Abtak Media Google News

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી  વરસાદ પડશે

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી  આપવામાં આવી છે. આજે સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં  પલટો જોવા  મળ્યો હતો  અનેક સ્થળોએ સવારના સમયે સામાન્ય  છાંટા પડયા હતા ચોમાસુ  શરૂ થતા પૂર્વે જે પ્રકારના બફારાનો અહેસાસ  થાય છે.  તેવો બફારો  લોકો અનુભવી રહ્યા છે.

માર્ચ મહિનામાં સતત ત્રીજીવાર  વાતાવરણમાં પલટો આવ્યો છે. અને માવઠાનો માર જગતાતને સહન  કરવો પડયો છે. બુધવારથી સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની  આગાહી  આપવામાં આવી હતી આજે  અમદાવાદ,  ગાંધીનગર,અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા બોટાદ અને કચ્છ જિલ્લામાં વરસાદની  સંભાવના  વ્યકત કરવામાં આવી છે.

આગામી 24 કલાક દરમિયાન  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે  રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં સામાન્ય છાંટા પડયા હતા.  અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે.રાજકોટમાં ગઈકાલ બપોર બાદ  વાતાવરણમાં પલટો  જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો  છવાયેલા છે.

આવતીકાલે સુરત,  ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં  વરસાદની  સંભાવના  વ્યકત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં આ વખતે ત્રણ ત્રણ વાર માવઠા પડયા છે. હોળી ધુળેટીના તહેવારોમાં કમોસમી વરસાદ પડયા બાદ ગત સપ્તાહે સળંગ  વરસાદ  વરસ્યો હતો. આગામી ત્રણ દિવસ  વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન એપ્રિલ માસમાં પણ માવઠાનો માર યથાવત રહેશે મે માસમાં પણ ચારથી   પાંચ માવઠા પડશે.

રાજયમાં  સતત વરસી રહેલા  કમોસમી વરસાદના  કારણે ખેડુતોને પારાવાર નુકશાની થવા પામી છે. રાજયના 16 જિલ્લાઓમાં હાલ માવઠાથી ખેતીના પાકને થયેલી નુકશાનીનો સર્વે ચાલી રહ્યો છે. રાજય સરકાર દ્વારા  ખેડુતોને  સહાય ચૂકવવાની સતાવાર જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.