Abtak Media Google News
  • ડિજિટલ વસતી ગણતરીમાં જન્મ-મરણના સર્ટિફિકેટનો સમાવેશ કરાશે
  • સરકાર દરેક યોજના વસતીના આધારે બનાવતી હોય હવે નવી ડિજિટલ વસતી ગણતરી ખૂબ જ ફાયદાકારક રહેશે
  • ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ-મરણનું રજીસ્ટ્રેશન 100 ટકા થતુ ન હોવાના કારણે સૌથી મોટો પડકાર

આબાદીની દ્રષ્ટિએ વિશ્ર્વમાં બીજો ક્રમાંક ધરાવતા ભારત દેશમાં આઝાદી કાળથી વસતી ગણતરી કરવાની એક જૂની પૂરાણી પધ્ધતી અમલનો છે. જેમાં દર દશ વર્ષે દેશની વસતીની ગણતરી કરવામાં આવે છે. વસતી ગણતરીના વર્ષમાં જો કોઇ કુદરતી કે માનવ સર્જીત આફત ઉભી થાય તો દશ વર્ષથી વધુ સમય પણ  વિતી જાય છે.

વિશ્વ આખુ હવે ડિજિટલ બની ગયું છે. એક નાના એવા મોબાઇલ સેટમાં વિશ્ર્વના ખૂણેખૂણાની માહિતી મેળવી શકાય છે ત્યારે ભારત સરકારે હવે વસતી ગણતરી પણ ડિજિટલ કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે જન્મ-મરણના સર્ટિફિકેટને વસતી ગણતરીની ખાસ લીન્ક સાથે જોડી દેવામાં આવશે. જેની મદદથી હવે દશ વર્ષ નહીં પરંતુ રોજે-રોજ દેશની વસતીનો સાચો આંકડો જાણી શકાશે.

વસતી ગણતરીને અત્યાર સુધી ખૂબ જ સામાન્ય રીતે લેવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં તેનુ મહત્વ ખૂબ જ રહ્યું છે. કોઇપણ દેશમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવતી વિવિધ લોક હિતકારી યોજનાઓ જન સંખ્યાને સાપેક્ષમાં રાખીને બનાવવામાં આવતી હોય છે. ભારતમાં દશ વર્ષ વસતીની ગણતરી કરવામાં આવતી હોવાના કારણે સતત એક દશકા સુધી માત્ર એક જ આંકડાને ધ્યાનમાં રાખી અથવા તેમા 5 કે 10 ટકાનું વેરિએશનની ગણતરી કરી યોજનાઓ બનાવવામાં આવતી હોય છે.

દરમિયાન ગઇકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં દેશમાં પ્રથમ વખત યોજનારી ઇ-સેન્સસ બિલ્ડીંગના ઉદ્ઘાટન વેળાએ એવુ જણાવ્યુ હતું કે દિલ્હીમાં નેશનલ પોપ્યુલેશન બિલ્ડીંગ નિર્માણનું કામ ઓગષ્ટમાં પૂર્ણ થઇ જશે. હાઇટેક, ભૂલમુક્ત બહુ હેતુક વસતી ગણતરીની એપ્લીકેશનમાં જન્મ, મૃત્યુ સાથે કુટુંબની નાણાકીય સ્થિતિ નથી. તમામ વ્યક્તિગત માહિતીને અપડેટ કરવા સક્ષમ હશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આગામી વસતી ગણતરી થશે તે ઇ-સેન્સસ હશે જે 25 વર્ષ માટે રહેશે. સૌથી પહેલા હું પોતે તેની શરૂઆત કરીશ. હું મારા પરિવારની સંપૂર્ણ વિગતો સોફ્ટવેરમાં મૂકીશ.

જન્મ-મરણના સર્ટિફિકેટને આ એપ્લીકેશન સાથે લીન્ક કરવાથી દેશની વાસ્તવીક વસતી કેટલી છે. તેનો ખ્યાલ દર દશ વર્ષે આવવાના બદલે રોજે-રોજ આવી જશે. જો કે આ સિસ્ટમમાં સૌથી મોટો પડકાર કે ખામીએ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં આજની તારીખે જન્મ અને મરણની નોંધણી 100 ટકા થતી નથી. ગ્રામ પંચાયતો ડિજિટલ ચોક્કસ બની રહી છે પરંતુ ગ્રામ્ય પ્રજામાં હજી જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે આ સિસ્ટમને સફળ બનાવવા માટે મોટી કસરત કરવી પડશે.

વસતીના આધારે યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. દેશમાં હાલ દર દશ વર્ષ વસતીની ગણતરી થતી હોવાના કારણે સરકાર જે યોજના બનાવે તેમાં તેને ધારી સફળતા મળતી નથી. હવે નવી સિસ્ટમથી આમૂલ પરિવર્તન આવશે. સચોટ વસતી ગણતરીના આધારે ભારત 2047માં જ્યારે આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે દરેક ક્ષેત્રમાં આગળ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.