Abtak Media Google News

બિલ્ડ યોર ડ્રીમ (BYD), ચાઇનીઝ ઓટો જાયન્ટનાં માલિક વાંગ ચૌંફૂ લઘભગ એકાદ દાયકાથી ભારતીય બજારમાં પગદંડો જમાવવાની ડ્રીમ જોતાં હશે. તેમણે આ માટેનાં આયોજન પણ કર્યા અને તેનો અમલ પણ શરૂ કર્યો પરંતુ ભારતમાં તે કેટલું કાઠું કાઢશૈ તે હજુ નક્કી નથી. આમ જોઇએ તો કંપનીનું આયોજન એક મલ્ટીનેશનલ કંપની કરે તેવું જ છે.  ચીનમાં 1995 માં કારોબાર શરૂ કર્યાને બે દાયકા બાદ તેમને ભારતમાં એન્ટ્રી કરવાનો વિચાર આવ્યો હશે. કંપનીએ 2021 માં ભારતમાં વેચાણ શરૂ કર્યુ હતું. હવે કંપની ભારતમાં ઇવી બેટરી અને ઇવી કારનાં ઉત્પાદન માટે એક અબજ ડોલરનું મુડીરોકાણ કરવા તૈયાર થઇ છે.

BYD ઐ ભારતમાં એક સ્થાનિક મેન્યુફેક્ચરીંગ કંપની સાથે ભાગીદારીમાં ઇલેક્ટ્રિક કાર તથા બેટરીનાં ઉત્પાદન માટે એક અબજ ડોલરનાં મુડીરોકાણની પ્રપોઝલ મુકી છે. કારણ કે ભારત હાલમાં વિશ્વનું ત્રીજા નંબરનું કાર માર્કેટ ગણાય છે. તેથી સ્વાભાવિક રીતે જ ભારતીય બજાર ઉપર સૌની નજર રહેવાની છે. ઓટો માર્કેટનાં જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે હૈદરાબાદ સ્થિત મેઘા એન્જીનિયરીંગ અને બી.વાય.ડી કંપનીએ બજારનાં નિયામકો સમક્ષ આ સંયુક્ત સાહસની દરખાસ્ત મુકી છે. આગળ જતાં કંપની BYD બ્રાન્ડના વિવિધ ઇવી કાર મોડેલનું સંપૂર્ણ ઉત્પાદન કરવાની વેતરણમાં છે.

આમ તો સરકારે હજુ કોઇ પણ સત્તાવાર દરખાસ્ત મળી નહોવાનું જણાવ્યું છે પરંતુ સાથે જ ઉમેર્યુ છે કે કોઇપણ રોકાણકાર ભારતમાં આવવા ઇચ્છે તો તેમનું સ્વાગત છે. આંકડા બોલે છે કે BYDએ અત્યાર સુધીમાં આશરે 70 લાખ વાહનો બનાવીને વૈશ્વિ બજારમાં વેચ્યા છે. જો કે ભારતમાં હજુ આ બ્રાન્ડની માંડ 1900 કાર જ વેચાઇ છે. હાલમાં BYD તેના એટ્ટો-3 ઇલેક્ટ્રિક એસયુવી કાર અને ય6 સેડાનનું ભારતમાં વેચાણ કરે છે. આ ઉપરાંત મેઘા એન્જીનિયરીંગે BYDનાં ટેકનિકલ સહયોગથી બે ઇલેક્ટ્રિક બસ પણ બનાવી છે. જેનું આગામી દિવસોમાં મોટાપાયે ઉત્પાદન અને વેચાણ કરવાનું આયોજન હોઇ શકે.

હાલમાં જે કંપની સાથે જોડાણની પ્રપોઝલ છે તે પ્રમાણે હેદરાબાદમાં 15000 કાર બનાવવાની ક્ષમતાવાળું યુનિટ સ્થાપવાની તૈયારી થઇ છે. જેની મંજૂરી માટેનાં દસ્તાવેજો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ની ઓફિસમાં પહોંચી ગયા છે. આમ તો BYD ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવે છે. પરંતુ ભારત સરકારને અહીં દેશની સુરક્ષાનો મુદ્દો સતાવી રહ્યો છે. કદાચ આ કારણસર BYDને ભારતમાં મુડીરોકાણ કરવાની પરવાનગી ન પણ મળે.  અહેવાલો એવા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય BYDને ભારતમાં ફેલાવો વધારવા દેવાના મુડમાં નથી. આમે ય તે 2020 થી ભારત સરકારે દેશમાં મુડીરોકાણ કરવા માગતી વિદેશી કંપનીઓમાં પડોશી દેશોની કંપનીઓ માટે વિશેષ પરવાનગીની જોગવાઇ કરી છે. આમ તો અહીં નામ પડોશી દેશ અપાયું છે જેનો અર્થ ભારતની સરહદ સાથે જે દેશની સરહદ સીધી જોડાયેલ. હોય તેવો દેશ એવો થાય છે. પણ ટાર્ગેટ પાકિસ્તાન ને ચીન જેવા દેશો જ હોઇ શકે તે સમજી શકાય તેવી વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ભાગ્યે જ કોઇ કંપની હશે જે ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માટે સક્ષમ અને ઉત્સુક હશે. મતલબ કે હવે ચીનની નવી કંપનીઓને ભારતમાં પગપેસારો કરવા દેવા સરકાર તૈયાર નથી. કારણ કે ભુતકાળમાં જે કોઇ કંપનીઓ ભારતમાં સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરીને આવી છે તેમાં  વહિવટનો કંટ્રોલ તો વિદેશી કંપની પાસે જ રહ્યો છે. ભારતીય કંપનીની ભાગીદારી માત્ર કહેવા પુરતી જ રહી છે. BYDનાં કેસમાં પણ આવું જ થવાની સરકારને ચિંતા છે. હવે કેન્દ્રિય ગûહ સચિવને BYDની ફાઇલ મંજૂર કરવાની હોય ત્યારે તે કેટલા સમયે અને કેવા રૂપમાં તે મંજૂર થાય તેનો અંદાજ જ મુકી શકાય. જો BYDને પરવાનગી મળે તો તેની અમેરિકાને બાદ કરતા મોટા ભાગનાં મોટા માર્કેટસમાં તેનું સ્થાન બની જાય તેમ છે.

યાદ રહે કે BYD પ્રથમ કંપની નથી જેની દરખાસ્ત ઉપર ધૂળનાં થર બની ગયા હોય, આ અગાઉ ગ્રેટ વોલ મોટર્સનો એક અબજ ડોલરનો માસ્ટર પ્લાન અભેરાઇઐ ચડી જ ગયો છે.

જો પરવાનગી મળે તો BYDને થોડા વર્ષો બાદ ભારતમાં એક લાખ વાહનોની ઉત્પાદન ક્ષમતા ઉભી કરવી છે. દેશનાં 11 મોટા શહેરોમાં કંપનીનાં પોતાના શોરૂમ ખોલવા છે અને સર્વિસ સ્ટેશન પણ ખોલવા છે. પરંતુ હાલમાં BYDની પ્રપોઝલને ભારત સરકાર તરફથી જે સર્વિસ મળી રહી છે તેનાથી BYDની ગાડીની જાણે બેટરી ડાઉન છૈ અને કંપનીની ડ્રીમ અંધારામાં ઓગળી જવાની ભિતી છે.!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.