Abtak Media Google News

વિશ્વની ૧૬ ટિમો વચ્ચે કુલ ૪૪ મેચ રમાશે: ૨૯મી જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં યોજાશે ફાઇનલ મેચ

ઓડીશામાં મેન્સ હોકી વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ થયો હતો. વર્ષ ૨૦૧૮ પછી આ સતત બીજી વાર મેન્સ હોકી વર્લ્ડકપનું ઓડીશામાં આયોજન થઈ રહ્યું છે. વિશ્વની ૧૬ ટીમો વચ્ચે ખેલાનારા હોકીના મહાજંગ અગાઉ યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં બોલીવૂડ સ્ટાર રણવીર સિંઘ, દીશા પટણી, કે-પોપ ગર્લ્સ ગ્રૂૂપ બ્લેકસ્વાનની સાથે સાથે લીસા મિશ્રા, બેન્ની દયાલ તેમજ શર્મીલા ખોલ્ગડેએ આકર્ષણ જમાવ્યું હતુ.

હોકી વર્લ્ડકપમાં ખરાખરીના મુકાબલા ૧૩મી જાન્યુઆરી એટલે કે આવતીકાલથી શરુ થવાના છે. જોકે તે અગાઉ યોજાયેલા આ સમારંભમાં ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર, હોકી ફેડરેશનના પ્રમુખ અને ભૂતપૂર્વ ખેલાડી દિલીપ તિરકે પણ ઉપસ્થિત રહ્યા હતા. કટકના બારાબતી સ્ટેડિયમમાં ૪૦ હજાર પ્રેક્ષકોની હાજરીમાં રંગારંગ સમારંભ યોજાયો હતો.

અભિનેતા અર્ચિત સાહુુ અને સવ્યસાચી મિશ્રાએ પણ આગવું આકર્ષણ જમાવ્યું હતુ. બોલીવૂડના કંપોઝર પ્રિતમ ચક્રવર્તીએ પણ પર્ફોમન્સ આપ્યું હતુ. જોકે ઉદ્ઘાટન સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમારર જોવા મળી હતી.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી દિલીપ તિર્કીની સાથે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

કટકમાં મહાનદીના કિનારે રેતીમાંથી ૧૦૫ ફૂટ લાંબી હોકી સ્ટીક બનાવવામાં આવી હતી. આમાં લગભગ ૫૦૦૦ હોકી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી સેન્ડ હોકીનો દરજ્જો ધરાવતી આ હોકીને બનાવવામાં લગભગ 2 દિવસનો સમય લાગ્યો હતો.

મ્યુઝિક ડાયરેક્ટર પ્રિતમે ઓપનિંગ સેરેમનીના ૫ દિવસ પહેલા ‘હોકી હૈ દિલ મેરા’ એન્થમ રજૂ કર્યું હતું. આ એન્થમ ટૂર્નામેન્ટનું ઓફિશિયલ એન્થમ છે.

બુધવારે ઓપનિંગ સેરેમની બાદ ૧૩ જાન્યુઆરીથી વર્લ્ડ કપની મેચ રમાશે. ભારતની પહેલી મેચ સાંજે ૭ વાગ્યાથી રૂરકેલામાં સ્પેન સામે થશે. ૧૭ દિવસીય ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભુવનેશ્વરમાં ૨૯ જાન્યુઆરીએ રમાશે. ૧૬ ટીમની ટૂર્નામેન્ટમાં કુલ ૪૪ મેચ રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.