Abtak Media Google News

કોરોનાની મહામારી જયારે વિકરાળ પંજો ફેલાવી રહી હતી ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા હતા. આવા આરોગ્યના કર્મચારીઓ પોતાના વ્યાજબી પ્રશ્નો માટે હડતાળ ઉપર જતા સરકારે તેમની સામે કાયદાનું શસ્ત્ર ઉગામી 134 કર્મચારીઓને ફરજ ઉપર નહી લેવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

એટલુ જ નહી ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું બિરૂદ મેળવનાર 134 આરોગ્યના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોગ્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. જિલ્લામાં કોરોનાની મહામારી સમયે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ ફરજ બજાવતા હતા અને રાત-દિવસ આ કોરોનાને અટકાવવા માટે સરકારની સુચના મુજબ ગ્રામજનોને સારવાર કરવા અને સુચના આપવા જતા હતા. આવા આરોગ્યના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ર્નો લાંબા સમયથી સરકારમાં પેન્ડીંગ હતા.

આવા પ્રશ્ર્નોને લઇને જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ હડતાળ ઉપર તાજેતરમાં ગયા હતા. આ હડતાળ ઉપર કર્મચારીઓ જતા જ એકાએક ગુજરાતના આરોગ્ય વિભાગનું તંત્ર સફાળુ જાગ્યું હતું અને હડતાળ ઉપર ગયેલા જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની મહામારી સમયે હડતાળ ઉપર ગયેલા જામનગરના જિલ્લા પંચાયતના 134 કર્મચારીઓને ફરજ ઉપર ન લેવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત હડતાળ ઉપર જનાર આ 134 કર્મચારીઓ સામે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.