Abtak Media Google News

સરકારી તંત્ર દ્વારા જ કાયદો વ્યવસ્થાની ઐસી-તૈસી

મહાનગરપાલિકાનાં ઢોર ડબ્બાનાં વાહનો દ્વારા સરેઆમ નિયમ ભંગ: ટ્રાફિક નિયમનનું બ્યુગલ વગાડતી પોલીસ અને આરટીઓએ તાણ્યો લાંબો ઘુમટો: આમ પ્રજા પાસે મહિને કરોડોનો દંડ વસુલતી પોલીસનાં હાથ ઠુઠા

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટનાં સુધારા બાદ ટ્રાફિક નિયમનનાં પાલન તથા ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે આકરો દંડ વસુલ કરવા દંડની રકમમાં તોતીંગ વધારો કરવામાં આવ્યો છે જેનાં પગલે દેશભરમાં વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. રાજકોટ શહેરમાં પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનને લઈને કડક કાર્યવાહી કરવાનું છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે અને લોકો પાસેથી મહિને ટ્રાફિક નિયમન ભંગ બદલ કરોડોની રકમનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયદો વ્યવસ્થાની ઐસી-તૈસી કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. મહાનગરપાલિકાનાં ઢોર ડબ્બાનાં ભંગાર થયેલા વાહનો કે જે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે તેની સામે કોઈ કાર્યવાહી નહીં થતા લોકોમાં ભારે ઉહાપો મચી જવા પામ્યો છે. પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા લાંબો ઘુમટો તાણી સરકારી તંત્ર દ્વારા કાયદાની ઐસી-તૈસી કરી નિયમ ભંગ કરાતા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

Advertisement

શહેર પોલીસ કમિશનર દ્વારા રાજકોટ શહેરનાં તમામ પોલીસ કર્મીનાં મોબાઈલમાં ટ્રાફિક નિયમન કરાવવા અંગેની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સવાર-સાંજ તમામ પોલીસ મથકો અને ટ્રાફિક શાખા દ્વારા જાહેર માર્ગો પર દોડતા વાહનોને ટ્રાફિક નિયમન કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર માર્ગો અને ચોકે-ચોકે ઉભા રહેતા પોલીસ દ્વારા પોતાના મોબાઈલ પર તરત જ વાહન ચાલકનો ફોટો પાડી ઈ-મેમો મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા શહેરભરમાં લગાવવામાં આવેલ અને પોલીસની તીસરી આંખ ગણાતા ડિજિટલ કેમેરાનાં કારણે હેલ્મેટ વગર જાહેર માર્ગ ઉપર નિકળતા વાહન ચાલકો, ચાર રસ્તા પર સ્ટોપ લાઈનનો ભંગ કરનાર, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરનાં વાહનો સહિત અનેક પ્રકારનાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકો સામે પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો મોકલી પ્રથમ વખત રૂા.૧૦૦ બીજી વખત રૂા.૩૦૦ ત્રીજી વખત રૂા.૫૦૦ ચોથી વખત રૂા.૧૦૦૦ અને ત્યારબાદ વાહન ચાલકનાં લાયસન્સ રદ કરવા અંગેની કડક કાર્યવાહી પોલીસ તંત્ર અને આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દંડની તોતીંગ રકમ વસુલ કરવા અંગે કાયદામાં સુધારો કર્યા બાદ આજે બપોર બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો અંગે પત્રકાર પરીષદ યોજાનાર છે તેની સાથે સાથે શહેરભરનાં લોકો દ્વારા હેલ્મેટ ખરીદવાની ઉતાવળ કરી રહ્યા છે અને ઓટો સ્પેર પાર્ટ વહેંચતા વેપારીઓની દુકાને હેલ્મેટ ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.

ટ્રાફિક નિયમન કરવું એ લોકો માટે ફાયદારૂપ છે અને અકસ્માતનાં સમયે લોકોને ગંભીર ઈજાથી પણ બચવા માટે મદદરૂપ થાય છે પરંતુ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માત્ર આમ જનતા માટે જ હોય તેવો સુર ઉઠવા પામ્યો છે. મહાનગરપાલિકાનાં સરકારી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની ઐસી-તૈસી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહાપાલિકાનાં ઢોર ડબ્બાનાં વાહનો સરેઆમ નિયમો ભંગ કરી જાહેર માર્ગો પર ફરતા જોવા મળી રહ્યા છે. મહાપાલિકાનાં ઢોર ડબ્બાનાં વાહનોમાં જીપ, ટ્રેકટર અને અન્ય વાહનોમાં ટ્રાફિક તથા આરટીઓને ધ્યાને રાખવા અંગેનાં તમામ નિયમો ભંગ કર્યા હોય તેવું સામે આવ્યું છે. એક પણ વાહનમાં નંબર પ્લેટ (હાઈસિકયોરીટી નંબર પ્લેટ)નાં ઠેકાણા નથી, જીપનાં ચાલક દ્વારા કોઈપણ સમયે સીટ બેલ્ટ બાંધવામાં આવતા નથી. શહેરનાં મહાનગરપાલિકાનાં ફરતા તોતીંગ વાહનોનાં ચાલકોની સ્પીડ બેફામ હોવાનું પણ સામે આવ્યું છે.

સરકારી તંત્ર દ્વારા જ ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આમ જનતા પાસે સીટ બેલ્ટ, હેલ્મેટ, નંબર પ્લેટ, વાહનનાં કાગળો, સ્ટોપ લાઈન ભંગ સહિત અનેક પ્રકારનાં ગુના બદલ વાહન ચાલકો પાસેથી મહિને કરોડોનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સરકારી તંત્ર દ્વારા પોલીસ અને આરટીઓએ શું લાંબો ઘુમટો તાણ્યો છે કે પછી આ લોકો સામે કડક કાર્યવાહી કરવા પોલીસનાં હાથ ઠુઠા હોય તેમ લાગી રહ્યું હોય તેવો લોકોમાં સુર ઉભો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.