Abtak Media Google News

જામનગરમાં યમરાજા એ પડાવ નાખ્યો હોય તેમ દિન-પ્રતિદિન મૃત્યુઆંક વધતો જાય છે, અત્યાર સુધીમાં અનેક લોકોના કોવીડ હોસ્પિટલમાં મૃત્યુ થઇ ચૂકયા છે.જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમા કુલ ૧૦૩ પોસિટિવ કેસ નોંધાયા છે તો ૧૨ લોકોના મૃત્યુ થયા છે

Advertisement

કોરોના મા  હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શકયતા છે,જામનગર શહેરમાં ૯૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ થઇ કુલ ૧૧૬ કેસ પોઝીટીવ આવ્યા છે, વાલ્કેશ્ર્વરીનગરીમાં રહેતા એક વૃઘ્ધના મૃત્યુ બાદ ગઇકાલે તેના યુવાન પુત્રનું પણ કોવીડ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે અને ગઇકાલે કુલ ૧૧૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે હવે મૃત્યુ આંક અપાતો નથી, પોઝીટીવ કેસવાળા દર્દીઓના નામ પણ અપાતા નથી, ત્યારે  વધુ ૪ના મોત થઇ ચૂકયા છે, કોવીડ હોસ્પિટલમાં ટપોટપ મૃત્યુ થયા છે, એક તરફ ડોકટરોની ખોટ વર્તાય છે, બીજી તરફ અન્ય વિભાગના ડોકટરોને ફરજ સોંપવામાં આવે છે, યમરાજાએ તો કોવીડ હોસ્પિટલને પોતાનો અડ્ડો બનાવી લીધો છે, પટેલકોલોનીમાં પહેલા રહેતા અને હાલ વાલ્કેશ્ર્વરીનગરીમાં રહેતા દેવેન્દ્રભાલ દ્વારકાદાસ સવજાણીનું ગઇકાલે કોવીડ હોસ્પિટલમાં મોત થયું હતું, ત્રણેક દિવસ પહેલા તેમના પિતા ૭૨ વર્ષના દ્વારકાદાસ સવજાણીનું કોવીડ હોસ્પિટલમાં મોત થયું હતું જયારે તેલના વેપારી સુવિધીકુમાર ભગવાનજીભાઇ પુનાતરનું મોત થયું હતું. આમ પિતા પુત્રના મોત થતાં સવજાણી કુટુંબમાં શોકની લાગણી જન્મી છે.

જામનગર મહાપાલિકાની યાદીમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૬૦૧૪૨ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે, હાલમાં એકટીવ કેસ ૨૦૩ છે, ગઇકાલે શહેરમાં ૯૮ કેસ પોઝીટીવ આવ્યા હતાં અને અત્યાર સુધીમાં મહાપાલિકાના ચોપડે ૧૭ના મોત દર્શાવાયા છે જે પણ નવાઇની વાત છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૬૨૪૯૨ ટેસ્ટ થયા છે, ગઇકાલે ૧૮ નવા પોઝીટીવ કેસ આવ્યા છે, હાલમાં ૫૬ એકટીવ કેસ છે અને ગઇકાલે ૧૦ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે અત્યાર સુધીનો મૃત્યુ આંક ૧૧ સુધીનો દર્શાવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત લઇએ તો ગઇકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા છે જયારે ૧૮ દર્દીને રજા આપવામાં આવી છે. હાલમાં ૧૦૨ એકટીવ કેસ છે, જામનગરની કોવીડ હોસ્પિટલમાં મૃત્યુનો સીલસીલો વધતો જાય છે, દરરોજના ઓપીડીમાં ૧૫૦થી વધુ દર્દીઓ આવે છે અને તેમાંથી ૯૦ થી ૧૦૦ જેટલા દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવે છે, જામનગરની વસ્તી પ્રમાણે મૃત્યુ આંક વધી ગયો છે,  હોસ્પિટલમાં ૩૫ ટકાથી વધુ સ્ટાફની અછત છે, ઓર્થોપેડીક, એનેથેસીયા, સર્જરી વિભાગના ડોકટરોને પણ હવે કોરોના વોર્ડમાં કામે લગાડી દેવામાં આવ્યા છે, શહેરમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અન્ય લોકોના મોત થતાં જાય છે જયારે જામનગરની કોવીડ હોસ્પિટલ યમનગર બની ગઇ છે.

સોશિયલ ડિસ્ટન્સના ભંગમાં ૪ વેપારીઓ સામે ગુનો

જામનગરમાં ચાર વેપારીઓ સામે ગઈકાલે પોલીસે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવવા અંગે કાર્યવાહી કરી છે. તે ઉપરાંત પડાણા પાસેથી મોટરમાં વધુ પડતા મુસાફર બેસાડી જતો વાહનચાલક પકડાયો છે.

જામનગર શહેરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે પોલીસે કરેલા પેટ્રોલીંગમાં પવનચક્કી પાસે ગણેશ વડાપાઉં નામની રેકડી ચલાવતા સચીન પ્રવિણભાઈ નંદાએ પોતાની રેકડીએ ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવ્યું હોવાનું દૃષ્ટિગોચર થતા પોલીસે સચીન સામે આઈપીસી ૧૮૮ હેઠળ કાર્યવાહી કરી છે. જ્યારે એસટી ડેપો સામે નિલમ જ્યુસ નામની દુકાન ચલાવતા સલીમ મજીદભાઈ મેમણે પણ ગ્રાહકોની ભીડ એકઠી કરી હતી.

કાલાવડ નાકા બહાર પાંચ હાટડીમાં તૌસીફ સલીમભાઈ લાખાએ પણ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરાવતા તેમની સામે કાર્યવાહી કરાઈ છે ઉપરાંત જામનગર તાલુકાના ધ્રાંગડા ગામના ભોજા વિરમ બાંભવા અને જામજોધપુરનો સોહીલ મામદ સંધી માસ્ક વગર નીકળતા પોલીસે બન્ને સામે ગુન્હા નોંધ્યા છે. પડાણાના પાટીયા પાસેથી કલ્યાણપુરના રાવલ ગામનો મોટરચાલક કેશુભાઈ મેરામણભાઈ કોળી અગિયાર મુસાફર બેસાડી મોટર સાથે નીકળતા પોલીસે એપેડેમીક ડીસીસ એક્ટ તેમજ આઈપીસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે અને કાલાવડમાં મકરાણી સણોસરા ગામમાંથી ભરત રઘુભાઈ દેવીપૂજક કારણ વગર આંટા મારતો ઝડપાઈ ગયો છે.

કોરોનામાં પ્લાઝમાની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે કોરોના સેવિયર્સ ગ્રુપની રચના

જામનગરમાં કોરોના વાઈરસનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આ વાઈરસનો ભોગ બનેલા ગંભીર અને પલાઝમાની જરૃરિયાતવાળા દર્દીઓને યોગ્ય સમયે પ્લાઝમા મળી રહે તો આવા દર્દીઓને નવજીવન પ્રાપ્ત થાય છે, પરંતુ વર્તમાન સમયમાં જામનગરમાં તેની ખેંચ વર્તાઈ રહી છે, ત્યારે જામનગરમાં કોરોના સેવિયર્સ ગ્રુપની ડો. કે.એસ. મહેશ્વરીના વડપણ હેઠળ કરવામાં આવી છે. આ ગ્રુપમાં શહેરની જુદી જુદી સંસ્થાઓના આગેવાનોને પણ જોડવામાં આવ્યા છે. જેમાં બિપેન્દ્રસિંહ જાડેજા (ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ), બટલાજી, હિતેષ દહિંયા, પ્રદીપ શર્મા, બિપીન કનખરા, જગત રાવલ, સંજય જાની, ભરત રાવલ, ભરત બાવીશી, એસ.કે. ગર્ગ, ભરત વાદી, હરપાલસિંઘ (ગોલડી) વગેરેનો સમાવેશ થાય છે. ગ્રુપ બનાવવાનો મુખ્ય હેતુ કોરોના પોઝિટિવ થઈ ચૂકેલા દર્દીઓને શોધી તેમને પ્લાઝમા ડોનેટ કરવા માટે સમજાવટ કરીને જનજાગૃતિ લાવવા માટેનો છે. આ ગ્રુપની એક બેઠક તાજેતરમાં એમ.પી. શાહ મેડિકલના હોલમાં મળી હતી જેમાં શહેરની અલગ અલગ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પ્લાઝમાના ડોનર શોધવા કોણે શું કામગીરી કરવી તેની વહેંચણી કરવામાં આવી હતી. જે વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરે તેને સર્ટીફિકેટ, મોમેન્ટો આપી સન્માનિત કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.