Abtak Media Google News

જળ સંચયમાં રૂચિ ધરાવતા લોકોએ મોબાઇલ નંબર 98244 07839 ઉપર સંપર્ક કરવા પદાધિકારીઓની અપીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 22 માર્ચે “વર્લ્ડ વોટર ડે” અંતર્ગત જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનાર યોજાશે. જેમાં જમીનના તળ ઊંચા આવે અને વધુમાં વધુ લોકો વોટર રીચાર્જ કરે તે માટે તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન અને વિચાર વિમર્શ કરાશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્થાયી સમિતિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડએ જણાવ્યું છે કે શહેરનો દિન પ્રતિદિન વિસ્તાર થાય છે અને વસ્તીમાં વધારો થાય છે. શહેરીજનોને પીવાના પાણી માટે આજી, ન્યારી અને ભાદર જળાશયો ઉપલબ્ધ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ આજી અને ન્યારીને જોડેલ છે. સૌની યોજના મારફત પાણીની જરૂરત મુજબ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવેલ છે. વિશેષમાં, કલાઈમેન્ટ ચેઈન્જ તેમજ વિસ્તાર અને વસ્તીના વધવાના કારણે જમીનના તળ ખુબ જ નીચા ગયેલ છે.

જેના કારણે ઉનાળામાં પાણીની સમસ્યા રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ જળદિવસ અંતર્ગત આગામી બુધવારે સવારે 10:15 કલાકે રાજકોટ એન્જીનીયરીંગ એસો. ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનારમાં જળસંચયના વિષયના નિષ્ણાંત, અનુભવી લોકો, રાજકોટના એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ, રાજકોટ સેલ્ફ ફાઈનાન્સ શાળા મંડળ, રાજકોટ બિલ્ડર એશોસિયન, રાજકોટ આર્કિટેક્ટ એશોસિયન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડીઝાઇન, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ વગેરેના હોદેદારો ઉપસ્થિત રહેશે.

શહેરના જે નાગરિકો જળસંચયના વિષયમાં કામગીરી કરી રહ્યા હોય તેમજ આવા કાર્યમાં રૂચી ધરાવતા હોય તેઓ જળસંચયની કાર્યવાહીની માહિતીના આદાન પ્રદાન પણ થનાર છે. સેમિનારમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડના મો.નં.98244 07839 પર સંપર્ક કરવા અને તેઓએ તેમની માહિતી વોટ્સએપ માધ્યમથી મોકલી આપવા અપીલ કરવામાં આવેલ છે. જળસંચય વિષયને ઝુંબેશના સ્વરૂપમાં સૌ સાથે મળીને કાર્ય કરશે તો તેનું ચોક્કસ પરિણામ મળશે. જેથી શહેરની પાણીની સમસ્યામાં સૌ સહભાગી બનીએ. સંબંધિત લોકોને સેમિનારમાં જોડાવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.