Abtak Media Google News

માહિતી સાથે મનોરંજન પુરૂ પાડતા ઇ-બૂક એપ્લીકેશન અને વેબસાઇટસ, બ્લોગ્સનું ચલણ વઘ્યું

પુસ્તક એટલે જ્ઞાનનો અફાટ સાગર અને વાચક એટલે ખલાસી

વિશ્વમાં આગની જેમ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. જાણે કોઈ હોરર સાયન્સ ફિકશન નવલકથાની જેમ મિનિટે મિનિટે આખું વિશ્વ આ ભયાનક રોગના સકંજામાં ભીંસાતુ જતુ હોય તેવી ઉભી થયેલી પરિસ્થિતિ સામે તંત્ર પુરજોશથી લડી રહ્યું છે,  કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. જેના કારણે વિશ્વના અન્ય દેશોની સાપેક્ષમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ઓછુ રહ્યું છે. અને લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ રહેતા હોઈ આ સમયગાળામાં લોકોને પુસ્તકો સાથે મૈત્રી કરવાનો સુવર્ણ અવસર મળ્યો છે.

કહેવાય છે કે, પુસ્તકો એટલે જ્ઞાનનો અફાટ સાગર અને વાચક એટલે ખલાસી. એક સાગરખેડૂ દરિયાની મુસાફરીમાં જેમ અનુભવ-રોમાંચના નવા પડાવ હાંસલ કરે છે, તેમ પુસ્તકના સાગરમાં વાચકો કિંમતી મોતીરૂપી જ્ઞાન મેળવે છે. વિશ્વમાં આ જ્ઞાનની સરવાણી સદાય વહેતી રહે તે માટે સમગ્ર વિશ્વમાં ૨૩ એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાન નાટ્યકાર અને પ્રખર સાહિત્યસર્જક વિલિયમ શેક્સપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અને તે જ તારીખે તેઓ અવસાન પામ્યા હતા. તેમના સાહિત્ય જગતના પ્રદાનને ધ્યાને લઇને તેમના લેખનકાર્ય થી પ્રેરાઈને સમગ્ર વિશ્વ પુસ્તકો સાથે જોડાય એ વિચારથી યુનેસ્કો દ્વારા ૨૩ એપ્રિલ ૧૯૯૫ થી વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે, પુસ્તકો માણસનાં શ્રેષ્ઠ મિત્રો છે, કારણ કે, એ માનવ મનમાં અનેક સકારાત્મક વિચારોનું બીજ રોપી તેને વટવૃક્ષ બનવા તરફ લઈ જાય છે. પુસ્તકોએ વ્યક્તિ, જૂથ, માનવ સમુદાયનું દર્પણ બની વર્ષોથી પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેથી જ એ ફક્ત પ્રત્યાયનનું માધ્યમ નથી પરંતુ માનવ ચેતનાને જાગ્રત કરવાનું સાચુ માધ્યમ પણ છે.

પુસ્તક માત્ર બે કાચા-પાકા પૂઠ્ઠા વચ્ચે રહેલી રચનાકારની વાત સાથે સંબંધ ધરાવતું નથી. પુસ્તકનો સંબંધ ભૂતકાળ અને ભવિષ્ય બંને સાથે જોડાયેલો છે. આથી જ કેટલાય સાહિત્યકારો આજે પણ પુસ્તકનાં પાંના પર જીવતા રહી શક્યા છે.

જ્યારે રેડિયો, ટેલિવિઝન કે બીજા મનોરંજનના સાધનોની શોધ થઇ ન હતી ત્યારે પુસ્તકો જ હતાં જે માણસની એકલતાનાં સાથી બન્યા હતાં. પરંતુ આજની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં ઘણાં બધાં લોકો પુસ્તકોથી વિમુખ થયા છે. આવા પુસ્તક વિમુખ લોકોને આ લોકડાઉનમાં પુસ્તકાભિમુખ થવાનો અવસર આવ્યો છે.

આ સમયમાં વાંચન માટે જેમની પાસે પોતાના મનગમતા પુસ્તકોનું કલેક્શન છે, તે તો વાંચન કરી જ શકે છે પણ જેમની પાસે પુસ્તકોનો સંગ્રહ નથી તેઓ પણ ઇ-બુકના માધ્યમથી વાંચન કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઇકોફ્રેન્ડલી એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી ઇ-બૂક એપ્લીકેશન એન્ડ વેબસાઇટ્સ, બ્લોગ્સનું આપણે ત્યાં ચલણ વધ્યુ છે. પુસ્તક ઘર બેઠા ડાઉનલોડ કરી વાંચી શકાય છે અને મિત્રો સાથ તેની લિંક શેઅર કરી વધુ લોકોને વંચાવી પ્રસાર થઇ શકે છે.

આ વિશે વાત કરતા હિરેનભાઈ વાછાણી જણાવે છે કે,”લોકો હંમેશા એમ કહેતા હોય છે કે પુસ્તકો વાંચવાનો સમય નથી પણ હાલ લોકડાઉનમાં તો સમય જ સમય છે. તો આ સમયમાં જેમની પાસે હાર્ડ કોપી માં પુસ્તકો નથી તેઓ પોતાની રસ રુચિ મુજબના પુસ્તકો ઓનલાઈન વાંચી શકે છે. આ માટે “”https://ndl.iitkgp.ac.in/ “”, “”https://www.pdfdrive.com/””, “https://archive.org જેવી વેબ સાઈટમાં વિવિધ ભાષાના અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત હું સોશિયલ મીડિયાના માધ્યમથી બુક રિવ્યુ પણ આપું છું. જેથી લોકો સુધી વધુ ને વધુ પુસ્તકો પહોંચી શકે”.

’પુસ્તક’ આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ એક પ્રકારની એવી’ટાઇમટ્રાવેલ ટેક્નોલોજી’ છે, જેના દ્વારા વ્યક્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં ઈતિહાસ, ભવિષ્ય કે ભાવવિશ્વમાં ફરી શકે અને જ્ઞાનની ગંગામાં ખરા અર્થમાં ડૂબકી લગાવી કંઇક પામ્યાના સંતોષ સાથે બહાર આવે છે. આ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આપણે પુસ્તકોના વાંચનથી સમયનો સદઉપયોગ કરી, જ્ઞાનમાં વૃદ્ધિ કરી ખરા, અર્થ માં પુસ્તક દિવસની ઉજવણી કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.