Abtak Media Google News

હજુ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષની વાર છે. જનતા માટે આ સમયગાળો બહુ મોટો છે પરંતુ રાજકીય પક્ષોમાં અત્યારથી જ સળવળાટ શરૂ થઇ ગયો છે. કેટલાક રાજકીય પક્ષો તો એટલા સક્રિય થઇ ગયા છે કે તોડજોડ કે તાબડતોડ બેઠકો યોજી રહ્યા છે. કોઇ પોતાની પાર્ટીમાં નવા નેતાને સામેલ કરવામાં લાગી ગયા છે તો કોઇ પોતાના પૂર્વ નેતાની ઘરવાપસી માટે દોડાદોડી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયાના જમાનામાં કોઇ વાત છાની રહેતી નથી. આવી જ એક વાત વહેતી થઇ ગઇ છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી વાપસી થઇ શકે છે.

આ ચર્ચા શરુ થવા પાછળનું કારણ શું ?

વાત એવી છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે બેઠકો થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન એવી અટકળો વહેતી થઇ હતી કે શંકરસિંહને ફરી ગુજરાત કોંગ્રેસમાં પરત લાવવાની વાતચીત થઇ હતી.

સોનિયા ગાંધીને પણ મળ્યા હતા શંકરસિંહ

Congress 01ઉલ્લેખનીય છે કે જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે તેઓએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભરતસિંહનાં પિતા માધવસિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ શંકરસિંહ દોડી ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે ભરતસિંહ અને શંકરસિંહ વચ્ચે અંદાજે ત્રણ વખત મુલાકાત થઇ ચૂકી છે.

કોંગ્રેસમાં આ જગ્યા ખાલી છે….

ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસને થોડા જ દિવસની અંદર બે મોટી ખોટ પડી છે. જેમાં પ્રભારી રાજીવ સાતવ અને અહમદ પટેલનું નિધન થયું છે. આ મોટા નેતાના નિધન બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પાસે અનેક વર્ષોનો ગુજરાતના રાજકારણનો અનુભવ છે આથી તેઓના આવવાથી ગુજરાત કોંગ્રેસને ચોક્કસ થોડો ફાયદો થશે તેમાં કોઇ શંકા નથી. શંકરસિંહને પાર્ટીમાં ફરી લાવવા કે કેમ તેનો નિર્ણય તો દિલ્હી ખાતેથી હાઇકમાન્ડ જ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.