Abtak Media Google News

પ.બંગાળ માટે મમતા કરતા પણ મોદીને વધુ મમત

138 વર્ષ સુધી બ્રિટીશ રાજની રાજધાની રહેલુ કલકત્તા હાલમાં ભાજપના અશ્ર્વમેઘ યજ્ઞની મુખ્ય રણભૂમિ બન્યું છે

2014ની સાલથી ભાજપે એક પછી એક રાજ્યોની ચુંટણીઓ જીતીને શરુ કરેલા અશ્વમેઘ યજ્ઞમાં હજુ એક મોટું રાજ્ય જીતવાનું બાકી છે. દિગ્વિજય પ્રાપ્ત કરવામાં મોટામાં મોટો પડકાર આગામી દિવસોમાં સામે આવીને ઉભો રહેશે જયારે પ.બંગાળની વિધાનસભાની ચુંટણી માટે મતદાન થશે. આ વાત સૌ કોઈ જાણે છે કે 2014ની લોકસભાની ચુંટણી જીત્યા બાદ ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે દેશના પૂર્વના મહત્વના રાજ્યો પર પણ ભાજપનો ભગવો લહેરાય એ માટેની કવાયત હાથ ધરી હતી. ખાસ કરીને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, પ.બંગાળ, બિહાર ઉપરાંત નોર્થ-ઇસ્ટના સેવન સિસ્ટર રાજ્યોમાં ખાસ કરીને આસામ કબજે કરવાનો યોજનાબદ્ધ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.  ઉત્તર પ્રદેશમાં મેળવેલી ભવ્ય જીતે ભાજપ માટે 2019ની લોકસભાની ચુંટણી જીતવાનો માર્ગ ખોલી આપ્યો હતો તેવીજ રીતે પ.બંગાળમાં વિજય મળે તો 2024ની આગામી લોકસભાની ચુંટણી જીતવાનો રસ્તો પણ સરળ થઇ જશે એમ ભાજપની થીંક ટેન્કનું માનવું છે. આથીજ બંગાળને કબજે કરવા વડાપ્રધાન મોદી સહિતનો સમગ્ર ભાજપ કામે લાગ્યો છે. બંગાળ માટે મમતા કરતા પણ મોદીની મમત ઘણી વધારે છે અને એમ હોવા પાછળના મજબુત કારણો છે. પરંતુ હાલમાં જ એક ખાનગી ન્યુઝ ચેનલ પર જાહેર થયેલા ઓપીનીયન પોલ મુજબ અથાગ પરિશ્રમ અને આયોજનબદ્ધ રણનીતિથી મેદાનમાં ઉતારવા છતાં ભાજપ બંગાળનું ચુંટણીયુદ્ધ જીતવામાં ઉણું ઉતરે એમ લાગે છે.

બોક્સ: મોદી માટે બંગાળ જીતવું શા માટે અત્યંત જરૂરી?

આ અંગે કેટલાક ખુબજ મહત્વના કારણો છે. સૌપ્રથમ તો બંગાળ એ શ્યામાપ્રસાદ મુખરજીનું રાજ્ય છે જેમને હિંદુ મહાસભાના ઝંડા હેઠળ 1946ની સાલમાં મુસ્લિમ પ્રભાવી બંગાળના વિસ્તારોથી અલગ હિંદુઓ માટે સુરક્ષિત બંગાળની માગ કરી હતી. મુખરજીને લઈને સંઘ પરિવાર તેમજ ભાજપ હમેશા એવું માનતો આવ્યો છે કે મુખરજી પ્રખર રાષ્ટ્રવાદી હતા જેમની હત્યા કરવામાં આવી હતી.

મોદી માટે બંગાળ જીતવું શા માટે અત્યંત જરૂરી?

આ અંગે કેટલાક ખુબજ મહત્વના કારણો છે. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ગોઆ, હરિયાણા, જેવા મહત્વના રાજ્યોમાં સરકાર બનાવી છે. રાજસ્થાનમાં બહુમતીથી થોડા અંતરે છેટો રહ્યો છે. યુપી, બિહાર, પ.બંગાળ, જારખંડ, ઓડીસા, આસામ અને સેવન સિસ્ટર રાજ્યોની લોકસભાની બેઠકોનો સરવાળો 142 થાય છે જેની સામે જ્યાં પહેલેથીજ ભાજપનો કબજો મજબુત રહ્યો છે એવા મધ્યપ્રદેશ, છતીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોઆ ની લોકસભાની બેઠકોનો સરવાળો 140 થાય છે.

આગામી લોકસભા ચૂંટણીમાં સત્તા ટકાવી રાખવા માટે પ.બંગાળની 40થી વધુ લોકસભાની બેઠકો તેમજ 294 વિધાનસભા બેઠકોમાં થી જેટલી વધુ બેઠકો મળે એના આધાર પર રાજ્યસભામાં મળનારી બેઠકોનું મહત્વ ભાજપ માટે ખુબ જ છે. બીજું એ કે ભાજપ અને સંઘ પરિવાર માટે બંગાળ સાથે ઈમોશનલ કનેક્શન છે કારણકે તેમના માનવા મુજબ સૌપ્રથમ તો બંગાળ એ શ્યામાપ્રસાદ મુખરજીનું રાજ્ય છે જેમને હિંદુ મહાસભાના ઝંડા હેઠળ 1946ની સાલમાં મુસ્લિમ પ્રભાવી બંગાળના વિસ્તારોથી અલગ હિંદુઓ માટે સુરક્ષિત બંગાળની માગ કરી હતી. મુખરજીને લઈને સંઘ પરિવાર તેમજ ભાજપ હમેશા એવું માનતો આવ્યો છે કે મુખરજી પ્રખર રાષ્ટ્રવાદી હતા જેમની હત્યા કરવામાં આવી હતી. બંગાળ આઝાદી પછી લગભગ 40 વર્ષો સુધી ડાબેરીઓના કબજામાં રહ્યું છેલી બે ટર્મ થી એ મમતા બેનરજી સત્તામાં છે. જો બંગાળ વિજય થાય તો ભાજપના રાષ્ટ્રવાદમાં સૌથી મહત્વનું પીછું ઉમેરાય. બંગ્લાદ્દેશથી ભારતમાં ધુસપેઠના પ્રશ્નને હલ કરી શકાય.

બંગાળનું ઐતિહાસિક મહત્વ

આપણે બંગાળનું મહત્વ સમજવા માટે ઇસ. 1757માં થયેલા પ્લાસીના યુદ્ધથી પરિચિત થવું પડે. હિન્દુસ્તાનમાં ફકત વ્યાપાર કરવા આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તત્કાલીન અધિકારી રોબર્ટ ક્લાઈવ આ યુદ્ધ બાદ બંગાળ પર કબજો કર્યો ત્યારે કલકત્તાને વ્યાપારનું મુખ્ય મથક બનાવ્યું હતું. ત્યાર બાત ઇસ. 1773ની સાલમાં બ્રિટીશ રાજ દ્વારા કંપની પાસેથી રાજસત્તા લઇ લેવાઈ અને કલકત્તા બ્રિટીશ રાજની રાજધાની બની. છેક 138 વર્ષ બાદ 1911 ની સાલમાં બ્રિટીશ રાજ દ્વારા આ રાજધાનીને ખસેડીને દિલ્હી લઇ જવાઈ હતી. બંગાળ જ દેશની આઝાદીની લડાઈના દંડનાયક તરીકે ઉભરી આવ્યું હતું. રાષ્ટ્રવાદના પ્રવર્તક, પ્રસારક અને ધારક એવા ભાજપ માટે રાષ્ટ્રવાદની ધરોહર સમાન બંગાળને જીતવું એ ભાજપના સિમ્બોલિક પોલીટીક્સ ની ચરમસીમા બની શકે છે.

ઓપિનિયન પોલમાં બંગાળ પર ફરી મમતાનો વિજય, ભાજપ માટે હાથ છેટું રહેશે

એક ખાનગી ન્યુઝ ચેનલે કરાવેલા ઓપીનીયન પોલના સર્વેમાં બંગાળની વિધાનસભાની ચૂટણીમાં ફરી એકવાર મમતા બેનર્જીનો વિજય થતો જણાય રહ્યો છે જયારે ભાજપને હાથ છેટું રહી જાય એમ લાગે છે. આ પોલ મુજબ પ.બંગાળની કુલ 294 વિધાનસભાની બેઠકોમાંથી મમતાની તૃણમુલ કોંગ્રેસ 154 બેઠકો લઇને બહુમતીથી સરકાર બનાવશે. જયારે પ્રચંડ પ્રયાસ પછી પણ ભાજપ લગભગ 107 બેઠકો પર જીત મેળવી શકશે. જોકે ભાજપ માટે આ બેઠકો એ બંગાળમાં પાર્ટીએ મારેલી મોટી છલાંગ ગણાશે કારણકે 2016 ની ચૂટણીમાં ભાજપ ફક્ત 3 બેઠકો જ જીતી શક્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરીઓનું જોડાણ અંદાજે 33 બેઠકો જીતી શકશે એવું આ સર્વેનું તારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.