Abtak Media Google News

યુનેસ્કોના ર૧મી સદીના શિક્ષણ માટેના અહેવાલ ધ ટ્રેઝર વિધિન (Learning The Treasure Within)માં જેનાં મૂળ સંસ્કૃતિમાં હોય અને જે વિકાસને વરેલું હોય તેવા શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજી એવા શિક્ષણની જ હિમાયત કરતા હતા. તેમણે એવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો કે, જીવનનાં સમાજીક, સાંસ્કૃતિક અને આર્થિક પર્યાવરણમાં અખંડ સાતત્ય રહે અને જેની નેમ સંસ્કારિતા તથા ભારતીયતાનો વારસો જળવાઇ રહે એવા ઘ્યેયનું શિક્ષણ જ આપણા સમાજે તથા દેશે અપનાવવું જોઇએ. પીઢ કેળવણીકારો એવું કહે છે કે જે રાષ્ટ્રો ધનવાન  થયા છે તે પહેલા વિદ્યાવાન બન્યા છે એ ભૂલવા જેવું નથી. શિક્ષણનું ઘ્યેય તો સંસ્કૃત વિશ્ર્વ રચવાનું છે.

શિક્ષણ જ્ઞાન પ્રદાન કરે છે અને કૌશલ્યો વિકસાવે છે. તેમ જ મૂલ્યો અને વલણોનું ઘડતર કરે છે. શિક્ષણ સભ્ય સમાજની પ્રગતિનો પ્રાણ છે. શિક્ષણ એ માનવ-સંશાધન- નિર્માણ માટે અગત્યનો નિવેશ છે જ તે સર્વમાન્ય છે. રાષ્ટ્રની માથાદીઠ આવકના ઊંચા વૃઘ્ધિદર માટે પણ ભૌતિક મૂડી કરતાં પણ માનવમૂડી ચાવીરુપ છે તે હવે સૌ કોઇ સ્વીકારે છે.

ભારતમાં મોટાભાટે શિક્ષણના ક્ષેત્રની અવગણના થતી રહી છે. માહીતીના આ યુગમાં જયા જ્ઞાન, સંશોધન, સર્જનાત્મકતા અને નવવિચાર એ અગ્રિમ રહેશે એવા સમયે આ અવગણના ભારત માટે હાનિકારક અને વિનાશક બની રહેશે. જ્ઞાનમૂલક સમાજનું સર્જન કરવા માટેનું શિક્ષણ ભારતને વિશ્ર્વનાં રાષ્ટ્રોમાં એક અગ્રસ્થાન અપાવશે. અત્યારે આ સમય નાના મોટા સુધારા નહિ પણ ક્રાંતિ માગી લે છે. અત્યારના સમયની માંગ છીછરા અને કામચલાઉ અખતરા નહિ પણ હિંમતભર્યા પગલાં લેવાય ભાગ્યે પણ સાહસિકને જ વરે છે.

આઝાદી પછીના સમયગાળામાં શાળાકીય શિક્ષણમાં નોંધપાત્ર ફેરફાર થયા નથી. છેલ્લી અર્ધી સદીમાં દેશની વસ્તીમાં ત્રણ ગણો વધારો થયો છે અને ખુબ જ મોટી સંખ્યામાં વિઘાર્થીઓ શાળામાં દાખલ થાય છે. પરિણામે શાળા, વ્યવસ્થા માટે દબાણ હેઠળ આવી ગઇ છે. આની ખાસ અસર શાળાના નાણાકીય, માનવ સંસાધન અને ભૌતિક સુવિધાઓ ઉપર પડી છે. ચૌદ વર્ષ સુધીનાં બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાના રાષ્ટ્રના નિર્ધારથી રાષ્ટ્ર ઉપર વધારાનો બોજો આવ્યો છે.

આજનું શિક્ષણ એ માત્ર માહીતી આપતું શિક્ષણ નથી, પરંતુ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ વિદ્યાર્થીને શીખતા કરવાનો છે. અથવા તો એ માટે પ્રેરવાનો છે અને આ ઉદ્દેશ ત્યારે જ સિઘ્ધ થઇ શકે જયારે વિઘાર્થી આપમેળે શિક્ષણમાં જોડાય. આધુનિક સંશોધનો પ્રવૃત્તિમય શિક્ષણની હિમાયત આ માટે જ કરે છે. આથી પાઠનું આયોજન કરતી વખતે વિષયવસ્તુને અનુરુપ કેવી કેવી પ્રવૃત્તિઓ વિઘાર્થીઓને સોંપી શકાય તેની નોંધ નોંધપોથીમાં કરવી જોઇએ. આ ઉપરાંત આ પ્રવૃતિઓ માટેની સાધન સામગ્રી તેમ જ સમજૂતિમાં સહાયક બને તેવી અન્ય સાધનસામગ્રીની યાદી પણ નોંધપોથીમાં હોવી જોઇએ. વર્ગમાં કરાવવાની પ્રવૃતિઓ નોંધતી વખતે વિઘાર્થીની વય, બુઘ્ધિકક્ષા, રસ તેમ જ વિષયવસ્તુ સાથે પ્રવૃતિની સંગતતા જેવી બાબતો ખાસ ઘ્યાનમાં રાખવી જોઇએ. જેથી પ્રવૃત્તિ માત્ર ગમ્મત બની ન જાય.

એ જ રીતે આપણે શિક્ષકો પરિવર્તનના પથદર્શકો છે. એ સાબિત કરી શકીએ છીએ, જો ભારત બચશે તો સમગ્ર વિશ્ર્વ બચી શકશે. કેમ કે વિશ્વને આઘ્યાત્મિક સંસ્કૃતિમાં લઇ જવાનું ભારતનું કાર્ય છે. વિશ્ર્વને બચાવવા માટે ભારતને બચાવવું જ પડશે. ભારતના નાગરીકો પ્રબુઘ્ધ નાગરીકો ત્યારે જ બને જયારે તેમને વિઘાર્થીકાળમાં યોગ્ય માર્ગોદર્શન મળ્યું હોય, એ કાર્ય તો શિક્ષકો જ કરી શકે શ્રી નાનાી પાલખીવાળા કહે છે કે પ્રબુઘ્ધ નાગરીકો ફેકટરીઓમાં ઉત્પન્ન કરી શકાતા નથી. તેઓ શિક્ષણ દ્વારા તૈયાર થાય છે. આ રીતે શિક્ષક ભાઇ-બહેનો તો પથપ્રદર્શન છે, સમગ્ર રાષ્ટ્રના અને વિશ્ર્વનાં પરિવર્તનોના જયોતિંઘર છે.

ભારતીય સમાજ છસ્સો વર્ષ જેટલા લાંબો સમય વિદેશી ગુલામી નીચે રહ્યો તેથી પરલોકપ્રિય અને સમાજધર્મની ઉપેક્ષા કરનારો બન્યો છે. વ્યકિતગત રીતે ભલા-દયાળુ પણ સમાજ ધર્મ અંગે બેદરકાર નાગરીકો સાથે આપણે લોકશાહી રાજયરચના લાવ્યા છીએ. કોઇપણ રાષ્ટ્ર આવી મર્યાદાથી ન ટકી શકે, ન વિકસી શકે, આ માટેનું નવું માનસ કેળવવું જરુરી છે નવો યુગ નવું માનસ માગે છે.

રેનેસાં પછી યુરોપ અંધકારયુગમાંથી બહાર આવ્યો. જુના યુગમાંથી તેનું પુનજાગરણ થયું. નવા યુગનું પ્રધાન સૂત્ર બન્યું સર્વ વસ્તુનું માપ મનુષ્ય  છે. ભારતવર્ષમાં મહાભારતે પાંચ હજાર વર્ષ પહેલા આવો જ ભવ્ય વિચાર આપ્યો હતો, નહિ મનુષ્યાત શ્રેષ્ઠતર હિ કિચિત ! પરંતુ એ ભુલાઇ ગયો, યુરોપે આ ભવ્ય વિચારને અમલમાં મૂકયો જીવનના તમામ ક્ષેત્રોનો આ માપદંડ ગણાયો.

ભારતીય સમાજમાં રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોરે અને ગાંધીજીના ભવ્ય પુરુષાર્થને કારણે થોડી જાગૃતિ આવી પરંતુ એક પ્રજા તરીકે આ મૂલ્ય આપણા માનસનો અનિવાર્ય ભાગ બન્યું નથી. એટલે સ્વરાજની અર્ધી સદી પછીય જાણે કે આપણે પારોઠના પગલા ભરતા હોઇએ તે સ્થિતિ ચારેબાજુ જોવા મળે છે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, માનવ-જીવનમાં ખરેખરી સમૃઘ્ધિ અને સંપત્તિ વિદ્યા અને કેળવણી દ્વારા જ પ્રાપ્ત થાય છે.નેપોલિયને એક સમયે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે, ‘તમે મને એક સો આદર્શ માતાઓ આપો, હું તમને તમાર દેશની, એટલે કે ફ્રાન્સની) આઝાદી આપીશ’ અને આદર્શ માતાઓ સાર અને સાચા શિક્ષણ દ્વારા તથા ઉમદા અઘ્યાપકો દ્વારા જ સંપ્રાપ્ત થાય છે.

અધયાપક માટે તેના વિદ્યાર્થીઓ એ જ તેની ઉપાસનાની મુર્તિ છે તેમની સેવાએ એની પૂજા છે. એમનો વિકાસ એ તેનો પ્રસાદ છે. એમનું અધ:પતન એ તેમનું નરક છે. અને એમના ચારિત્ર્યની દઢતા એ જ એમનું સ્વર્ગ છે. દુર્બળ લોકોને મોળા પડતા રોકે ને શુર ચઢાવે તે અઘ્યાપક છે અને આવા અઘ્યાપકો દ્વારા સંપ્રાપ્ત થતું શિક્ષણ તથા વિદ્યા જ એમને સાચા અર્થમાં ધનવાન બનાવે છે.

ગુ‚એ શિષ્યમાં જ્ઞાન રેડવાનું નથી. શિષ્યની બુઘ્ધિ એ કોઇ વાસણ નથી, તે એક કમળ છે સૂર્યની પેઠે દૂરથી જ પોતાના પ્રખર સૌમ્ય કારણોથી તેનો વિકાસ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિદ્યાનંદ અને સેવાનંદનો સ્વાદ ચખાડવો અને આદર્શ પાછળ ગાંડા થવામાં જ જીવનની સફળતા છે તે સમજાવી દેવું એ શિક્ષકનો આનંદ છે. વિદ્યાવાન રાષ્ટ્રો ધનવાન બની શકયા, તે આ રીતે જ બની શકયા છે.

અજ્ઞાન સામે, અન્યાય સામે, અત્યાચાર સામે ધીમું પણ પ્રખર યુઘ્ધ ચલાવવું એ કેળવણીકારોનો સ્વધર્મ છે. સાચો કેળવણીકાર જ સમાજનો અગ્રેસર વિચારક હોય છે, આચારવીર હોય છે હ્રદયપલટો કરાવવો અને એને માટે અખૂટ ધીરજ રાખવી એ એક જ શસ્ત્ર એની પાસે છે આ શસ્ત્ર માનવ સમાજને અને દેશને સાચા અર્થમાં ધનવાન બનાવે છે, એ ભૂલવાં જેવું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.