Abtak Media Google News

ફાયર એનઓસી મળ્યા પછી કોવિડ હોસ્પિટલો શરૂ કરવા તબીબો મક્કમ તો બીજી તરફ પુરતા સાધનો ન હોય તો એનઓસી ન આપવાની પણ કોર્પોરેશનની જીદ વચ્ચે કોરોનાના દર્દીઓની હાલત વધુ ગંભીર બને તેવી દહેશત

કોરોના કાળમાં માનવતાના દીવા ચોતરફ ઝગમગી રહ્યાં  છે પરંતુ સરકારી તંત્ર અને તબીબોના દિલમાં જાણે હવે માનવતા વેન્ટિલેટર પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યભરમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં રાજકોટ પણ બાકાત નથી. આવામાં કોરોનાના દર્દીઓની સ્થિતિ યોગ્ય સારવાર ન મળવાના અભાવે વધુ કથડે તેવા દુ:ખદ સંજોગો ઉભા થઈ ર્હયાં છે. મહાપાલિકા દ્વારા ફાયર એનઓસી આપવામાં આવે તો જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે તેવી જીદ તબીબી આલમ પકડીને બેઠું છે તો બીજી તરફ મહાપાલિકાનું અજડ તંત્ર પણ એવું અક્કડ વલણ રાખી રહ્યું છે કે, જ્યાં સુધી પુરતા સાધન વસાવવામાં નહીં આવે અને સરકારની નવી ગાઈડ લાઈનની અમલવારી પુરેપુરી થતી ન હોય ત્યાં સુધી અમે એનઓસી આપીશું નહીં. આવામાં ફાયર એનઓસીના ગુંચવાયેલા કોકડામાં કોરોના સંક્રમીત વ્યક્તિના જીવ પર જોખમ આગામી દિવસોમાં ઉભુ થાય તેવી દહેશત હાલ શહેરમાં વરતાઈ રહી છે.

ગત નવેમ્બર માસમાં શહેરના આનંદ બંગલા ચોકમાં ઉદય કોવિડ કેર હોસ્પિટલમાં આગ લાગ્યાની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા છ વ્યક્તિઓના દુ:ખદ નિધન થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે પણ આકરો ઠપકો આપ્યો હતો જેના પગલે સરકાર દ્વારા ફાયર સેફટી માટે એક નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી હતી. રાજકોટમાં કુલ 416 એવી હોસ્પિટલ છે જે સારવાર અર્થે દર્દીને દાખલ કરે છે. આ હોસ્પિટલો પૈકી 289 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી. શરૂઆતમાં મહાપાલિકાનું તંત્ર પુરા સુરાતન સાથે ત્રાટક્યું હતું અને જે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી તેને સાત દિવસમાં સીલ કરી દેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. સામાપક્ષે તબીબોએ પણ એવી ચેતવણી આપી હતી કે, હવે અમે કોઈપણ દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરીશું નહીં. જો કે આ ઘટનામાં સમયસર ઘીના ઠામમાં ઘી પડી જતાં મામલો શાંત પડી ગયો હતો.

હવે જ્યારે શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધારાની કોવિડ હોસ્પિટલો શરૂ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેનો લાભ લઈ તબીબી આલમ મહાપાલિકાનું નાક દબાવી રહ્યું છે અને એવી માંગણી કરી રહી છે કે, ફાયર એનઓસી આપવામાં આવશે તો જ અમે કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેશું. બીજી તરફ તમામ સરકારી વિભાગની માફક મહાપાલિકાએ પણ અજડ અને અક્કડ વલણ અપનાવ્યું છે અને એવી માગણી કરી ર્હયું છે કે તમામ સાધનો હશે તો જ ફાયર એનઓસી આપવામાં આવશે. પરિણામે હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે શહેરમાં ફાયર એનઓસીના પાપે નવી કોવિડ હોસ્પિટલ શરૂ થઈ શકે તેમ નથી. તબીબી આલમ કે મહાપાલિકા એકપણ નમતુ જોખવા તૈયાર નથી. આવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓએઆગામી દિવસોમાં સારવારના અભાવે વધુ ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.

તબીબી આલમ અને મહાપાલિકા બન્ને પોત પોતાની રીતે સાચા છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ચિંતાજનક બની રહી છે. આવામાં બન્નેએ વચ્ચગાળાનો રસ્તો કાઢી કોઈ માનવ જિંદગી માત્રને માત્ર જીદ કે અક્કડ વલણના કારણે હોમાય ન જાય તેવું કરવું જોઈએ. જો સમય રહેતા આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વિકટ બનશે.

આગ કે અન્ય કોઈ અઘટીત ઘટના ન બને તેવું તમામ હોસ્પિટલો કે તબીબો ઈચ્છતા હોય છે: ડો.હિરેન મશરૂ

Img 20210327 Wa0005

નિહીત બેબીકેર હોસ્પિટલના ડો.હિરેન મશરૂએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગ કે અન્ય કોઈ અઘટીત ઘટના ન બને તેવું તમામ હોસ્પિટલ કે તબીબો ઈચ્છતા હોય છે. અમારી હોસ્પિટલની વાત કરવામાં આવે તો બાંધકામ ઘણું જૂનું છે. થોડા સમય પહેલા અમને મહાપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી ફાયર સેફટીના તમામ સાધનો અમે વસાવી લીધા છે પરંતુ નવા નિયમ મુજબ સેક્ધડ એક્ઝિટ માટે સ્ટ્રકચરર ફેરફાર કરવો શક્ય નથી તેથી સરકારી તંત્રને અમારી રજૂઆત છે કે જૂના બાંધકામ માટે કોઈ વ્યવહારૂ ઉકેલ લાવવા જોઈએ. નિયમ મુજબ અગ્નિ શામક સાધનો લગાવી દીધા છે પરંતુ સેક્ધડ એક્ઝિટ ન હોવાના કારણે ફાયર એનઓસી મળતું નથી. કોઈપણ હોસ્પિટલ કે તબીબ એવું ક્યારેય ઈચ્છતા નથી કે તેની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના કે અન્ય કોઈ ઘટના બને જેનાથી દર્દીએ જીવ  ખોવો પડે.

ઈન્ફ્રાસ્ટ્રકચર ચેન્જીસ શક્ય નથી, વ્યવહારૂ ઉકેલ જરૂરી: ડો.જય ધીરવાણી

Rt 1

ઈન્ડિયન મેડિકલ એસો.ના પ્રમુખ ડો.જય ધીરવાણીએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શહેરમાં 400થી વધુ હોસ્પિટલો છે જેમાં 100થી વધુ હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે. ઉદય કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મોટાભાગની હોસ્પિટલોના એનઓસીનો સમય પૂર્ણ થઈ ગયો હતો તે રિન્યુ પણ થયા નથી. ડોકટરો ફાયર એનઓસી માટે તમામ જરૂરીયાતો સંતોષવા તૈયાર છે. અગ્નિશામકના જે સાધનોની જરૂરીયાત રહે છે તે સ્મોક ડિટેકશન સીસ્ટમ, ફાયર આઈડ્રેશન સીસ્ટમ, એલાર્મ સીસ્ટમ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઘણી હોસ્પિટલોમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મુખ્ય સમસ્યા એ છે કે નવી પોલીસીમાં હોસ્પિટલોમાં સેક્ધડ એક્ઝિટ ફરજીયાત બનાવવામાં આવ્યું છે જે હોસ્પિટલોનું બાંધકામ 15 કે 20 વર્ષ પહેલા નિયમોનુસાર કરવામાં આવ્યું છે ત્યાં સેક્ધડ એક્ઝિટ બનાવવું ખુબજ કઠીન કે અશક્ય જેવું છે. આટલું જ નહીં કોમર્શીયલ કોમ્પેક્ષમાં આવેલ તમામ હોસ્પિટલો સાધનો રાખે છે. આવામાં કોમ્પલેક્ષમાં આવેલ કોઈ એક દુકાન કે ઓફિસમાં ફાયરના સાધનો ન હોય તો તેને એનઓસી મળતી નથી. આ અંગે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે. અમારી મુખ્ય માગણી છે કે, જૂના બિલ્ડીંગમાં સેક્ધડ એક્ઝિટ માટે જે નિયમ છે તેનો વ્યવહારૂ ઉકેલ લાવવામાં આવે. નવી બિલ્ડીંગમાં અમે તમામ નિયમો પાળવા તૈયાર છીએ. હાલ જે સ્થિતિ છે તે અંગે અમે કલેકટર કે મ્યુનિ.કમિશનર સાથે પણ ચર્ચા કરી છે અને આગળ પણ વ્યવહારૂ ઉકેલ માટે રજૂઆત કરીશું. હાલ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે અમારી પ્રાથમિક ફરજ એ છે કે, કોવિડ પેશન્ટને સારવાર મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.