Abtak Media Google News

14 ફેકલ્ટીના ડીન-અધરધેન બિનહરીફ: કાયદામાં જાડેજા-દવે, એજ્યુકેશનમાં હરદેવસિં-બારોટ, કોમર્સમાં દવે-ગરમોરા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટમાં જનરલની 5, ટીચર્સની 1, આચાર્યની 2 બેઠક પણ બિનહરીફ

સૌથી મોટી આર્ટસ ફેકલ્ટીની બે બેઠક પર ડીન તરીકે ડો.પ્રવિણસિંહ ચૌહાણ અને અધરધેન ડીન તરીકે ડો.યજ્ઞેશ જોશી બિનહરીફ ચૂંટાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે બિનહરીફ થઈ છે. કોંગ્રેસ-ભાજપની ‘સમજુતી’એ યુનિવર્સિટીમાં ઈતિહાસ સર્જયો છે. વર્ષોથી એવી પરંપરા રહી છે કે, જ્યાં ભાજપ-કોંગ્રેસ એકબીજાના વિરોધમાં ઓછા અને સહયોગમાં વધુ રહ્યાં હોય પછી તે યુનિવર્સિટીની સિન્ડીકેટ હોય, એકેડેમીક કાઉન્સીલ હોય કે બોર્ડ ઓફ એકાઉન્ટ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંચાલન કરતી ભાજપ-કોંગ્રેસના સહિયારા રાજકારણથી ચાલી રહી છે અને આ વર્ષની ચૂંટણીમાં એવુંજ થયું છે. સરકારની નિયુક્ત સિન્ડીકેટ સિવાય મોટાભાગના સભ્યો જુદી જુદી બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

આ ઉપરાંત વાત કરીએ તો એકેડેમીક કાઉન્સીલમાં અગાઉ જ 13 જેટલી ડીન-અધરધેન ડીનની બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જો કે, આર્ટસ ફેકલ્ટી સિવાયની તમામ ફેકલ્ટીના ડીન-અધરધેન ડીન ફાઈનલ થઈ ગયા છે. આજે આર્ટસ ફેકલ્ટીનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં આર્ટસ ફેકલ્ટીમાં ડીન તરીકે ડો.યજ્ઞેશ જોશીએ ફોર્મ પરત ખેંચી લીધું હતું અને પ્રવિણસિંહ ચૌહાણ ડીન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 3 વાગ્યા આસપાસ ડો.જયદિપસિંહ ડોડીયાએ પણ અધરધેન ડીન તરીકેનું ફોર્મ પરત ખેંચતા ડો.યજ્ઞેશ જોશી આર્ટસ ફેકલ્ટીના ડીન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

14 ફેકલ્ટીની ડીન-અધરધેન ડીનની બેઠક બીન હરીફ થતાં તેમાં કાયદા વિદ્યાશાખામાં ડીન તરીકે મયુરસિંહ જાડેજા અને અધરધેન રાજુભાઈ દવે, એજ્યુકેશન ફેકલ્ટીમાં ડીન હરદેવસિંહ જાડેજા અને અધરધેન ડીન તરીકે નિદતભાઈ બારોટ, કોમર્સમાં ડીન તરીકે ધારી કોલેજના આર.કે.દવે અને અધરધેન ડીન તરીકે જે.એલ.ગરમોરા, ગ્રામ્ય વિદ્યામાં ઝાટકીયા અને દિપુ પરમાર, ફાર્મસીમાં અધરધેન ડીન તરીકે મીહીર રાવલ બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન વિદ્યાશાખામાં ડીન તરીકે ડો.ગીરીશ ભીમાણી અને અધરધેન તરીકે ડો.મેહુલભાઈ રૂપાણી, ગૃહ વિજ્ઞાનમાં ડીન તરીકે નિલાંબરીબેન દવે અને અધરધેન તરીકે પ્રો.અલ્પાબેન ચૌહાણ, બિઝનેશ મેનેજમેન્ટમાં ડો.પ્રતાપસિંહ ચૌહાણ અને અધરધેન તરીકે ડો.સંજય ભાયાણી, પરર્ફોમીંગ આર્ટસમાં ડીન તરીકે ભારતીબેન રાઠોડ અને અધરધેન ડીન તરીકે ડો.કલાધર આર્ય, આર્કિટેકચરમાં ડીન તરીકે ડો.દેવાંગ પારેખ અને અધરધેન તરીકે ડો.રાહુલભાઈ મહેતા, મેડીસીનમાં ડીન તરીકે ડો.વિજયકુમાર પોપટ અને અધરધેન તરીકે ભાવીન કોઠારી અને આજે 14મી સૌથી મોટી આર્ટસ ફેકલ્ટીની બેઠક પણ બિનહરીફ થતાં ડીન તરીકે ડો.પ્રવિણસિંહ ચૌહાણ અને અધરધેન તરીકે યજ્ઞેશ જોશી ફાઈનલ થયા છે.

સિન્ડીકેટની જનરલની 5 બેઠકમાંથી 4 બેઠકમાં ભાજપના ઉમેદવાર ડો.નેહુલભાઈ શુકલ, ગીરીશભાઈ ભીમાણી, ડો.ભાવીનભાઈ કોઠારી તથા ડો.ભરતભાઈ રામાનુજ બિનહરીફ ચૂંટાયા છે. સિન્ડીકેટની શિક્ષકની એક સીટ પર ભાજપના ડો.મેહુલભાઈ રૂપાણી બિનહરીફ ચૂંટાયા છે. ભવનના વડાની એક સીટ પર ભાજપના દક્ષાબેન ચૌહાણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે આચાર્યની બે બેઠકમાંથી ભાજપના એક ઉમેદવાર ડો.રાજેશ કાલરીયા અને કોંગ્રેસના ધરમભાઈ કાંબલીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને જનરલની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરદેવસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની ચૂંટણી પ્રક્રિયા કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર સંપૂર્ણ બિનહરીફ થઈ છે.

એસી ટુ સિન્ડીકેટની 2 બેઠક પર કયો ચહેરો?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમવાર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ રીતે બિનહરીફ થઈ છે. જેમાં સિન્ડીકેટની જનરલની 4 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસ તેમજ શિક્ષકની એક સીટ પર ભાજપના ઉમેદવાર જ્યારે ભવનના વડાની એક સીટ પર ભાજપના ડો.દક્ષાબેન ચૌહાણ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે આચાર્યની બે બેઠકોમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ડો.રાજેશ કાલરીયા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો.ધરમભાઈ કાંબલીયા બિનહરીફ ચૂંટાયા છે. હવે માત્ર સરકારની નિયુક્તિ 4 સિન્ડીકેટ સભ્યો અને એસી ટુ સિન્ડીકેટના 2 સભ્યો પર કયો ચહેરો આવશે તેના પર પ્રશ્ર્નાર્થ છે. આગામી 23 મે બાદ એકેડેમીક કાઉન્સીલની બેઠક મળવાની છે જેમાં બે નામોની યાદી જાહેર થશે અને આ બે એસી ટુ સીન્ડીકેટની બેઠક પર અનેક નામો હાલ ચર્ચાઈ રહ્યાં છે જેમાં ડો.નિલાંબરીબેન દવે, ડો.કલાધર આર્ય અને ડો.મહેશભાઈ ચૌહાણ સહિતના નામો સામેલ છે. જો કે હવે આ બે સીટ પર ક્યો ચહેરો આવે તેના પર સૌની મીટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.