન નજીક મામા સાહેબની જગ્યા પાસે પોપટપરા જેલમાંથી નીકળતો એઠવાડ સહિતનો બધો જ કચરો ટ્રેકટરો ભરી આ જાહેર રોડના કિનારે ઠલવવામાં આવે છે. જેમાંથી ભયંકર દુર્ગંધ આવે છે.

રાહદારીઓને તેમજ આજુબાજુમાં વસવાટ કરતા લોકોનું જનઆરોગ્ય જોખમાય છે ત્યારે મનપાના તંત્રને આ બાબતે રજુઆત કરવા છતાં જેલ સતાવાળાઓ સામે કોઈ જ કાર્યવાહી કરી શકતું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રકારના લોકોના જન આરોગ્યને જોખમાતા કાર્યને તાત્કાલિક રોકી પગલાઓ ભરવામાં આવે તેમજ વોર્ડ નં.૩ના પછાત વિસ્તારોમાંથી તાત્કાલિક ધોરણે કચરાના ઢગલાઓ ઉપાડી વોકળાઓની પણ સફાઈ કરવામાં આવે એ અંગે કમિશનરને વિસ્તારનાં જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.