Abtak Media Google News

ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ-કારીગરો માટે વર્કશોપ યોજાયા

મહિલા માત્ર આવક રળીને ઘરમાં મદદરૂપ બની શકે તે માટે કમાણી ન કરે પરંતુ એક બિઝનેસવુમન બને તેવી નેમ સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ વિવિધ વિષયે તાલીમ અને માર્ગદર્શન આપે છે તેવું ભુજ સ્મૃતિવન ખાતે મહિલા વેપારીઓ -કારીગરો માટે યોજાયેલા બિલ્ડીંગ વર્કશોપમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું.

મહિલાઓમાં કાયદાકીય અને નાણાકીય અધિકારો અંગે જાગૃતિ આવે અને તેઓ ઓનલાઇન પ્લેટફોર્મનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે માટે તાલીમ મળે તેમજ બજારના નવીનતમ વલણને સમજી તેઓ વ્યવસાયને વેગવાન બનાવી શકે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રનિમાર્ણના કાર્યમાં 50 ટકા મહિલાઓની ભાગીદારી છે. મહિલા પહેલાથી જ સશક્ત છે માત્ર તેણે પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે.

આ શક્તિને જાગૃત કરવા તેમજ વધુ ધારદાર બનાવવા આયોગ મહિલાઓને સરકારની સ્કીમ, બેંકની સેવા, કાનુની બાબતો, કઇ ડીઝાઇન માર્કેટમાં ચાલે છે વગેરે બાબતોમાં તાલીમ અને માહિતી આપે છે. મહિલા આયોગ માત્ર સ્ત્રીઓની ફરીયાદ જ નથી લેતું પરંતુ મહિલાઓને મુસીબતોનો સામનો ન કરવો તેવી મજબુત બને તેવી કામગીરી કરે છે. તેમણે કહ્યું હતું કે, કોઇપણ સ્ત્રી રાષ્ટ્રીય મહિલા આયોગની વેબસાઇટ પર જઇને ફરીયાદ કરી શકે છે તેમજ કોઇપણ મહિલા ગ્રુપને કોઇપણ પ્રકારની તાલીમની જરૂર છે તો તે પણ જણાવી શકે છે. અમે તેનું આયોજન કરશું.

આ પ્રસંગે સરકારની વિવિધ સ્કીમના લાભાર્થીને પ્રશસ્તિ પત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગોવિંદ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કચ્છની મહિલા સશકત બને તે માટે વિવિધ કામગીરી કરાઇ રહી છે. મહિલાને પુરૂષ સમોવડી બનવાની જરૂરત નથી કારણ કે તે પહેલાથી જ તેનાથી આગળ છે. માત્ર સમાજમાં મહિલાઓને લઇને ફેલાયેલી વિચારને બદલવાની જરૂર છે. આ પ્રસંગે એસબીઆઇના મેનેજર નિરજકુમારે બેંકની લોન અંગે હેન્ડીક્રાફટના ડાયરેકટર રઘુવીર ચૌધરીએ માર્કેટની માંગ તથા ઇડીઆઇઆઇના અમિત પંચાલે ઇ-માર્કેટીંગ વિશે મહિલાઓને સમજણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.