Abtak Media Google News

રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસનના ભણકારા?

રાજયપાલ મિશ્રાએ પોતાની સુરક્ષા મુદે સરકાર પર પ્રહારો કરતા સત્તાની લડાઈ રાજભવનમાં લઈ જવાનું ગેહલોતને ભારે પડે તેવી સંભાવના

રાજસ્થાનમાં છેલ્લા થોડા સમયથી ચાલતુ રાજકીય ધમાસાણ ગઈકાલે રાજભવનમાં પહોચી જવા પામ્યું હતુ કોંગ્રેસની ગેહલોત સરકાર સામે બળવો પોકારનારા પાયલોટ જૂથને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત સોમવારે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ સાથે પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથષ રાજભવનમાં ઘસી ગયા હતા. રાજયપાલ કલરાજ મિશ્રે આ માંગ અંગે કાયદાકીય સલાહ બાદ નિર્ણયલેવાશે તેમ જણાવતા ગેહલોતના ટેકેદાર ધારાસભ્યો રાજભવનમાં નસત્તાગ્રહથ માટે સત્યાગ્રહ પર બેસી ગયા હતા મોડી સાંજે સત્યાગ્રહ સંકેલીને ફરી હોટલમાં રવાના થયા હતા. જે બાદ ગેહલોત સરકારન રાત્રે કેબીનેટ બેઠક મળી હતી. જેમાં વિધાનસભાનું સત્ર સોમવારે બોલાવવાનો ઠરાવ પસાર કરાયો હતો.

દરમ્યાન રાજયપાલ મિશ્રાએ ગેહલોત જુથના ધારાસભ્યોના દબાણ લાવવાના પ્રયાસને વખોડી કાઢ્યો હતો. રાજયપાલના વણલથી રાષ્ટ્રપતિ શાસન ભણકારા વાગી રહ્યા હોય બંધારણ અને કોર્ટ વચ્ચે અટવાયેલી ગેહલોત સરકારનું ભાવિ ધુંધળુ બની રહ્યાનું રાજકીય પંડીતોનું માનવું છે.

રાજસ્થાનમાં રાજકીય ડ્રામાનો હાલ કોઈ અંત દેખાઈ રહ્યો નથી. પાયલટ જૂથના બળવા પછી રાજસ્થાન કોંગ્રેસમાં એક સપ્તાહ અગાઉ શરૂ થયેલો ખેલ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ પછી હવે રાજભવન પહોંચ્યો હતો. વિધાનસભા સત્ર બોલાવવાની માગ સાથે અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજભવન ખાતે સાંજે સુધી ધરણાં કર્યા હતા. જોકે, કોંગ્રેસના ધરણાંને રાજ્યપાલ કલરાજ મિશ્રએ દબાણની રાજનીતિ ગણાવીને કહ્યું કે રાજસૃથાનમાં રાજ્યપાલની સલામતીની જ કોઈ ખાતરી નથી. રાજ્યપાલે ઉમેર્યું કે બંધારણથી ઉપર કોઈ નથી. કોઈપણ પ્રકારની દબાણનું રાજકારણ ન થવું જોઈએ. અગાઉ રાજ્યપાલે બંધારણીય મૂલ્યોના આધારે વિધાનસભા સત્ર બોલાવવા અંગે નિર્ણય લેવાની ખાતરી આપ્યા પછી ગેહલોત જૂથના ધારાસભ્યો રાજભવનથી હોટેલ પાછા ફર્યા હતા. જોકે, કોંગ્રેસે આજે આખા રાજસ્થાનમાં ભાજપના વિરોધમાં દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે બહુમતીનો દાવો કરતાં વિધાનસભા સત્ર યોજવા રાજ્યપાલ સમક્ષ માગણી કરી હતી. આ સાથે ગેહલોત જૂથના ધારાસભ્યોએ સવારથી જ રાજભવનમાં ધરણાં કર્યા હતા. જોકે, વિધાનસભા સત્ર બોલાવવા અંગે પોતે બંધારણીય જોગવાઈઓથી બંધાયેલા છે તેવી રાજ્યપાલ કલરાજ મિશ્રએ ખાતરી આપ્યા પછી ગેહલોત જૂથે પાંચ કલાકે રાજભવન પરિસરમાં તેમના ધરણાં ખતમ કર્યા હતા અને બસોમાં હોટેલ પહોંચી ગયા હતા. જોકે, રાજ્યપાલ કલરાજ મિશ્રએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ જાહેરાત કરે તે પહેલાં કેટલાક મુદ્દાઓ પર રાજ્ય સરકારનો ખુલાસો ઈચ્છે છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, વિધાનસભા સત્ર કઈતારીખથી બોલાવવાનું છે તેનો ઉલ્લેખ કેબિનેટની નોંધમાં નથી કરાયો તેમજ કેબિનેટે આ માટે કોઈ દરખાસ્ત પણ નથી મોકલી.

ટૂંકી નોટિસમાં વિધાનસભા સત્ર બોલાવવા અંગે કોઈ યોગ્ય કારણ પણ જણાવાયું નથી. રાજ્ય સરકાર બહુમતમાં હોય તો વિશ્વાસ મત મેળવવા માટે સત્ર બોલાવવા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. વધુમાં રાજ્યપાલે અન્ય કેટલાક મુદ્દાઓ અંગે રાજ્ય સરકારનો ખુલાસો માગ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે, રાજ્યપાલે તેમને ખાતરી આપી છે કે બંધારણની કલમ ૧૭૪ મુજબ તેઓ બંધાયેલા છે. આ કલમ રાજ્યમાં વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. કાયદાકીય નિષ્ણાતોએ પણ જણાવ્યું હતું કે ગેહલોત કેબિનેટની ભલામણ સ્વીકારવા અને વિધાનસભા સત્ર યોજવા માટે રાજ્યપાલ પાસે બીજો કોઈ વિકલ્પ નથી.અગાઉ મુખ્યમંત્રી ગેહલોતે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યપાલ કલરાજ મિશ્ર જ્યાં સુધી તેમને વિધાનસભા સત્ર યોજવાનો પત્ર નહીં સોંપે ત્યાં સુધી રાજભવનમાં કોંગ્રેસના ધરણાં ચાલુ રહેશે. મોડી સાંજે રાજભવનના પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો માટે ટેન્ટ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજભવનમાં ‘ઈન્કલાબ ઝિંદાબાદ’નો સૂત્રોચ્ચાર કર્યો હતો.  અશોક ગેહલોતની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો જયપુર બહારની એક હોટેલમાંથી ચાર બસોમાં રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસને સમર્થન આપનારા અપક્ષ અને અન્ય ધારાસભ્યો પણ હતા.આ સમયે અશોક ગેહલોતે તેમની પાસે બહુમતી હોવાનો દાવો કરતાં રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી.  રાજ્યપાલ સાથેની મુલાકાત પહેલાં ગેહલોતે મીડિયાને કહ્યું કે રાજ્ય સરકારના આગ્રહ છતાં ’ઉપરથી દબાણ’ના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવી રહ્યા નથી. કોંગ્રેસ હવે આ લડાઈને રસ્તા પર લઈ જશે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર ઉથલાવવાનું ભાજપનું કાવતરૂં ખુલ્લું પાડવા માટે કોંગ્રેસ ભાજપ વિરૂદ્ધ આખા રાજ્યમાં દેખાવો કરશે. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાએ ટ્વીટ કરી કહ્યું કે, ભાજપ દ્વારા રાજસૃથાનમાં લોકતંત્રની હત્યાના કાવતરા વિરૂદ્ધ શનિવારે સવારે ૧૧.૦૦ વાગ્યે બધા જ જિલ્લા મુખ્યાલયો પર કોંગ્રેસ કાર્યકરો ધરણા પ્રદર્શન કરશે.

મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યું હતું કે અહીં ઊંધી ગંગા વહી રહી છે. સરકાર કહી રહી છે કે અમે બહુમતી સાબિત કરવા માટે વિધાનસભા સત્ર બોલાવવા માગીએ છીએ. પરંતુ વિપક્ષ તેના માટે આતુર નથી. રાજ્યપાલ બંધારણીય વડા છે. અમારી તેમને વિનંતી છે કે તેઓ વિધાનસભા સત્ર બોલાવે.

ભાજપે બંધક બનાવ્યા નથી પરંતુ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા આવ્યાનો પાયલોટ જુથનો દાવો

ગઈકાલે રાજસ્થાનમાં ચાલતી સત્તાની લડાઈ રાજભવનમાં પહોચી જવા પામી હતી. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાંથી બળવો કરનારા પાયલોટ જૂથના મનાતા અનેક ધારાસભ્યો કોંગ્રસેમાં પરત આવવા માંગે છે. પરંતુ તેમને ભાજપે બંધક બનાવીને દિલ્હીમાં રોકી રાખ્યા છે. ગેહલોતના આ આક્ષેપ બાદ દિલ્હીમા પાયલેટ જુથના ધારાસભ્યો સુરેશ મોદી, મુરારીલાલ મીના અને વેદપ્રકાશ સોલંકી મીડીયા સમક્ષ આવ્યા હતા તેમને જણાવ્યું હતુ કે તેમને ભાજપ બંધક બનાવીને દિલ્હી નથી લાવ્યા પરંતુ તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા માટે આવ્યા છે. આ ધારાસભ્યોએ એમ પણ જણાવ્યું હતુ કે તેમને રાજસ્થાન સરકારમાં કોઈ સાંભળતું ન હોય અને તેમના વિસ્તારના વિકાસ કામો થતા ન હોય તેમની વેદનાને વાચા આપવા કોંગ્રેસ હાઈકમાન્ડને મળી રજૂઆત કરનારા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.