Abtak Media Google News

જનરલ બોર્ડ સમયે જ મહિલાઓએ કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા: ભાજપના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજાનો ઘેરાવ: મહિલાઓનો રોષ પારખી કોર્પોરેશનનો દરવાજો બંધ કરવાની ફરજ પડી: વિજીલન્સ પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ: સતત દોઢ કલાકથી વધુ બબાલ

રાજકોટ મહાનગરપાલિકામાં એક તરફ પાણી વેરામાં વધારો કરવાની દરખાસ્ત અંગે જનરલ બોર્ડમાં નિર્ણય લેવામાં આવી રહ્યો હતો ત્યારે બીજી તરફ પાણી પ્રશ્ર્ને માધાપર ગામની વિવિધ સોસાયટીઓની મહિલાઓએ રણચંડી બની કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. કોર્પોરેશન હાય હાયના નારા લગાવ્યા હતા અને ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજાનો ઘેરાવ પણ કર્યો હતો.

જો એક મહિનામાં પાણી પ્રશ્ર્ન હલ નહિ કરવામાં આવે તો ચક્કાજામ સહિતના આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વિજીલન્સ પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સતત દોઢ કલાક બબાલ ચાલી હતી. મહિલાઓનો રોષ પારખી એક તબક્કે કોર્પોરેશનનો દરવાજો બંધ કરી દેવાની પણ ફરજ પડી હતી.

આજે મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક ચાલતી હતી ત્યારે માધાપર ગામની સત્યમ શિવમ સુંદરમ સોસા., પરાસર પાર્ક સહિતના વિસ્તારોની મહિલાઓની એક વિશાળ ટોળું પાણી આપો…પાણી આપો….ના નારા સાથે કોર્પોરેશન કચેરીએ પહોંચી ગયું હતું.

Untitled 1 15

વોર્ડ નં.3ના કોર્પોરેટર બાબુભાઇ ઉધરેજાએ મહિલાઓને શાંત પાડવાની કોશિષ કરતા રોષે ભરાયેલી મહિલાઓએ તેઓનો ઘેરાવ કર્યો હતો. એક તબક્કે મહિલાઓ અને વિજીલન્સ પોલીસ વચ્ચે પણ જોરદાર ઘર્ષણ થયું હતું. સતત દોઢ કલાક સુધી રણચંડી બનેલી મહિલાઓએ કોર્પોરેશન કચેરીમાં હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ તેઓએ પાણી પ્રશ્ર્ને મેયર ડો.પ્રદિપ ડવને રજૂઆત કરી હતી. મેયરે ટૂંક સમયમાં પાણી પ્રશ્ર્ન ઉકેલાઇ જશે તેવી ખાતરી આપી હતી. દરમિયાન મહિલાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો એક મહિનામાં પાણી પ્રશ્ર્ન નહિ ઉકેલાઇ તો આગામી દિવસોમાં માધાપર ચોકડી ખાતે ચક્કાજામ સહિતના આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

પાઇપલાઇન નંખાઇ રહી છે ટૂંક સમયમાં પાણી પ્રશ્ન હલ થઇ જશે: મેયર

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે માધાપર વિસ્તાર ત્રણ વર્ષ પૂર્વે રાજકોટ મહાનગર પાલિકામાં ભળ્યો છે. આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને પાણીની સુવિધા આપવા માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નાંખવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નાંખવાનું કામ પૂર્ણ થતાંની સાથે જ ટૂંક સમયમાં માધાપર વિસ્તારની તમામ સોસાયટીઓમાં પાણીનો પ્રશ્ર્ન ઉકેલાઇ જશે. જ્યાં સુધી પાઇપલાઇન બિછાવવાની કામ પૂર્ણ નહિં થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.