Abtak Media Google News
  • રાજકોટ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગનું પ્રમાણ વધતા એફએસઆઇના વેંચાણમાં 40 ટકાનો વધારો નોંધાયો

રાજકોટ શહેરનો વિકાસ રાજાની કુંવરીની માફક થઇ રહ્યો છે. વિશ્ર્વના સૌથી ઝડપતી વિકસતા 100 શહેરોમાં પણ રાજકોટનો સમાવેશ થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં એફએસઆઇ વેંચાણ થકી કોર્પોરેશનને 142 કરોડ રૂપિયાની માતબર આવક થવા પામી છે. શહેરમાં આકાશને આંબતા હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાનું પ્રમાણ વધવાના કારણે એફએસઆઇ થકી થતી આવકમાં 40 ટકાનો વધારો નોંધાયો છે.

Advertisement

આ અંગે કોર્પોરેશનની ટીપી શાખા પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સરકાર દ્વારા કોમન જીડીસીઆરમાં વર્ટીકલ ડેવલોપને પ્રોત્સાહન આપવા માટે અનેક જોગવાયો રાખવામાં આવી છે. જેના કારણે રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. રાજકોટ ચારેય બાજુ વિકાસ સાધી રહ્યું છે. જેના કારણે બાંધકામ-ઉદ્યોગ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. બાંધકામ માટે કોર્પોરેશન દ્વારા એફએસઆઇનું વેંચાણ કરવામાં આવે છે. જેમાં જમીનના કુલ ક્ષેત્રફળ મુજબ બાંધકામ માટે મળતી પરવાનગી ઉપરાંત વધારાના બાંધકામ માટે ચાર્જેબલ એફએસઆઇ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં એફએસઆઇના વેંચાણ થકી કોર્પોરેશનને રૂ.142 કરોડની તોતીંગ આવક થવા પામી છે.

ગત વર્ષની સરખામણીએ એફએસઆઇ વેંચાણથી થતી આવકમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. આવક વધવા પાછળનું મુખ્ય કારણ હાઇરાઇઝ બિલ્ડીંગ બનાવવાનું પ્રમાણમાં વધારો થવાનું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ગત વર્ષે એટલે કે વર્ષ-2022-2023માં એફએસઆઇ વેંચાણથી 102 કરોડની આવક થઇ હતી.

જેમાં આ વખતે 40 કરોડનો માતબર વધારો નોંધાયો છે. વર્ષ-2023-2024માં ટીપી શાખાને બજેટમાં જમીન વેંચાણ અને એફએસઆઇ વેંચાણનો 600 કરોડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે કુલ બજેટના 25 ટકા જેવો થાય છે. શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો હોવાના કારણે બાંધકામ ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી રહી છે. જેથી એફએસઆઇનું વેંચાણ વધ્યું છે.

બિલ્ડીંગ પરમીશન માટે નવી ડિપોઝીટના નિયમો સોમવારથી અમલી

વર્ષ-2023-2024ના બજેટમાં બિલ્ડીંગ પરમીશન આપવા માટેના હાલ જે નિયમો અમલમાં છે તેમાં ડિપોઝીટના નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે આગામી સોમવારથી અમલી બની જશે. જેમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેની સિસ્ટમ ઉપરાંત વૃક્ષો વાવવા માટે લેવાતી ડિપોઝીટ સહિતના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેની અમલવારી શરૂ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.