Abtak Media Google News

કચ્છના નાના રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા 98 % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે.

વધુમાં રણમાં ગરીબ અગરિયા પરિવારો પાસે 20 દિવસે એક વખત મળતા પીવાના પાણીના સંગ્રહની કોઇ વ્યવસ્થા ન હોવાથી એમને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે એ પણ નરી વાસ્તવિકતા છે. બીજી બાજુ વેરાન રણમાં દર વર્ષે શિયાળામાં 5 ડીગ્રી અને આકરા ઉનાળામાં ગરમીનો પારો 50 ડીગ્રી સુધી પહોંચી જાય છે. આથી રણમાંથી ઘરે આવતા સમયે રણનો અગરિયો ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને ઘેર આવે છે. જેથી એને નવી સીઝનમાં મીઠું પકવવા જાય ત્યારે પીવાના પાણીની તકલીફ ના પડે.

હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આથી ગુજરાતનો છેવાડાનો માનવી ગણાતો ગરીબ અને પછાત અગરિયો આજેય રણમાં રસ્તા, પાણી અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજેય 18મી સદીમાં જીવતા હોય એવો ગોઝારો ઘાટ જોવા મળી રહ્યો છે.

પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. રણમાં 46 ડીગ્રીની કાળઝાળ ગરમીમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.

આ અંગે રણમાં પાણીના ટેન્કર ચલાવતા કોન્ટ્રાક્ટર ગોવિંદભાઇએ જણાવ્યું કે, અમને હજી ગયા વર્ષના બે બિલના નાણા ચુકવાયા નથી અને આ વર્ષે નવુ સોફ્ટવેર આવતા બિલની જૂના સોફ્ટવેરમાં એન્ટ્રી કરી હતી. એ ફરી નવા સોફ્ટવેરમાં કરાવવાનું જણાવાયું હતુ. પરંત નવુ સોફ્ટવેર ચાલુ ન થતાં એન્ટ્રી થઇ ન શકતા હજી અમને પેમેન્ટ ન ચૂકવતા હવે અમે રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી પુરૂ પાડી શકવા અસમર્થ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.