Abtak Media Google News

Table of Contents

સિંદૂરની સાથે મંગલસૂત્ર પહેરવું એ સુહાગિનીની નિશાની છે: સ્ત્રીઓના માથાનો આ ભાગ સંવેદનશીલ છે, અને તે જગ્યાએ સેથો કરવાથી તણાવ ઓછો થાય છે: આ ભાગે એક વિશેષ ગ્રંથી હોય છે જેને શાસ્ત્રોમાં ‘બ્રહ્મારંધ્ર’ કહેવાયું છે

પૌરાણિક કથાઓમાં સિંદૂર લાલ રંગના માધ્યમથી માતા સિતા અને પાર્વતીનું ઉર્જાસ્થાન મનાય છે: શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીનો પૃથ્વી પર પાંચ જગ્યાએ વાસ છે જેમાં પ્રથમસ્થાન સ્ત્રીનું માથું છે

નારીના સૌભાગ્યના પ્રતિક સમા સિંદૂર-સેથાનું મહત્વ 21મી સદીમાં વધી રહ્યું છે, જેમાં ટેલીવુડ, બોલીવુડનો વિશેષ ફાળો છે. ખરેખર તો તેના વૈજ્ઞાનિક અભિગમને સમજવાની જરૂર છે.

“એક ચૂટકી સિંદૂર કી કિંમત તુ ક્યા જાને” આ ફિલ્મ ડાયલોગ બહુજ પ્રચલિત થયો હતો. ફિલ્મોમાં હિરો-હિરોઇનને આ વિધી કરાવતા બતાવે છે. જૂના ફિલ્મ કે નવા ફિલ્મ હોય આજે પણ આવા દ્રશ્યો જોવા મળે છે જ.

આપણાં પૌરાણિક શાસ્ત્રો-ધર્મગ્રંથો કે તહેવારો, વ્રતોમાં કોઇ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ જોડાયેલ છે. સામુહિક શાસ્ત્રોમાં અભાગિની સ્ત્રીના દોષ નિવારણ માટે માથામાં સિંદૂર લગાવવાની સલાહ અપાય હતી. અમુક આપણી પરંપરા છે જે આજે પણ ચાલુ છે. આ અંગેના વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો માથા પર બરોબર વચ્ચે પાથીને સ્થાને સિંદૂર કેમ, કપાળે ચાંદલો કેમ? શરીર રચનાની દ્રષ્ટિએ સેથાના સ્થાને એક ખાસ પ્રકારની ગ્રંથી હોય છે જેને બ્રહ્મારંધ્ર કહેવાય છે. ઉપરાંત સ્ત્રીના માથાનો આ ભાગ સંવેદનશીલ હોય છે. આ જગ્યાએ સેથો પૂરવાથી તણાવ ઓછો થાય અને મગજ સાથે જોડાયેલી બિમારીઓની સંભાવના ઘટી જાય છે, કેમ કે સિંદૂરમાં પારા નામની ધાતુ પણ હોય છે.

પૌરાણિક કથાઓમાં સિંદૂર લાલ રંગના માધ્યમથી માતા સીતા અને પાર્વતીનું ઉર્જાનું સ્થાન મનાય છે. આ કરવાથી પાર્વતી માતા અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. સિંદૂર સાથે મંગલસુત્ર પણ મહિલાઓની સુહાગની નિશાની માનવામાં આવે છે. આ પ્રથાનો શાસ્ત્રોત ઉલ્લેખ જોવા મળે છે. લોક વાયકા મુજબ ખોટો સેથો કરવો એ પતિ માટે દુર્ભાગ્ય લાવે છે. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓના માથા પર સિંદૂર કે સેથો કરવો તે વિવાહીત અને સૌભાગ્યની નિશાની છે. વિવાહના સ્ત્રીના 16 શણગારો પૈકી એક સિંદૂર છે જે તેની અખંડ વિવાહિત હોવાની નિશાની છે.

શાસ્ત્રો અને લોકવાયકાના જણાવ્યા મુજબ સેથો આડા-અવળો કે વાળમાં છૂપાયેલો ન હોવો જોઇએ. શાસ્ત્રોના પ્રમાણ મુજબ માથું છે તેથી ત્યાં સિંદૂર લગાવવાથી શાંતિને સુખ રહે તે માટે આ આપણી પૌરાણિક યુગથી ચાલતી ધર્મ પરંપરા છે. જો કે આજે નવા જમાનામાં તો સેથો કે ચાંદલો જ નથી કરતાં. પરંતુ આપણા શાસ્ત્રો જણાવે છે કે દિવાળી જેવા તહેવારે પતિ પોતાની પત્નીના માથા પર સિંદૂર લગાવે છે. અમુક રાજ્યોમાં આ પરંપરા આજે પણ જળવાય છે.

સિંદૂરમાં પારો હોવાથી તે ચામડી માટે ગુણકારી છે, ચામડી પર કરચલી નથી પડતી. આપણાં ધર્મમાં આદીકાળથી આ પ્રથા ચાલી આવી છે. મહાભારત, રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે. જેમાં સિતા માતા રોજ સિંદૂર લગાવતા જેને જોઇને હનુમાનજી એમને પૂછે છે કે આમ કેમ કરો છો ત્યારે માતા સિતા જવાબમાં ભગવાન રામને પ્રસન્નતાની વાત કરતાં હનુમાનજી પણ લગાડે છે. કદાચ એને કારણે જ આપણે તેના પર સિંદૂર ચડાવીએ છીએ આ વાત શાસ્ત્રોમાં ને લોકવાયકા પણ છે.

આપણે આદિમાનવ હતા ત્યારે આવી કોઇ પરંપરા હતી નહીં ત્યારે રિવાજો હશે પણ કુંટુંબપ્રથા શરૂ થઇને પરિવારના નિયમો બન્યાને ધર્મ સાથે જોડાયા હતા. ઋષિમુનિઓ દ્વારા ધીમેધીમે આપણાં હિન્દુધર્મમાં ઘણા સંસ્કારો-નિયમો બન્યા હતાં. આમેય સ્ત્રીના જીવનમાં સિંદૂર માત્ર ધાર્મિક નહીં વૈજ્ઞાનિક પણ મહત્વ છે. તેના જીવનનાં નવા અધ્યાયનું, મહત્વના તબક્કાનું, જવાબદારીનું પણ પ્રતિક છે. સેથો સ્ત્રીના સૌભાગ્યની નિશાની છે. રાધા-કૃષ્ણ, દેવ-દેવીઓ કે આજની ટીવી સિરિયલોની નાયિકાના શૃંગારમાં સેથાને મહત્વ અપાયું છે.

મહાભારતમાં પણ દ્રૌપદીએ ચિરહરણ સમયે ક્રોધે ભરાઇને પોતાના કપાળે લગાડેલ સિંદૂર ભૂંસી નાખે છે. સેથો એ સૌભાગ્યસૂચક છે સાથે તે શક્તિની દેવી પાર્વતીનું પ્રતિક છે. પ્રાચીનકાળમાં ફૂલોની માળા સાથે સાંજ શણગારમાં સેથો પૂરવાનો રિવાજ હતો.

સોળ શૃંગારમાં ચાંદલો, સિંદૂર અને કાજલ સહિતની વસ્તુનું મહત્વ

ઋગવેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શણગારનું વર્ણન કરાયું છે. આ શણગાર વસ્તુ પહેરવી શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શણગારનું વિશેષ મહત્વ છે. તેના ધાર્મિક મહત્વ સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ શણગારમાં ચાંદલો, સિંદૂર, કાજલ અને મંગલસૂત્ર જેવી વસ્તુઓનો સમાવેશ કરાયો છે. શણગાર સ્ત્રીઓ માટે સૌથી મહત્વની વસ્તુ છે.

કપાળે ચાંદલો કે બિંદી કરવાથી સ્ત્રીઓમાં એકાગ્રતા વધે છે. સિંદૂર લગાવવાથી મગજની નશો નિયંત્રણમાં રહે અને શરીરનું તાપમાન નિયંત્રિત કરીને શરીરને ઠંડક આપે છે. કાજલથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આંખોની સુંદરતામાં પણ કાજલ (આંજણ) વધારો કરે છે. સ્ત્રીના શણગારમાં  મહેંદી, પાનેતર, ફૂલગજરો, ટીકો, નથણી, કાનની બૂંટી, બાજુબંધ, બંગડી, વીંટી, કંદોરો, વીછિયા, પાયલ અને મંગલસૂત્ર જેવા વસ્તુઓ સોળ શણગારમાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.