Abtak Media Google News

સ્ટાલીનની જાહેરાત સામે સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ્ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, રાષ્ટ્રીય જનતા દળ, સીપીએમે પોતાનો વિરોધ નોંધાવ્યો

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી પાંચ રાજયોની ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ રાજયોમાં સત્તાધારી ભાજપને મ્હાત આપી હતી. આ વિજયથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ વિપક્ષોનાં વડાપ્રધાનપદના દાવેદારોમાં આગળ ચાલી રહ્યું છે. ત્યારે ડીએમકેનાં વડા એમ.કે. સ્ટાલીને ગઈકાલે રાહુલને વડાપ્રધાનપદના વિપક્ષી ઉમેદવાર જાહેર કર્યા હતા જો કે રાહુલને વડાપ્રધાનપદે જાહેર કરવા સામે અનેક વિપક્ષી દળોએ પોતાનો અણગમો વ્યકત કરતા મોદી સરકાર સામેના વિપક્ષી મહાગઠબંધનને ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવા ઘાટ ઘડાઈ રહ્યા છે.

ગઈકાલે ચેન્નઈમાં ડીએમકે પાર્ટીના ચેન્નઈ ખાતેના મુખ્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. એમ.કે. ક‚ણાનિધિની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના માર્ગદર્શક સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેરળના મુખ્યમંત્રી શ્રી વિજયન, આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ, પોંડીચેરરીના મુખ્યમંત્રી વી.નારાયણ સામી સહિતના વિક્ષી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલીને પોતાના પ્રવચનમાં મોદી સરકારના પાંચ વર્ષમાં શાસનમાં દેશ ૧૫ વર્ષ પાછો ધકેલાય ગયાનો અને આગામી ચૂંટણીમાં પર મોદી સરકાર વિજયી બનશેતો દેશ ૫૦ વર્ષ પાછો ધકેલાય જશે તેમ જણાવીને મોદી સરકારને ફાંસીવાદી ગણાવી હતી. ફાંસીવાદી મોદી સામે લડવા રાહુલ સક્ષમ હોય તેના હાથને મજબૂત કરવા તેમને અપીલ કરી હતી.

ત્રણ રાજયોમાં વિજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દ્વારા વિજયનો યશ રાહુલને આપીને તેને મોદી સામે વિપક્ષના વડાપ્રધાનપદનો ચહેરો રજૂ કરવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સ્ટાલીનની આ જાહેરાત બાદ કોંગ્રેસના પ્રયત્નોને વધારે બળ મળ્યું છે જોકે સુત્રોનાં જણાવ્યા મુજબ રાહુલના નામ વિરોધ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા સામે સમાજવાદી પાર્ટી, તેલુગુદેશમ્ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, રાષ્ટ્રીય જનતાદળ, સીપીએમ સહિતની વિપક્ષી પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય વિપક્ષ રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ સાથે આગામી લોકસભાની ચૂંટણી માટે ગઠ્ઠબંધન કરવા પ્રાદેશિક પક્ષોના જોડાણની રચના કરવામાં આવી છે. જેમાં મમતા બેનજી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પ્રાદેશિક પક્ષો વિપક્ષોનાં સંભવીત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રાદેશિક નેતાને પ્રોજેક કરવા માંગે છે. આ પ્રાદેશિક પક્ષોમાં તેલુગુદેશમ્ પાર્ટી આમ આદમી પાર્ટી, અને બહુજન સમાજના પાર્ટી છે જયારે સમાજવાદી પાર્ટીએ પણ અગાઉ જાહેરાત કરી છે કે તેઓ વિપક્ષી મહાગઠબંધનનો એક ભાગ છે. પરંતુ પ્રાદેશિક પક્ષોના મોરચામાં તેઓ જોડાયેલા નથી.

સમાજવાદી પાર્ટીના ઘનશ્યામ તિવારીએ જણાવ્યું હતુ કે વિપક્ષી વડાપ્રધાનના ઉમેદવારનો પ્રશ્ર્ન ખૂલ્લો છે અમે માની છીએ ૨૦૧૯ની ચૂંટણીમાં દેશ નકકી કરશે તે બાદ રચાયેલી સરકાર નકકી કરશે કે વડાપ્રધાન પદનો વિપક્ષી દાવેદાર કોણ હશે. તાજેતરમાં ત્રણ રાજયોમાં આવેલા ચૂંટણીના પરિણામો વર્તમાન સમયમાં મોદી સરકાર સામે રોષ દર્શાવે છે. જે નેતૃત્વના બદલે એજન્ડા પર મતદારોએ આપેલો જનાક્રોશ છે. ટીડીપીના નેતા દિનાકરે જણાવ્યું હતુ કે ૨૦૧૯ની ચૂંટણી પૂર્ણ થયાપછી વડાપ્રધાનપદના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે જો કે તેમાં મુખ્ય ઉમેદવાર રાહુલ ગાંધી છે કારણ કે કોંગ્રેસ વિપક્ષોમાં સૌથી મોટી પાર્ટી છે.

ભાજપ સામે વિપક્ષી મહાગઠ્ઠબંધન બનાવવાની જાહેરાત કરનારા મમતા બેનર્જી અને માયાવતી ગત સપ્તાહે મળેલી ૨૧ વિરોધ પક્ષોની બેઠકમાં જોડાયા ન હતા જેથી, વિપક્ષોમાં એકતા નથી. તેવું ફરિવાર પૂરવાર થયું છે. મમતા અને માયાવતી આજે ત્રણ રાજયોમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓની શપથવિધિમાં સામેલ થશે કે કેમ? તે પણ એક પ્રશ્ર્નાર્થ છે. આ મુદે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસવિજય વર્માએ વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદી સરકારને હરાવવાની વિચારણા કરતા પહેલા વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.