Abtak Media Google News

રાજકોટ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની 17મીએ ચૂંટણી

11 તાલુકા પંચાયતોમાં પણ નવા સુકાની નિમાશે: 16મીએ ઉમેદવારી કરાશે

રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે આગામી તા.17એ ચૂંટણી યોજાનાર છે. આ સાથે ત્યારે 11 તાલુકા પંચાયતોમાં પણ નવા સુકાનીઓની નિમણુંક કરવામાં આવનાર છે.આ માટે 16મીએ પ્રમુખ ઉપપ્રમુખના પદની રેસમાં રહેલા સભ્યો ઉમેદવારી નોંધાવવાનાં છે.

રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 25 બેઠક મેળવી ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી હવે 17મી માર્ચે ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળશે. તેમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે.વિકાસ કમિશ્નરે આ અંગેનો એજન્ડા પણ બહાર પાડી દીધો છે.

જિલ્લા પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને 17મીએ મળવાની છે. આ બેઠક પૂર્વે તા.16ના રોજ સવારે 11થી બપોરે 2 વાગ્યા દરમિયાન પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી કરાવી શકાશે. તેજ દિવસે ચકાસણી અને સાંજે 6 વાગ્ય સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.

16મીએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ થશે. તે નકકી થઈ જશે. જો એકથી વધુ નામ આવ્યા હશે તો તા.17ના રોજ ચૂંટણી પ્રક્રિયા યોજવામા આવશે. જોકે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ચૂંટણીની શકયતા નથી પણ અનઈચ્છનીય રીતે બળવો કે અંદરોઅંદરની ખેંચતાણ રહે તો ચૂંટણીની નોબત આવશે.

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં પણ તા.17મીએ જ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક થવાની છે. જસદણ અને વીંછીયા તાલુકા પંચાયત સિવાયની 9 તાલુકા પંચાયતોમાં ભાજપે બહુમતી મેળવી છે. 17મીએ ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળવાની છે. આ બેઠકનો એજન્ડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.

તાલુકા-જિલ્લા પંચાયત, નગર પાલિકાના પ્રમુખ નક્કી કરવા 13મીથી પાર્લામેન્ટરી બોર્ડ

તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં ચેરમેનના નામો નકકીરવા માટે આગામી 13મી માર્ચથી સતત ત્રણ દિવસ સુધી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં રોજ અલગઅલગ જિલ્લાનાં પક્ષના હોદેદારોને બોલાવવામાં આવશે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસીક સફળતા મળી છે. આવતા સપ્તાહે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં હોદેદારોની વરણીમાટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ત્યારે હોદેદારો નકકી કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13મી માર્ચ સાંજથી શરૂ થશે અને સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાનો વારો લેવામાં આવશે.17મી માર્ચ રાજકોટ જિલ્લા પંચાયત તથા જિલ્લાની 11 તાલુકા પંચાયતના હોદેદારોની વરણી માટે સામાન્ય સભા મળનાર છે. રાજકોટ જિલ્લામાં વરણી મામલે થોડી ગરમાગરમીની પણ સંભાવના રહેલી છે.

ભુપત બોદર કે પી.જી. કયાડા કોને આપવું પ્રમુખ પદ: ભાજપ પણ મુંઝાયું

Frt

જિલ્લા પંચાયતમા હાલ બે ખેરખા છે. ભૂપતભાઈ બોદર અને પી.જી.કયાડા બંને દિગ્ગજોમાંથી કોને પ્રમુખ બનાવવા તેને લઈને ભાજપ પણ અવઢવમાં મુકાયું છે. ભુપતભાઈ બોદર હાલ પ્રમુખ બનવાની પ્રબળ શકયતા ધરાવે છે. પણ સામે પી.જી.કયાડા પણ ભાજપના પાયાના પથ્થર સમાન હોય અગાઉ બે વખ્ત ઉપપ્રમુખ પદ ભોગવી ચૂકયા હોય તેઓ પ્રમુખ પદ જતુ કરવામાં જરા પણ સહમત ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલે ભુપતભાઈ બોદર અને પી.જી.કયાડા આ બંને સભ્યો પ્રમુખની રેશમાં છે. આ બંનેમાંથી કોઈ એકને પ્રમુખ અને બીજાને ઉપપ્રમુખનું પદ સોંપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.