Abtak Media Google News

મહાપાલિકાના ૪૭ વર્ષના ઈતિહાસમાં આજ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે મહિલા કોર્પોરેટરની નિમણુંક કરાઈ જ નથી: નારીને મહત્વનું સ્થાન આપવામાં ભાજપ કે કોંગ્રેસ બંને સરખા

મહિલા સશકિતકરણની વાતો માત્ર કાગળ પર: મેયર પદ પણ મહિલાઓને રોટેશન સિસ્ટમના કારણે પરાણે આપવું પડે છે: શાસક નેતા અને વિપક્ષી નેતાપદે માત્ર એક એક વાર જ નગરસેવિકાઓની વરણી

રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી સાથે જાણે મહિલા કોર્પોરેટરોને આભડછેટ હોય તેમ કોર્પોરેશનના ૪૭ વર્ષના લાંબા ઈતિહાસમાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા સમ ખાવા પૂરતી એક પણ વાર નગર સેવિકાની ખડી સમિતિના ચેરમેન પદે વરણી કરવામાં આવી નથી. જાહેર સમારંભોમાં ભાષણો કે કાગળ પર રાજકીય પક્ષો મહિલા સશકિતકરણની મોટી મોટી વાતો ચોકકસ કહે છે. પરંતુ જયારે પદ આપવાની વાત આવે ત્યારે ભારે લોભીયા બની જાય છે. મેયર પદ પણ જાણે રોટેશન સિસ્ટમના પરાણે આપવું પડતું હોય તેવું લાગે છે. શાસક પક્ષના નેતા તરીકે ભાજપે એકવાર અને વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસે માત્ર એકવાર મહિલાની નિમણુંક કરી છે નેતૃત્વ કરવાની આવડત ધરાવતી મહિલાઓને પણ કદાવર પદથીદૂર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ રાજકીય પક્ષો ખડી સમિતિનું ચેરમેન પદ મહિલાઓને આપી નારીઓનું ઉચીત સન્માન જાળવશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા છે.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ૧૯/૧૧/૧૯૭૩ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે છેલ્લા ૪૭ વર્ષમાં ૨૮ વખત ખડી સમિતિનાં ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. કોર્પોરેશન તમામ નિર્ણય લેવા માટે ખડી સમિતિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જનરલ બોર્ડ પછી જો કોઈ પાવરફૂલ હોય તો તે આ સમિતિ છે. ૪૭ વર્ષના લાંબા સમયમાં ભાજપ કે કોંગ્રેસ એક પણ વાર આ મહત્વપૂર્ણ પદ મહિલા કોર્પોરેટરને આપ્યું નથી. પાંચ વર્ષ પુર્વે રાજય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવાની જોગવાઈ કરી હાલ મહાપાલિકામાં ૫૦ ટકાથી પણ વધુ મહિલાઓ જન પ્રતિનિધિ તરીકે ફરજ અદા કરી રહી હોવા છતાં તેઓને માત્ર બહુમતી દેખાડવા માટે જ રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. ખડી સમિતિનાં ચેરમેન પદે શા માટે મહિલાઓની નિમણુંક કરવામાં આવતી નથી તેનું કારણ અકળ છે. સમિતિના સભ્ય તરીકે ચોકકસ મહિલાઓને સ્થાન આપવામાં આવે છે. પરંતુ કયારેક નિયમિત ચેરમેન ગેરહાજર હોય અને કાર્યકારી ચેરમેનની નિમણુંક કરવાની તાતી જરૂરિયાત ઉભી થાય તો તેમાં પણ મહિલાઓને તક આપવામાં આવતી નથી. મહિલાઓ નેતૃત્વના સવાયા ગુણ ધરાવતી હોવા છતાં તેઓને કદાવર હોદાથી દૂર રાખવામાં આવે છે. રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલની નિમણુંક થઈ તેઓ રાજીનામું આપી રાજયપાલ પણ બની ગયા પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં હજી સુધી કોઈ મહિલાને સ્ટેન્ડીંગ કમિટીના પ્રથમ ચેરમેન બનવાનું બહુમાન પ્રાપ્ત થયું નથી અને આ સૌભાગ્ય આવનારા વર્ષોમાં કયારે પ્રાપ્ત થશે તે કહેવું પણ મુશ્કેલ છે. પ્રથમ નાગરિક અર્થાંત મેયર તરીકે મહિલાની નિમણુંક ચોકકસ કરવામાં આવે છે. કારણ કે તેના માટે રોટેશન સિસ્ટમ જાહેર કરવામાં આવે છે. અને મહિલા અનામત હોવાના કારણેના છૂટકે નગરસેવિકાઓને પ્રથમ નાગરિકનું પદ આપવું પડે છે. ડેપ્યુટી મેયર પદે પણ મહિલાને સ્થાન આપવામાં આવે છે.શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા તરીકે મહિલાઓની નિયુકિત કરવામાં આવી છે. પરંતુ ખડી સમિતિના ચેરમેનની ખુરશી સાથે મહિલાઓને આભડ છેટ હોય તેવું લાગી રહ્યું છે. હવે આ આભડછેટ કયારે દૂર થશે તેતો સમય જ બતાવશે.

વિનોદભાઈ શેઠ અને વિજયભાઈ રૂપાણી સૌથી વધુ સમય ચેરમેનપદે રહ્યા

Rajkot Mahanagarpalika 1

રાજકોટ મહાનગરપાલિકાની ખડી સમિતિના ચેરમેન પદે સૌથી વધુ સમય રહેવાનું બહુમાન વિનોદભાઈ શેઠ ધરાવે છે. અને બીજા ક્રમે રાજયના વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે છે.

વિનોદભાઈ નાનાલાલ શેઠની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે તા.૬/૧૧/૧૯૭૬ના રોજ પ્રથમવાર નિયુકતી કરવામાં આવી હતી જોકે માત્ર ૩૪ દિવસમાં તેઓને તા.૯/૧૧/૧૯૭૬ના રોજ ચેરમેન પદેથી હટાવી દેવામાં અ વ્યા હતા ત્યારબાદ ફરી તેઓની તા.૯/૨/૧૯૮૧ના રોજ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી. આ નિયુકતી ખૂબજ લાંબી અને રેકોર્ડ બ્રેક હતી તેઓ સતત સાત વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા સૌથી વધુ સમય સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે રહેવાનો રેકોર્ડ આજે પણ વિનોદભાઈ શેઠના નામે છે.જયારે બીજા ક્રમે રાજયના વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેઓ બે વખત સ્ટે. ચેરમેન બન્યા પ્રથમ વખત તેઓને તા.૯/૨/૧૯૮૮ના રોજ ચેરમેનનો તાજ પહેરાવવામાં આવ્યો તેઓ પ્રથમ ટર્મમાં પાંચ વર્ષ અને આઠ માસની રહી ત્યારબાદ તા.૩/૭/૧૯૯૫ ના રોજ ફરી તેઓની ચેરમેન પદે નિયુકતી કરાય બીજી ટર્મમાં તેઓનો કાર્યકાળ એક વર્ષ અને આઠ દિવસનો એટલે કે તા.૧૧/૭/૧૯૯૬ સુધીનો રહ્યો.

છ નગર સેવકોને બે વાર  ‘ચેરમેન’ની લોટરી

ભાજપના પાંચ અને કોંગ્રેસના એક સહિત કુલ છ એવા ભાગ્યશાળી નગર સેવકો છે. જેને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન બનવાની એકવાર નહી પરંતુ બબ્બે વાર તક મળી હોય. સામાન્ય રીતે પક્ષ દ્વારા કોઈપણ વ્યકિતને એક જવાર પદ આપવામાં આવતું હોય છે.પરંતુ સિનિયોરીટી તથા કામ કરવાની આવડતને પારખી પક્ષે એક નહી પરંતુ બબ્બેવાર ચેરમેનની ખુરશી ભેટ આપી સૌ પ્રથમ વિનોદભાઈ શેઠને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવાની બેવાર તક આપવામા આવી હતી ત્યારબાદ વિજયભાઈ રૂપાણી, મેઘજીભાઈ રાઠોડ (કોંગ્રેસ) નીતિનભાઈ ભારદ્વાજ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને ઉદયભાઈ કાનગડને બે વાર ચેરમેન પદ આપવામાં આવ્યું હતુ એક માત્ર ઉદયભાઈ કાનગડ એવા નગરસેવક છેક જેની મેયર તરીકે નિમણુંક થયા બાદ વર્ષો પછી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે નિમણુંક થઈ બાકી વિનોદભાઈ શેઠ વિજયભાઈ રૂપાણી અને ડો. જૈમન ઉપાધ્યાય પહેલા સ્ટેન્ડીંગ ચેરમેન બન્યા હતા અને ત્યારબાદ મેયરની ખુરશીએ પહોચ્યા હતા વિનોદભાઈ શેઠે સાત વષૅ સુધી ખડી સમિતિના ચેરમેન પદને ભોગવ્યાબાદ બીજા જ દિવસે મેયરની ખુરશી શોભાવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નામાવલી

૧.      અશ્ર્વિનભાઈ મહેતા

૨.      કાંતિભાઈ જાની

૩.      વિનોદભાઈ શેઠ

૪.      રમણીકભાઈ પંડયા

૫.      વિનોદભાઈ શેઠ

૬.      વિજયભાઈ રૂપાણી

૭.      વિજયભાઈ રૂપાણી

૮.      જનકભાઈ કોટક

૯.      મનસુખલાલ પટેલ

૧૦.    ધનસુખભાઈ ભંડેરી

૧૧.    બિપીનભાઈ અઢીયા

૧૨.    લાધાભાઈ પટેલ

૧૩.    મેઘજીભાઈ રાઠોડ

૧૪.    મેઘજીભાઈ રાઠોડ

૧૫.    ઈન્દ્રનીલ રાજયગુરૂ

૧૬.    યુવરાજસિંહ સરવૈયા

૧૭.    દાનભાઈ કુંગશીયા

૧૮.    નીતિનભાઈ ભારદ્વા

૧૯.    ઉદયભાઈ કાનગડ

૨૦.    ડો.જૈમન ઉપાધ્યાય

૨૧.    કમલેશભાઈ મિરાણી

૨૨.    કશ્યપભાઈ શુકલ

૨૩.    નરેન્દ્રભાઈ સોલંકી

૨૪.    ડો. જૈમન ઉપાધ્યાય

૨૫.    રાજભા ઝાલા

૨૬.    નીતિનભાઈ ભારદ્વાજ

૨૭.    પુષ્કરભાઈ પટેલ

૨૮.    ઉદયભાઈ કાનગડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.